Abtak Media Google News

૩૧મી ઓગષ્ટે ૨૦ ટકા રિબેટ યોજના પૂર્ણ: ૫૧૧૦૦ કોમર્શીયલ મિલકત ધારકોએ લીધો વળતર યોજનાનો લાભ, કોર્પોરેશને આપ્યું રૂ.૭ કરોડથી વધુનું વળતર

વૈશ્ર્વિક મહામારી કોરોનાના સંક્રમણને નાથવા માટે દેશમાં ૨ મહિનાથી વધુ લોકડાઉન જાહેર કરવામાં આવ્યું હતું. જેના કારણે ધંધા-રોજગાર સંપૂર્ણપણે ઠપ્પ થઈ ગયા હતા. વેપારીઓને થોડી રાહત આપવા માટે ગુજરાત સરકાર દ્વારા રૂા.૧૪૦૦ કરોડનું આત્મનિર્ભર ગુજરાત રાહત પેકેજ જાહેર કરવામાં આવ્યું હતું. જેમાં રહેણાંક હેતુની મિલકતોને વેરામાં ૧૦ ટકા અને કોમર્શીયલ હેતુની મિલકતને વેરામાં ૨૦ ટકા રાહત આપવામાં આવી હતી. હાલ કોમર્શીયલ હેતુની મિલકતને વેરામાં અપાય રહેલી ૨૦ ટકા રાહતની યોજનાના છેલ્લા પાંચ દિવસ બાકી રહ્યાં છે. આગામી ૩૧મી ઓગષ્ટના રોજ આ યોજનાની મુદત પૂર્ણ થઈ રહી હોય કરદાતાઓને યોજનાનો લાભ લેવા માટે કોર્પોરેશન દ્વારા અપીલ કરવામાં આવી છે.

મહાપાલિકા દ્વારા દર વર્ષે નાણાકીય વર્ષના આરંભે એડવાન્સ ટેકસ ભરતા કરદાતાને વેરામાં ૧૦ ટકા રાહત આપવામાં આવે છે. દરમિયાન આ વર્ષ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી દ્વારા આત્મનિર્ભર ગુજરાત પેકેજ અંતર્ગત કોમર્શીયલ હેતુની મિલકતોને ૨૦ ટકા વળતર આપવાની જાહેરાત કરવામાં આવી હતી. જેની અમલવારી મહાપાલિકા દ્વારા કરવામાં આવી છે. આજ સુધીમાં કુલ ૫૧૧૦૦ કોમર્શીયલ હેતુના મિલકત ધારકોએ વેરા પેટે રૂા.૫૭.૩૬ કરોડ કોર્પોરેશનની તિજોરીમાં ઠાલવ્યા છે. મહાપાલિકા દ્વારા તેઓને રૂા.૭.૦૮ કરોડનું વળતર આપવામાં આવ્યું છે. આગામી ૩૧મી ઓગષ્ટના રોજ આ યોજના પૂરી થઈ રહી હોય કરદાતાને યોજનાનો લાભ લેવા મહાપાલિકા દ્વારા અપીલ કરવામાં આવી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, વેરા વળતર યોજના અંતર્ગત કુલ ૧,૫૩,૮૩૭ રહેણાંક હેતુની મિલકત ધારકોએ એડવાન્સ ટેકસ પેટે રૂા.૫૦.૩૯ કરોડ મહાપાલિકાની તિજોરીમાં ઠાલવ્યા છે જેને કોર્પોરેશન દ્વારા રૂા.૫.૫૪ કરોડનું વળતર આપવામાં આવ્યું છે. જ્યારે ૧૦૬૪૭ કરદાતાઓએ પાણી ચાર્જના ૩.૭૬ કરોડ એડવાન્સ ભરી રૂા.૩૮.૧૫ લાખનું વળતર મેળવ્યું છે.

આજ સુધીમાં ૨,૧૫,૫૮૪ કરદાતાઓએ એડવાન્સ ટેકસ ભરી રિબેટ યોજનાનો લાભ લીધો છે. જેના થકી મહાપાલિકાના રૂા.૧૧૧.૫૩ કરોડની આવક થવા પામી છે. જેની સામે ૧૩ કરોડનું ડિસ્કાઉન્ટ પણ પ્રામાણીક કરદાતાને આપવામાં આવ્યું છે. ચાલુ નાણાકીય વર્ષમાં ટેકસ બ્રાંચને રૂા.૨૬૦ કરોડનો ટાર્ગેટ આપવામાં આવ્યો છે. જે પૈકી પ્રથમ પાંચ માસમાં ૧૧૧ કરોડની આવક થવા પામી છે. ટાર્ગેટને હાસલ કરવા માટે હવે ૭ મહિનામાં ૧૫૦ કરોડની રિકવરી કરવી પડશે. એટલે કે દર મહિને ૨૨ કરોડ રૂપિયા એકત્રીત કરવા પડશે. હાલ જે રીતે બજારમાં મંદીનો માહોલ જોવા મળી રહ્યો છે. તે જોતા એવા લાગી રહ્યું છે કે, આ વર્ષે ટેકસનો ટાર્ગેટ હાસલ કરવો પડકારજનક બની જશે. ચાલુ વર્ષના અંતમાં મહાપાલિકાની ચૂંટણી યોજાવાની હોય મિલકત વેરામાં વ્યાજ માફીની યોજના આવે તેવી શકયતા પણ નકારી શકાતી નથી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.