શું કાચીંડાની જેમ રંગ બદલતી પિચ પર ન્યુઝીલેન્ડ ધરાશાયી થઈ જશે ?

સતત બદલાતો પિચનો રૂખ મેચને વધુ રોમાંચક બનાવી દેશે !!

કાનપુરમાં ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચેની પ્રથમ ટેસ્ટ મેચનો આજે છેલ્લો દિવસ છે. મેચના પાંચમા દિવસે એક રસપ્રદ મેચ જોવા મળી શકે છે. ભારતે બીજી ઇનિંગ સાત વિકેટે ૨૩૪ રન પર ડિકલેર કરી હતી અને ન્યૂઝીલેન્ડને ૨૮૪ રનનો ટાર્ગેટ આપ્યો હતો. ટેસ્ટ ક્રિકેટના ઈતિહાસમાં ક્યારેય કોઈ વિદેશી ટીમે ભારતની ધરતી પર આટલા મોટા લક્ષ્યનો પીછો કર્યો નથી.

૯૦ ઓવરમાં ૨૮૪ રનનો ટાર્ગેટ હાંસલ કરવો કોઈ મોટી વાત નથી પરંતુ સમગ્ર ટેસ્ટમાં કાનપુરની પિચ ગેમ ચેન્જરની ભૂમિકામાં આવી ગઈ છે. જે રીતે બીજી ઇનિંગમાં ભારતીય ક્રિકેટ ટીમના દિગ્ગજ ખેલાડીઓને રમવામાં ખૂબ જ તકલીફનો સામનો કરવો પડ્યો હતો અને પરિણામે ભારતીય ટીમની ૫ વિકેટ ધડાધડ પડી ગઈ હતી ત્યારે બીજી બાજુ ૬ઠ્ઠા અને ૭માં ક્રમાંકે બેટિંગ કરી રહેલા ઐય્યર અને શાહા સરળતાથી ૩ કલાક સુધી પિચ પર રહ્યા હતા અને એક સારો સ્કોર પણ ખડકયો હતો. મૂળ કાનપુરની પિચ કાચીંડાની જેમ રંગ બદલી રહી છે જેના કારણે બોલ કેટલો અને કંઈ રીતે ટર્ન થશે તેનો અંદાજ માત્ર પણ બેટ્સમેનો લગાવી શકતા નથી.

આ રેકોર્ડ વેસ્ટ ઈન્ડિઝના નામે છે જેણે ૧૯૮૭માં નવી દિલ્હીમાં ૨૭૬ રનનો લક્ષ્યાંક હાંસલ કર્યો હતો. બીજી ઇનિંગમાં કિવી ટીમની એક વિકેટ પડી છે. ઓપનર વિલ યંગ ચોથા દિવસની અંતિમ ક્ષણોમાં બે રન બનાવીને આઉટ થયો હતો.

ન્યૂઝીલેન્ડને અંતિમ દિવસે જીતવા માટે વધુ ૨૮૦ રન બનાવવા પડશે. જ્યારે ભારતને જીતવા માટે નવ વિકેટની જરૂર છે. પીચ હજુ પણ બેટ્સમેન અને બોલરો બંનેને મદદ કરી રહી છે. આવી સ્થિતિમાં અત્યાર સુધી ભારતની જીત હાર અને મેચ ડ્રોના રૂપમાં ત્રણેય વિકલ્પ છે. અગાઉ, ડેબ્યૂ ટેસ્ટની પ્રથમ ઇનિંગમાં સદી ફટકાર્યા બાદ શ્રેયસ ઐય્યરે (૧૨૫ બોલમાં ૬૫ રન, આઠ ચોગ્ગા, એક છગ્ગા) ભારે દબાણ હેઠળ બીજી ઇનિંગમાં અડધી સદી ફટકારી અને આ સિદ્ધિ મેળવનાર પ્રથમ ભારતીય બન્યો.

આ પરાક્રમ તેણે રવિચંદ્રન અશ્વિન (૩૨) સાથે છઠ્ઠી વિકેટ માટે ૫૨ અને રિદ્ધિમાન સાહા (૬૧ અણનમ, ૧૨૬ બોલ, ચાર ચોગ્ગા, એક છગ્ગો) સાથે સાતમી વિકેટ માટે ૬૪ રનની ભાગીદારી કરી હતી. સાહાએ પણ અક્ષર પટેલ (અણનમ ૨૮) સાથે આઠમી વિકેટ માટે ૬૭ રનની અતૂટ ભાગીદારી કરી હતી. જેના કારણે ભારતે ૨૩૪ રન પર દાવ ડિકલેર કર્યો હતો.

આજે પાંચમા દિવસની રમતની શરૂઆતમાં આ જ્યારે લખાઈ રહ્યું છે ત્યારે ન્યુઝીલેન્ડ ટીમે ૧૭ ઓવરમાં એક વિકેટની નુકસાનીએ ૩૯ રન બનાવ્યા છે. હાલ ૫૧ બોલમાં ૨૧ રન સાથે વિલિયમ અને ૪૪ બોલમાં ૧૪ રન સાથે ટોમ લેથમ પિચ પર ઉભા છે.

જે રીતે પિચ રંગ બદલી રહી છે તેના કારણે ભારતીય ટીમની જેમ ન્યુઝીલેન્ડની પણ વિકેટ ધડાધડ પડી જાય અને મેચ લંચ બ્રેક સુધીમાં જ સમેટાઈ જાય તો પણ નવાઈ નહીં. જ્યારે બીજી બાજુ ભારતીય ટીમના ૬ઠ્ઠા અને ૭માં ક્રમાંકના બેટ્સમેનોની ભાગીદારી યોજાઈ હતી અને એક સારી ઇનિંગ જોવા મળી હતી તેવી ન્યુઝીલેન્ડના બેટ્સમેનો ભાગીદારી કરી લે તો પછી મેચનો ઝુકાવ કિવિઝ તરફે વધી જાય તો પણ નવાઈ નહીં. સમગ્ર મેચમાં કાનપુરની પિચ ગેમ ચેન્જરની ભૂમિકામાં આવી ગઈ છે.

શ્રેયસ અય્યરની રેકોર્ડબ્રેક ઈનિંગ !!

પહેલી ઈનિંગમાં ૧૦૫ રન કરી શ્રેયસ અય્યર બીજી ઈનિંગમાં શાનદાર ફોર્મમાં જોવા મળ્યો હતો. તેણે બીજી ઈનિંગમાં પણ ૬૫ રનની ઈનિંગ રમી ઈન્ડિયન ટીમને સન્માનજનક સ્કોર સુધી પહોંચાડવામાં મહત્ત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું. પહેલી ટેસ્ટ ઈનિંગમાં ૫૦+ સ્કોર કરનારો અય્યર ભારતનો ૯મો ખેલાડી બની ગયો છે.ડેબ્યૂ ટેસ્ટ મેચમાં ૧૫૦+ રન કરનારો અય્યર ચોથો ભારતીય ખેલાડી બન્યો છે. વર્ષ 2010 પછી ટેસ્ટ ડેબ્યૂ પર સદી અને અર્ધસદી કરનાર અય્યર બીજો ખેલાડી બન્યો છે.