ખોડિયારધામ આશ્રમના મહંત આપઘાત કેસમાં વકીલ, તબીબે કરી આગોતરા જામીનની અરજી

રાજકોટ મોરબી રોડ ઉપર કાગદડી ગામે ખોડીયારધામ આશ્રમના મહંત જયરામદાસબાપુના આપઘાત પ્રકરણમાં બનાવ જાણવા છતાં જાહેર નહિ કરવાના આરોપી વકીલ કલોલા તેમજ ખોટું ડેથ સર્ટિફિકેટના આરોપી ડો. નિમાવતની આગોતરા જામીન અરજીના સેશન્સ કોર્ટ દ્વારા ચુકાદાની સંભાવના છે.

આ ચકચારી પ્રકરણમાં મહંત જયરામદાસજીએ આપઘાત કર્યો હોવાની જાણ હોવા છતા ટ્રસ્ટી વકીલ રક્ષિત કલોલા સામે પોલીસમાં જાહેરાત વિના મહંતની અંતિમ વિધિ કરી નાંખવા તેમજ પુરાવાનો નાશ કરવાનો ગુનો નોંધાયો છે. જેમાં વકીલ રક્ષિત કલોલાએ સેશન્સ કોર્ટમાં આગોતરા જામીન અરજી કરી હતી. તેમાં પોતાની સામે આક્ષેપો ખોટા છે, બનાવમાં પોતાની કોઇ સંડોવણી નથી તેમ જણાવી આગોતરા મંજૂર કરવા જણાવ્યું હતું.

આ ઉપરાંત મહંતે આપઘાત કરી લીધા છતાં તેને હાર્ટએટેક આવી ગયાનું બોગસ ડેથ સર્ટિફિકેટ તૈયાર કરવાની ડો. નીલેશ નિમાવતે તેની હોસ્પિટલમાં કામ કરતા ડો. કમલેશ કારેલીયાને સુચના આપી હતી, ડો. કારેલીયાના કહેવાથી મેડીકલ ઓફિસર ડો.ભૌતિક સોજીત્રાએ સર્ટિફિકેટ બનાવી આપ્યું હોવાનું ખુલ્યું હતું. આ ઉપરાંત તપાસનીશ પોલીસ અધિકારીની એફિડેવિટમાં ડોક્ટરે એમ્બ્યુલન્સ બોલાવી મહંતનો મૃતદેહ પી.એમ. માટે લઈ જવાને બદલે પોતાની હોસ્પિટલે લઈ જઇ હોસ્પિટલ પાસે ૧૦ મિનિટ ગાડી ઉભી રાખી હતી. જેના સીસીટીવી ફૂટેજ હોવાનું અને બાદમાં આશ્રમ ખાતે લઇ જઈ અંતિમ વિધિ કરી નાંખી હોવાનું તેમજ હાર્ટ એટેકથી મૃત્યુ થયાના સર્ટિફિકેટની વ્યવસ્થા કર્યાનો ગુનો આચર્યો હોવાનું જણાવ્યું હતું. અને આરોપીઓનો કબજો જરૂરી હોવાનું જણાવ્યું હતું.

દરમિયાન વકીલ કલોલાની અને ડો. નિમાવતની અરજીઓની સુનાવણી ગઈકાલે સાંજે પૂર્ણ થઇ જતા એડિશનલ સેશન્સ જજ પી. એન. દવે આજે બપોરબાદ ચુકાદો આપે એવી સંભાવના છે. બંને આગોતરા અરજીમાં સરકાર પક્ષે ડી.જી.પી. એસ કે વોરા રોકાયા છે.