Abtak Media Google News

ગ્રેસ હેરિસ અને એશિ ગાર્ડનરની બેટિંગની સાથે હિથર ગ્રેહામની હેટ્રીકે ભારતને માત આપી

મેન્સ ટી 20 ની જેમ હવે વુમન્સ ટી20 પણ અત્યંત રોમાંચક બની રહ્યું છે ત્યારે ઓસ્ટ્રેલિયાએ ભારતને પાંચ ટી 20 મેચની સિરીઝમાં 4-1થી માત  આપી સિરીઝ અંકે કરી છે. મહિલા ટી20 સીરીઝની છેલ્લી મેચમાં ઓસ્ટ્રેલિયાએ ભારતને 54 રને હરાવ્યું હતું. આ જીતની હીરો હિથર ગ્રેહામ હતી, જેણે ઘાતક બોલિંગ કરીને હેટ્રિક લીધી હતી અને ભારતીય મહિલાઓને બેકફૂટ ઉપર ધકેલી હતી. તેની હેટ્રિક બે અલગ-અલગ ઓવરમાં પૂરી થઈ હતી. સુપર ઓવરમાં હારી ગયેલી કાંગારૂ ટીમે મેચમાં શાનદાર બેટિંગ કરી હતી અને 4 વિકેટે 196 રનનો પહાડ જેવો સ્કોર બનાવ્યો હતો. જવાબમાં ભારતીય ટીમ 142 રનમાં સમેટાઈ ગઈ હતી.

Advertisement

હીથર ગ્રેહામે 13મી ઓવરના છેલ્લા બે બોલમાં બે વિકેટ લીધી હતી, જ્યારે તે છેલ્લી ઓવરના પહેલા બોલ પર બોલિંગમાં પરત ફરતી હતી ત્યારે તેણે રેણુકા સિંહને બોલ્ડ કરીને હેટ્રિક પૂરી કરી હતી. આ સાથે એક અદ્ભુત સંયોગ બન્યો. હકીકતમાં 4 વર્ષ પહેલા 2018 માં મેગન શૂટે આ જ બ્રેબોર્ન ક્રિકેટ સ્ટેડિયમમાં ભારત વિરુદ્ધ હેટ્રિક લીધી હતી. હવે તેના જીવનસાથીએ આ કારનામું કર્યું છે. આ રીતે હિથર ગ્રેહામની હેટ્રિક પૂર્ણ થઈ. ભારત તરફથી જે પ્રદર્શન થવું જોઈએ તે જોવા મળ્યું નહોતું અને ઓસ્ટ્રેલિયાના 197 રન ના લક્ષ્યાંકનો પીછો કરવા ઉતરેલી ભારતીય ટીમ માત્ર અને માત્ર 142 રન જ બનાવી શકી હતી.

ભારતીય ટીમની ઉપશુકાની સ્મૃતિ મંધાના માત્ર ને માત્ર ચાર રન બનાવી પવેલિયન પરત ફરી હતી તો સામે સેફાલી વર્માએ 13 રનનું જ યોગદાન આપ્યું હતું. ભારત તરફથી દીપ્તિ શર્માએ જ અર્ધ સદી નોંધાવી 53 રનનું યોગદાન આપ્યું હતું અને તેમને સારી ફાઈટ આપી હતી પરંતુ બીજા છેડે જે રીતે ખેલાડીઓએ સપોર્ટ કરવો જોઈએ તે જોવા ન મળતા ભારતની ટીમ 142 રનમાં જ સમેટાઈ ગઈ હતી અને સીરીઝ પણ હારી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.