Abtak Media Google News

સતત ભક્તિ કરવાની ટેવ પડે તો દેહભાવ જાય છે અને દેહભાવ જાય તો અહંકાર ક્યાંથી રહે…?

દિતીએ ભેદ બુધ્ધિ છે. ભેદ બુધ્ધિના બે પુત્રો છે. અહંતા (હું) અને મમતા (મારૂ) સર્વ દુ:ખનું મુળ ભેદ બુધ્ધિ છે. સર્વ સુખનું મળુ અભેદભાવ છે. અભેદભાવ શરીરથી નહીં પણ બુધ્ધિથી થાય તો સર્વમાં સમબુધ્ધિ આવે છે. જ્યાં ભેદ છે ત્યાં ભય છે. અભેદ છે ત્યાં અભય છે.

જ્ઞાનિ પુરૂષો જગતને અભેદ ભાવથી જુએ છે મારામાં જે ચૈતન્ય છે તે સર્વમાં છે. જ્યારે સામાન્ય માણસ જગતને ભેદભાવથી જુએ છે. આ સારૂ છે, આ ખરાબ છે. આ યુવાન છે. આ વૃધ્ધિ છે, આ સ્ત્રી આ પુરૂષ છે. ભેદભાવથી ભેદ બુધ્ધિ થાય અને તેમાંથી હું અને મારૂ (અહંતા અને મમતા) પેદા થાય છે. મમતાનો કદાચ વિવેક બુધ્ધિથી નાશ થાય છે પણ અહંભાવનો નાથ થવો કઠણ છે. મારામાં અભિમાન નથી એમ માનવું તે પણ અભિમાન છે. હિરણ્યકશ્યપ અહંકારનું અભિમાનનું સ્વરૂપ છે.

અભિમાન સર્વને ત્રાસ આપે છે, રડાવે છે, દેહાભિમાન દુ:ખનું કારણ છે મમતા મરે છે પણ અહંકાર મરતો નથી. અહંકારને મારવો કઠણ છે તે રાતે કે દિવસે, ઘરની અંદર કે ઘરની બહાર, અસ્ત્ર કે શસ્ત્રથી મરતો નથી તેને મધ્યમાં મારવો પડશે (હિરણ્યકશ્યપની જેમ) દેહાભિમાન મરે તો શાંતિ મળે છે. અહંકારને મારે તો તે ઇશ્ર્વરથી દૂર નથી. બે મનોવૃતિની વચમાં શ્રીકૃષ્ણને રાખશું તો અહંકાર મરે.

સતત ભક્તિ કરવાની ટેવ પડે તો દેહભાવ જાય છે અને દેહભાવ જાય તો અહંકાર ક્યાંથી રહે? અભિમાન સર્વ દુ:ખોને ખેચીં લાવે છે જ્યારે ભક્તિ સર્વ સદગુણોને ખેંચી લાવે છે. સર્વ સદ્ગુણોની ભક્તિ છે. ભક્તિ છે ત્યાં વિનય છે, નમ્રતા છે, દયા છે, ઉદારતા છે. જ્ઞાન ભલે સુલભ લાગે છે પણ અહંતા મમતાનો વિનાશ ન થાય ત્યાં સુધી જ્ઞાન દીપે નહિં. જે વેદાંત અને બ્રહ્મ જ્ઞાનની વાતો કરે પણ પ્રેમ સંસારના વિષયો સાથે કરે તે દૈત્ય. ભક્તિનો રંગ જલ્દી લાગતો નથી અને લાગી જાય તો પાછી સંસારની પ્રવૃતિઓ ગમતી નથી મીરાબાઇએ કહ્યું છે કે મારા શ્રીકૃષ્ણનો રંગ કાળો છે અને કાળા રંગ પર બીજો કોઇ રંગ લાગતો નથી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.