Abtak Media Google News

વિશ્વના સૌથી મોટાં વૃઘ્ધ જાપાનના ચિતેત્સુનું ૧૧ર વર્ષની વયે અવસાન

વિશ્વના જીવીત સૌથી મોટા વૃઘ્ધા પણ જાપાનના જ છે

આપણે ત્યાં કહેવત છે કે હસે તેનું ઘર વસે, પણ વિશ્વના સૌથી મોટા વૃઘ્ધ જાપાનના ૧૧ર વર્ષના ચિતેત્સુ કહે છે કે જો લાંબુ જીવવું હોય તો તમારે સતત હસતા રહેવુઁ જોઇએ.

તા.૧ર ફેબ્રુઆરીના રોજ વિશ્વના સૌથી મોટા વૃઘ્ધ તરીકે ગીનેશ બુક વર્લ્ડ રેકોર્ડઝનું પ્રમાણપત્ર મેળવનાર જાપાનના વૃઘ્ધ ચિતેત્સુ વટનબેનું ૧૧ર વર્ષની વયે રવિવારે અવસાન થયું હતું. જો કે તેના મૃત્યુના કારણ અંગે કોઇ સ્પષ્ટતા કરાઇ નથી. તેમને છેલ્લા કેટલાંક દિવસોથી શ્ર્વાસ લેવામાં તકલીફ પડતી હતી અને તાવ આવ્યો હતો અને ખોરાક પણ લઇ શકતા ન હતા તેમ જાપાનના રાષ્ટ્રીય સમાચાર પત્ર મેઇચીનીએ વૃઘ્ધના પરિવારજનોને ટાંકીને જણાવ્યું હતું. વટનબેનો જન્મ ૧૯૦૭ માં થયો હતો અને તેમણે તાઇવાનમાં ૧૮ વર્ષ કામ કર્યુ હતું. ત્યાંથી પરત ફરી ઉત્તર જાપાનના નીગારા ખાતે સરકારી કર્મચારી તરીકે ફરજ બજાવતા હતા અને નિવૃતિ સુધી ત્યાં જ કામ કરતા રહ્યા હતા.

તેમને જાપાનના પરંપરાગત બોનસાઇ (ટચુકડા વૃક્ષો)નો શોખ હતો અને  પોતાના વાડામાં શાકભાજી અને ફળો ઉગાડતા હતા.

તેઓ કહેતા કે લાંબુ જીવવું હોય તો સતત હસતા રહો, હસમુખા રહો, જાપાનની ગિનેશ કચેરીએ સદગતની  વિદાય અંગે ઘેરો શોક વ્યકત કર્યો હતો.

તમને એ જણાવીએ કે વિશ્વના જીવીત સૌથી મોટા વૃઘ્ધા પણ જાપાનના જ છે. જાપાનના કાનો ટનાકાની ઉમર ૧૧૭ વર્ષની છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.