Abtak Media Google News

કર્ણાટક વિધાનસભામાં મળેલી તોતીંગ બહુમતિ છેલ્લા ઘણા સમયથી સતત નિરાશની ગર્તામાં ધકેલાઇ રહેલી દેશની સૌથી મોટી રાજકીય પાર્ટી  માટે એક સંજીવનીથી જરાપણ કમ નથી. બીજી તરફ છેલ્લા એક દશકામાં માત્ર એક જ નામ અને એક જ ચહેરાના સહારે ચૂંટણી જીતવાના રેકોર્ડ બનાવતી ભાજપ માટે મનોમંથન કરવાની આવશ્યકતા ઉભી થઇ છે. લોકસભાની ચુંટણીના આડે હવે દશ માસ જેટલો સમય ગાળો બાકી રહ્યો છે. લોકસભાની છેલ્લી બે ચુંટણીમાં માન્ય વિરોધ પક્ષની માન્યતા મળે તેટલી પણ બેઠકો જીતી ન શકનારી કોંગ્રેસ માટે કર્ણાટકની જનતાએ આશાનો નવો જ સુર્યોોદય કર્યા છે.

કોઇપણ રાજકીય પાર્ટી કયારેય એક ચહેરા પર નિર્ભર ન રહેવું જોઇએ તો કર્ણાટકની ચુંંટણીના પરિણામોએ પ્રસ્થાપિત  કરી દીધું છે. ડિસેમ્બર માસમાં મઘ્ય પ્રદેશ, રાજસ્થાન અને છતીસગઢ વિધાનસભાની ચુંટણી યોજવાની છે. લોકસભાની ચુંટણી પહેલા આ ત્રણ રાજયોની ચુંટણીને સત્તાના સેમીફાઇનલ જંગ સમાન માનવામાં આવે છે. આવામાં તમામ પક્ષો આ ત્રણ રાજયમાં પોતાની તાકાત પ્રસ્થાપીત કરવા એકી ચોંટીનું જોર લગાવશે. તેમાં બે મત નથી.

કર્ણાટકમાં તોતીંગ બહુમતિ છતા કોંગ્રેસમાં મુખ્યમંત્રી  પદને લઇ જબરી ખેંચતાણ ચાલી રહી છે. જે સાબિત કરે છે કે કોંગ્રેસમાં સંકલનનો સ્પષ્ટ અભાવ છે. બોટમ ટુ ટોપ યોગ્ય સંગઠન માળખુ ન હોવા છતાં કોંગ્રેસ પાસે પરંપરાગત મત બેન્ક રહેલી છે જો થોડી મહેનત કરવામાં આવે તો કોંગ્રેસ માટે હજી જનતાના હ્રદય સિંહાસનમાં સ્થાન રહેલું છે.

બીજી તરફ ભાજપ પરાજય મળે કે વિજય તેની સમીક્ષા કરતું રહે છે. કર્ણાટકની ચુંટણીના પરિણામો પોતાની તરફેણમાં નથી આવ્યા. આ રાજયમાં જનતા દર પાંચ વર્ષ પરિવર્તનનો પવન ફુંકે છે પરંતુ ભાજપે આ વાતને કેન્દ્ર સ્થાને રાખી પરાજય સ્વિકારી લેવાના બદલે પાયાથી કયાં કચાશ રહી ગઇ તેની ઉંડાણપૂર્વકની સમીક્ષા કરવાની જરૂરીયાત છે. લોકશાહીમાં ચુંટણી પરિણામો ગૌણ વસ્તુ છે પરંતુ લાંબા ગાળે આ પરિણામો પક્ષના અસ્તિત્વ સામે જોખમ ઉભુ ન કરે તે માટે દરેક રાજકીય પક્ષે સમયાંતરે જનાદેશની સમીક્ષા કરતું રહેવું જોઇએ.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.