ટોક્યો ઓલમ્પિકમાં કમલપ્રીત કૌરે દેખાડ્યો દમ: ફાઇનલ માટે ક્વોલિફાય

તિરંદાજીમાં અતનું દાસની પ્રિ-ક્વાર્ટર ફાઇનલ મેચમાં હારથી નિરાશા

ટોક્યો ઓલિમ્પિક્સના ૯મા દિવસે ડિસ્કસ થ્રો કેટેગરીમાંથી ભારત માટે સારા સમાચાર આવ્યા છે. અહીં કમલપ્રીત કૌરે ૬૪ મીટરના થ્રો સાથે ફાઇનલ માટે ક્વોલિફાઇ કર્યું છે. ક્વોલિફિકેશન રાઉન્ડમાં માત્ર બે જ મહિલા ખેલાડી ૬૪ મીટરનો આંકડો સ્પર્શી શકી હતી. ફાઇનલ ૨ ઓગસ્ટના રોજ થશે. ભારતીય મહિલા ટીમે આક્રમક શરૂઆત કરી છે અને ભારતે સાઉથ આફ્રિકા સામે પહેલો ગોલ કર્યો છે.

ટોક્યો ઓલિમ્પિક્સમાં વિશ્વના નંબર-૧ બોક્સર અમિત પંઘલે પ્રી-ક્વાર્ટર ફાઇનલ મેચ હારી છે. એને કોલંબિયાના યુબેર્જેન રિવાસે ૪-૧ થી હરાવ્યો હતો. અમિત પ્રથમ રાઉન્ડ સરળતાથી જીતી ગયો, પરંતુ બીજા અને ત્રીજા રાઉન્ડમાં પોતાનો લય જાળવી શક્યો નહીં, જ્યારે તીરંદાજીમાં પણ અતનુદાસને હારનો સામનો કરવો પડ્યો હતો. તેને જાપાનના તાકાહરુ ફુરુકાવાએ ૬-૪થી હરાવ્યો હતો.

અતનુએ પહેલી શ્રેણી ૨૭-૨૫થી હારી. અતનુએ ૯,૮,૮ અંક બનાવ્યા. બીજી શ્રેણીમાં બંને વચ્ચેની મેચ ૨૮-૨૮થી બરાબરી પર રહી હતી. અતનુએ બીજી શ્રેણીમાં ૧૦,૯,૯ પોઇન્ટ મેળવ્યા હતા. અતનુએ ત્રીજી શ્રેણી ૨૮-૨૭ થી જીત મેળવી. આ પછી ચોથો સેટ ૨૮-૨૮ થી બરાબરી પર રહ્યો હતો. અતનુ છેલ્લા સેટમાં ૨૬-૨૭ થી હારી ગયો હતો.