Abtak Media Google News

સ્ટેન્ડીંગ કમીટીમાં 112 કરોડના વિકાસ કામને મારી મંજુરીની મહોર

અબતક, દર્શન જોશી, જુનાગઢ

જુનાગઢ વાસીઓના હાડકા ખોખરા કરી નાખતા તૂટી ગયેલા રસ્તાઓનું જો વરસાદ વેરી નહિ બને તો, આગામી તા. 16 થી  નવીનીકરણ કરવાનું કામ શરૂ કરવામાં આવશે અને દિવાળી પહેલા તમામ રસ્તાઓ નવા બની જશે તેવા સારા સમાચાર મહાનગરપાલિકા દ્વારા આવ્યા છે, આ સાથે મહાનગરમાં રૂ. 112 કરોડના વિકાસ કામો થાશે તેવું ગઈકાલે મનપા શાસકોએ જણાવ્યું છે.

જુનાગઢ મહાનગરપાલિકાના સભાખંડમાં ગઈકાલે જૂનાગઢના મેયર ગીતાબેન પરમાર, ગીરીશભાઈ કોટેચા, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન હરેશભાઈ પરસાણા, શાસક પક્ષના નેતા  કિરીટભાઈ ભીંભા તથા સ્ટેન્ડિંગ કમિટીના સદસ્યોની ઉપસ્થિતિમાં એક પત્રકાર પરિષદમાં સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન હરેશભાઈ પરસાણા એ જણાવ્યું હતું કે, રૂ. 12 કરોડના વિકાસ કામો આજે મળેલી મનપાની સ્થાનિક સમિતિની ખાસ બેઠકમાં મંજૂર કરાયા છે.  અને રૂ. 38 કરોડના ખર્ચે જુનાગઢના રસ્તાઓનું નવીનીકરણ કરવામાં આવશે. જેનું કામ આગામી 16 તારીખથી જો વરસાદ વિલન નહીં બને તો શરૂ કરવામાં આવશે તથા દિવાળી પહેલા જુનાગઢના લગભગ તમામ રસ્તાઓ નવા બની જશે.

રસ્તા સહિતની બાબતોમાં શહેરીજનોની સમસ્યા ઓછી થાય અને શહેરનો સર્વાંગી વિકાસ થાય તે માટે પોઝિટિવ અભિગમ સાથે શહેરના રસ્તાના નવી કારણ માટેના ટેન્ડરો મંજૂર થઈ ગયા છે. અને જો વરસાદ વેરી નહીં બને તો આગામી તા. 16 મી થી રૂ. 38 કરોડના ખર્ચે રસ્તાઓના કામો શરૂ કરી દેવામાં આવશે. જેના કારણે રસ્તાઓની સમસ્યા દિવાળી પહેલા નહિ રહે. આ ઉપરાંત કચરાના નિકાલ માટેની રૂ. 15 કરોડની યોજના મંજુર કરાય છે તથા શહેરના સોનાપુર સ્મશાનમાં નવી ગેસ ભઠ્ઠી અને વિદ્યુત ભઠ્ઠી મૂકવાનું કામ ઉપરાંત અર્બન હેલ્થ સેન્ટરોમાં ઓક્સિજન પ્લાન્ટ મુકવાના તથા નવા ફાયર સ્ટેશન જુનાગઢ મહાનગરમાં ઊભું કરવા માટેની સ્ટેન્ડિંગ કમિટીમાં સર્વાનુંમતે મંજૂરીની મહોર મારી દેવામાં આવી છે.

સ્ટેન્ડિંગ કમિટીએ રૂ. 112 કરોડના શહેરના વિકાસ કામોને મંજૂરી આપતા જૂનાગઢના મેયર ગીતાબેન પરમાર એ સ્ટેન્ડિંગ કમિટીનો આભાર માન્યો હતો અને ભૂગર્ભ ગટર સહિતની કામગીરી માટે તોડવામાં આવેલા રસ્તાઓ હવે થોડા સમયમાં જ નવા બની જશે તેવી ખાતરી આપી હતી અને જુનાગઢ ને જરૂરી એવા તમામ વિકાસ કાર્યો હાથ ધરાઈ રહ્યા છે તેમ જણાવ્યું હતું.

જૂનાગઢના ડેપ્યુટી મેયર ગીરીશભાઈ કોટેચા એ પોતાની લાક્ષણિક અદામાં જણાવ્યું હતું કે, અમો ચોખા દિલે એક થઈને જૂનાગઢ મહાનગરની સતત ચિંતા કરીએ છીએ ઓફિસોમાં બેસી અમે વાતો નહીં પણ જુનાગઢને સારું શું આપવું તે અંગે કાર્યરત હોઈએ છીએ. જો કે કોઈપણ કામ કરવા માટેની પ્રક્રિયા લાંબી હોય છે અને અમને ખબર છે કે, જૂનાગઢના રસ્તાઓ ઘણા સમયથી તોડવામાં આવ્યા છે અને લોકો પરેશાન થઈ રહ્યા છે પરંતુ અમારી પણ મજબૂરી હોય છે પરંતુ હવે રસ્તા અંગેનો પ્રશ્ન જુનાગઢ વાસીઓ માટે ભૂતકાળ બની જશે. અને જૂનાગઢની જનતાને 50 વર્ષ સુધી સુવિધાઓ મળી રહે એવા કામો કરીશું.

દિવસ સુધરે એટલે છાપા વાંચવાનું બંધ કર્યું : ડેપ્યુટી મેયર

ભૂગર્ભ ગટર અને ગેસની લાઈનને કારણે રસ્તા તોડવામાં આવ્યા છે અને પ્રજાને ભારે મુશ્કેલીઓ પડી રહી છે તેનો ગઈકાલે શાસકોએ સ્વીકાર કર્યો હતો. તે સાથે ડેપ્યુટી મેયર ગીરીશભાઈ કોટેચા એ જણાવ્યું હતું કે, છેલ્લા ઘણા સમયેથી જુનાગઢના તૂટેલા રસ્તાઓ, ખાડા ખબડામાં અથડાતા પડતા લોકોના સમાચારો અખબારોમાં પ્રસિદ્ધ થઈ રહ્યા છે. ત્યારે આવા સમાચારોથી અમો વ્યાકુળ બન્યા હતા અને દિવસો સુધરે તે માટે છાપા વાંચવાનું બંધ કર્યું હતું. જો કે કોટેચાએ જણાવ્યું હતું કે, અમો સતત ચિંતત હતા પરંતુ લાંબી પ્રક્રિયાના કારણે કામો શરૂ થયા ન હતા અને પ્રજાનો પૈસો પાણીમાં જાય તે યોગ્ય ન હતું.

સુદર્શન તળાવના વિકાસ માટેનો મુદ્દો પત્રકાર પરિષદમાં ઉઠ્યો

જૂનાગઢનું સૌકાઓ જૂનું ઐતિહાસિક સુદર્શન તળાવ પ્રવાસન યોગ્ય બને તે માટે સૌએ સહિયારો પ્રયત્ન કરવો જોઈએ અને તેમાં ખાસ કરીને પત્રકાર મિત્રો સહયોગ આપે તેવો ડેપ્યુટી કમિશનર ગિરીશ કોટેચાએ અનુરોધ કરવાની સાથે સરકાર દ્વારા સુદર્શન તળાવ પ્રવાસન યોગ્ય બને તે માટે જે ગ્રાન્ટ મંજૂર થશે તો તે સંપૂર્ણ ગ્રાન્ટ આ તળાવ વન વિભાગ હસ્તકનું હોય તેમને હવાલે કરાશે. પરંતુ સુદર્શન તળાવ પ્રવાસન યોગ્ય બને અને દેશ-વિદેશના પ્રવાસીઓ આ તળાવની મુલાકાત સાથે જૂનાગઢના મહેમાન બને તેવી ભાવના વ્યક્ત કરી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.