Abtak Media Google News

રાજકોટ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર અને કેન્દ્રીય મંત્રી પરસોતમભાઈ રૂપાલાએ રાજા રજવાડા અંગે કરેલી ટીપ્પણી બાદ રાજયભરમાં  ક્ષત્રીય સમાજમાં ભારે રોષ ફાટી નીકળ્યો હતો. ભાજપ દ્વારા રૂપાલાની ટિકિટ રદ કરવામાં આવે તેવી માંગણી કરવામાં આવી હતી. જેનો સ્વીકાર કરવામાં ન  આવતા ગુજરાતની સુરત સિવાયની તમામ 25 લોકસભા બેઠકો પર ક્ષત્રિય સમાજ દ્વારા ભાજપ વિરૂધ્ધ મતદાન કરવામાં આવ્યું હતુ. દરમિયાન મતદાન પૂર્ણ થયાના 10 દિવસ બાદ ક્ષત્રિયોએ તલવારો મ્યાન કરી દીધી છે. અને આંદોલનને હાલ વિરામ આપવાની ઘોષણા કરવામાંઆવી છે.

રાજયના રાજપુત સમાજના વિવિધ સંગઠનોની સંકલન સમિતિ દ્વારા ગઈકાલે  એવી વિધિવત જાહેરાત કરવામાં આવી છે કે હાલ અમે અમારા આંદોલનને વિરામ આપીએ છીએ. આંદોલનમાં સામેલ થયેલી ક્ષત્રિય સમાજની એકપણ સંસ્થા કે આગેવાનને રાજય સરકાર દ્વારા ખોટી રીતે હેરાન કરવામાં આવશે તો અમે બમણી તાકાત સાથે ત્રાટકી જવાબ આપીશું.

પરસોતમભાઈ રૂપાલાની ટિકિટ ભાજપ દ્વારા રદ કરવામાં ન આવતા ક્ષત્રિય સમાજ દ્વારા ભાજપને ડેમેજ કરવા માટે તમામ બેઠકો પર ભાજપ વિરૂધ્ધ મતદાન કર્યું છે. ચૂંટણીનું પરિણામ ગમે તે આવે  તેની સાથે અમારે કોઈ જ મતલબ નથી. અમારી લડત અસ્મિતા માટેની હતી. મતદાન બાદ પરસોતમભાઈએ  ફરી માફી માંગી લીધી છે. હવે તેઓને માફ કરવા કે કેમ? તે અંગે નિર્ણય આગામી દિવસોમાં  સંકલન સમિતિનાં આગેવાનોની બેઠક બાદ લેવાશે.

ક્ષત્રીય સમાજની સંકલન સમિતિના આગેવાનોએ વધુમાં જણાવ્યું હતુ કે, હવે અમારી એવી માંગણી છે કે રાજયનાં મુખ્ય બંને રાજકીય પક્ષો ક્ષત્રિય સમાજને વસતીના આધારે સ્થાનિક સ્વરાજયની ચૂંટણીમાં ટિકિટની  ફાળવણી કરે.

Singer Professional Anchor Voice over artist Content creator

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.