Abtak Media Google News

થોરાળા સર્વે નં.૨૧૪ અને ૬૯૧ના જમીન કૌભાંડ મામલે પગલા ભરવા રજૂઆત કરવા છતાં પગલા ન લેવાતા પગલું

શહેરના થોરાળા વિસ્તારમાં આવેલ સત્યમ પાર્કની જમીનમાં કૌભાંડ આચરવામાં આવ્યું હોવાનો આરોપ લગાવી થોરાળાનાં રહેવાસીએ પરિવાર સાથે આત્મવિલોપનની ચીમકી આપ્યા બાદ આજે કલેકટર કચેરીમાં પરિવાર  સાથે આત્મવિલોપનનો પ્રયાસ કરતા પોલીસને દોડધામ થઈ ગઈ હતી.

જાણવા મળતી વિગતો મુજબ રાજકોટના થોરાળા વિસ્તારમાં શ્રમજીવી-૧માં રહેતા સોલંકી નરસીભાઈ સવજીભાઈ દ્વારા બે દિવસ પૂર્વે જિલ્લા કલેકટરને લેખિત રજૂઆત કરી થોરાળા સર્વે નં.૨૧૪ અને ૬૯૧ની ખેડવાણ જમીનમાં અલગ-અલગ કાયદા વિરુધ્ધના વ્યવહારો કરી જમીન કૌભાંડ આચરવામાં આવ્યુ હોવાની ચોંકાવનારી ફરિયાદ કરી આ જમીન કૌભાંડમાં સંડોવાયેલા તમામ ઈસમો સામે કડક કાનૂની પગલા ભરવા માંગણી કરી હતી

અને જો તા.૫ જુલાઈ સુધીમાં પગલા ભરવામાં નહીં આવે તો પરિવાર સાથે કલેકટર કચેરીમાં આત્મવિલોપન કરવા ચિમકી આપી હતી. જેને પગલે આજે સવારી જ જિલ્લા કલેકટર કચેરીમાં ચાંપતો પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો હતો અને ચીમકી મુજબ સોલંકી તથા લાભુબેન મંગાભાઈ સોલંકી સહિતના અરજદારો આત્મવિલોપન કરવાનો પ્રયાસ કરે તે પૂર્વે જ પોલીસ સ્ટાફ દ્વારા તમામની અટકાયત કરી લેવામાં આવી હતી.

ઉલ્લેખનીય છે કે, થોરાળાના જમીન કૌભાંડ પ્રકરણમાં અરજદાર નરસીભાઈ સોલંકી દ્વારા ચોંકાવનારા આક્ષેપ કરવામાં આવ્યા છે અને જમીન કૌભાંડીયા તત્ત્વો ખેડૂત ખાતેદાર ન હોવા છતાં થોરાળા સર્વે નં.૨૧૪ અને ૬૯૧ની ખેડવાણ જમીન ખરીદી કરવામાં આવી હોવાનું અને બાદમાં અહીં સત્યમ પાર્કના નામે રહેણાંક બિનખેતી કરાવી કૌભાંડ આચરવામાં આવ્યું હોવાનું જણાવાયું છે.

વધુમાં આત્મવિલોપનનો પ્રયાસ કરનાર સોલંકી નરશીભાઈ દ્વારા આ ચકચારી જમીન કૌભાંડ પ્રકરણમાં સત્યમ પાર્કના કૌભાંડોને લઈ તમામ આધાર પુરાવા પણ જિલ્લા કલેકટરને સુપ્રત કર્યા હતા. જો કે જમીન કૌભાંડ મામલે આત્મવિલોપનનો પ્રયાસ કરનાર અરજદારો દ્વારા તંત્રને તપાસ માટે બે દિવસનો જ સમય આપવામાં આવ્યો હોવાની બાબત ચર્ચાસ્પદ બની છે.

આ સંજોગોમાં હાલ તૂર્ત તો જિલ્લા કલેકટર કચેરીમાં આત્મવિલોપનનો પ્રયાસ કરવા બદલ નરસીભાઈ સોલંકી અને તેમના પરિવાર વિરુધ્ધ પોલીસે અટકાયતી પગલા ભર્યા છે હવે જોવું એ રહ્યું કે આગામી દિવસોમાં કલેકટર તંત્ર આ કૌભાંડ મામલે કેવા પગલા ભરે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.