Abtak Media Google News

ડોકલામ વિવાદ પૂર્ણ થયા બાદ હવે નાથુલાથી ફરી કૈલાસ માનસરોવર યાત્રા શરુ કરવા ભારત-ચીન વચ્ચે વાતચીત

ભગવાન ભોળાનાથના નિવાસ સ્થાન ગણાતા એવા કૈલાસ માનસરોવરની યાત્રા સરળ થાય તે માટે સરકારે કમર કસી છે. ડોકલામમાં ઉભી થયેલી તનાવપૂર્ણ સ્થિતિની અસર કૈલાસ માનસરોવર યાત્રા પર પડી છે. નાથુલાથી કૈલાસ માનસરોવરની યાત્રા ફરીથી શરુ થાય તે માટે ભારત સરકાર ચીન સાથે સતત સંપર્ક કરી રહી છે.

વિદેશ રાજયમંત્રી જનરલ વી.કે.સિંહે રાજયસભામાં એક પ્રશ્ર્નો લેખીત જવાબ આપતા આ જાણકારી કરી હતી કે જેમાં તેમણે જણાવ્યું હતું કે નાથુ લા થી કૈલાસ માનસરોવરની યાત્રા પુન: શરુ કરવા સરકાર ચીનના સંપર્કમાં છે. ઉલ્લેખનીય છે કે ડોકલામ મુદ્દે ભારત અને ચીનની સેના છેલ્લા બે મહીનાથી આમને-સામને આવી છે. બંને દેશો વચ્ચે ઘર્ષણને કારણે આ વર્ષે નાથુ લા ના રસ્તાથી કૈલાસ માનસરોવરની યાત્રા થઇ ન હતી.

વિદેશી મંત્રી સુષ્મા સ્વરાજે પણ તાજેતરમાં ચીનના વિદેશમંત્રી ભારત મુલાકાતે આવ્યા તે સમયે આ મુદ્દો ઉઠાવ્યો હતો અને ચર્ચા કરી હતી જણાવી દઇએ કે ૧૬ જુનના રોજ ડોકલામ ગતિરોધ શરુ થયો હતો જયાં ભુતાનના દાવા વાળા ક્ષેત્રમાં ભારતીય સૈનિકોએ ચીની સૈનિકોને માર્ગ બનાવતા રોકયા હતા. જો ચીન આ માર્ગ બનાવત તો ભારતના ઉત્તર- પૂર્વીય રાજયો માટે મોટો ખતરો ઉભો થાત આપી ભારતીય સેનાએ ચીની સેનાને ભુતાનના દાવા વાળા ક્ષેત્રના માર્ગ બનાવતા અટકાવ્યા હતા. જેના પરિણામે ચીને નાથુ લા થી કૈલાસ માનસરોવર જતા ભારતીય શ્રઘ્ધાળુઓ પર રોક લગાવી હતી. અને વર્ષ ૨૦૧૭માં એટલે કે આ વર્ષે નાથુ લા થી કૈલાસ માનસરોવર યાત્રા થઇ ન હતી.

ડોકલામ વિવાદ બાદ ચીને માંગ કરી હતી કે ભારત સેનાને પાછી બોલાવી લે જો કે ૨૮ ઓગષ્ટે આ વિવાદ સમાપ્ત થઇ ગયો હતો. તો હવે નાથુ લા થી ફરી કૈલાસ માનસરોવર યાત્રા શરુ કરવા ભારત સરકારે ચીનનો સંપર્ક કર્યો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.