Abtak Media Google News
  • ત્રણેય ડાયરીઓ અંગે ભાગીદાર અને પરિવારજનો પણ અજાણ હોવાનું ખુલ્યું : હવે આવકવેરા વિભાગ બિલ્ડરની પૂછપરછ કરશે

રાજકોટમાં લાડાણી એસોસિએટ સામે આવકવેરા વિભાગે હાથ ધરેલ તપાસમાં  ઝૂંપડપટ્ટી ઉપરાંત કાલાવડ રોડ પર આવેલી ઝેરોક્ષની દુકાને પણ કાળાનાણાના કારોબારના વિગતો સાથેની ત્રણ ડાયરી મળી આવી છે. ઝૂંપડપટ્ટી અને ઝેરોક્ષની દુકાનમાં રાખેલા દસ્તાવેજો, ડાયરીની જાણકારી માત્ર દિલીપ લાડાણી અને તેના કર્મચારીને જ હતી. આ માહિતી દિલીપ લાડાણીએ તેના ભાગીદાર અને પરિવારજનોથી પણ છુપાવીને રાખી હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે.

આવકવેરા વિભાગના સૂત્રોના જણાવ્યા મુજબ કાળા વ્યવહારો અને દસ્તાવેજો સંતાડવાનો વહીવટ અંકિત શિરા અને રાજ સિસોદિયા જ કરતા હોવાનું સામે આવ્યું છે. વધુમાં મુજબ દિલીપ લાડાણી કાળાનાણાના વહીવટ જે કર્મચારી સંભાળતા હતા તેને તમામ પ્રકારની સુવિધા પૂરી પાડવામાં આવતી હતી. યુનિવર્સિટી રોડ પર આવેલી ઝૂંપડપટ્ટીમાં જ્યાં દસ્તાવેજો છુપાવ્યા હતા તેને શોધવા માટે આવકવેરા વિભાગની ટીમે અંદાજિત 450 સીસીટીવી ફૂટેજ ચેક કર્યા હતા.

સીસીટીવીમાં યુનિવર્સિટી રોડ પર આવેલી પીજીવીસીએલની પાછળના ભાગે અંકિત શિરા નામના કર્મચારી જતા હોવાનું દેખાય છે પરંતુ ત્યાંથી કઈ બાજુ જાય છે અને કઈ ઝૂંપડપટ્ટીમાં પહોંચે છે તેનું પગેરું મળતુ નહોતું. આથી, આવકવેરા વિભાગની ટીમ એ વિસ્તારમાં જ્યાં શેરી-ગલી પડે છે ત્યાં પહોંચી અને ફરી એક વખત સીસીટીવી ફુટેજ ચેક કર્યા જેમાં દિલીપ લાડાણીના અંગત વિશ્વાસુ માણસ-કર્મચારી અંકિત શીરા એક રૂમમાં જતો દેખાયો. ટીમ ત્યાં પહોંચી તો દસ્તાવેજોનો ઢગલો જોવા મળ્યો હતો અને તે કબજે લેવામાં આવ્યા હતો. આવકવેરા વિભાગની તપાસમાં મોટા પ્રમાણમાં દસ્તાવેજો, હિસાબી સાહિત્ય અને રોકડ મળી આવ્યા હતા. જે કબજે લઈ કંટ્રોલરૂમમાં મુકવામાં આવ્યા હતા.

હવે આવકવેરા વિભાગ બિલ્ડરોની પૂછપરછ કરશે અને તેની પાસેથી આવક-જાવક, રિટર્ન અને ટેક્સ ફાઈલનો ડેટા માગવામાં આવશે. આ ઉપરાંત જેટલી પણ બેંકમાં એકાઉન્ટ છે તે તમામ બેંક એકાઉન્ટની એન્ટ્રીની ચકાસણી કરવામાં આવશે. રાજકોટમાં ફેબ્રુઆરી માસમાં બિલ્ડર દિલીપ લાડાણી,ઓરબીટ ગ્રૂપના વિનેશ પટેલ, દાનુભા જાડેજા, અર્જુન જાડેજા, મહિપતસિંહ ચુડાસમા, નિલેશ જાગાણીના નિવાસસ્થાન, ઓફિસ, ગોડાઉન સહિત અંદાજિત 30થી વધુ સ્થળોએ દરોડા પાડવામાં આવ્યા હતા.

ઉલ્લેખનીય છે કે આવકવેરા વિભાગને એમ હતું કે ઘરેથી બેનામી દસ્તાવેજો મળશે. પરંતુ ઘરે- ઓફિસ, ગોડાઉન કે સાઈટ પરથી કશું મળ્યું નહીં આથી આવકવેરા વિભાગની ટીમે બીજી દિશામાં તપાસ હાથ ધરી હતી જેમાં સીસીટીવી ફૂટેજ ચેક કર્યા અને મોબાઈલ પણ ટ્રેસ કરાયો. જેના આધારે બેનામી દસ્તાવેજો જ્યાં છુપાવીને રાખ્યા હતા તેનું એડ્રેસ સહિતની માહિતી મળી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.