Abtak Media Google News

પ્રજાએ ચૂંટીને જેમને વિધાનસભા કે લોકસભા સુધી પહોંચાડ્યા છે. તેવા પ્રતિનિધિઓ ત્યાં સુધી શુ કામ પહોંચ્યા છે તેનો અર્થ ભૂલી જાય છે. વર્તમાન સમયમાં વિધાનસભા હોય કે લોકસભા પ્રજાલક્ષી ચર્ચાઓને કોરાણે મૂકીને માત્રને માત્ર બહેશબાજી જ થઈ રહી છે.

કોંગ્રેસના નેતા મલ્લિકાર્જુન ખડગે અને ભાજપના નેતાઓ વચ્ચે ઘર્ષણ થયું ત્યારે ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખરે સાંસદોને યાદ અપાવવા માટે રાજ્યસભામાં તેમની બેઠક પરથી ઉઠવું પડ્યું હતું અને તેઓએ કહ્યું કે ’આપણે બાળકો નથી, આવું વર્તન ન કરો…’

રાજ્યસભાના અધ્યક્ષ જગદીપ ધનખરે ગૃહમાં કહ્યું, “આપણે ખૂબ જ ખરાબ ઉદાહરણ સ્થાપિત કરી રહ્યા છીએ… અહીંના લોકોનો મોહભંગ થઈ રહ્યો છે… આ પ્રકારનું પ્રદર્શન… આપણને ખૂબ બદનામ કરે છે….”

સીટ પરથી ઉભા થઈને સત્તાધારી પક્ષ અને વિપક્ષની બેન્ચો તરફ વારાફરતી ઈશારો કરીને તેમણે શોરબકોર વચ્ચે પોતાની વાત રાખવાનો પ્રયાસ કર્યો, પરંતુ એ માટે તેમણે ઘણી વખત ’એક સેક્ધડ, એક સેક્ધડ’ કહેવું પડ્યું.  પછી તેમણે કહ્યું, “તમે લોકો સીટ પરથી જે કહેવામાં આવે છે તે સ્વીકારતા પણ નથી, જે દરેક માટે છે… આપણા માટે વાતાવરણ કેટલું દર્દનાક બની ગયું છે… મારો વિશ્વાસ કરો, 135 કરોડ લોકો આપણા પર હસી રહ્યા છે… તેઓ આશ્ચર્યચકિત છે, આશ્ચર્ય પામી રહ્યા છે – આપણે કયા સ્તરે ઝૂકી ગયા છીએ…”

ખડગેએ રાજસ્થાનની રેલીમાં કરેલા દાવાને પુનરાવર્તિત કર્યા પછી વિપક્ષના નેતા અને કોંગ્રેસના અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેના ભાષણ દરમિયાન ભાજપના નેતૃત્વ હેઠળના ગઠબંધનના સભ્યોએ હોબાળો મચાવતાં જગદીપ ધનખર ગુસ્સે થયા હતા.

વ્યવસાયે વકીલ જગદીપ ધનખરે સંસદના ઉપલા ગૃહમાં સભ્યોને અનુશાસન શીખવતા કહ્યું, “સંભવ છે કે ગૃહની બહાર ઉત્તેજનાભરી સ્થિતિમાં કંઈક બોલવામાં આવ્યું હોય… શું આવા નિવેદનનો કોઈ આધાર છે. કે નહી. એવું પણ શક્ય છે કે જે કહેવામાં આવ્યું છે તેના પર બે અલગ-અલગ મંતવ્યો હોય… પરંતુ તેનો અર્થ એવો ન હોઈ શકે કે જ્યારે ગૃહના નેતા બોલતા હોય ત્યારે અવરોધો બનાવવો જોઈએ… અને જ્યારે વિપક્ષના નેતા બોલતા હોય ત્યારે બીજી બાજુથી અવરોધો ઉભા કરવા જોઈએ નહિ…રાજ્યસભાના અધ્યક્ષે સભ્યોને એમ પણ કહ્યું કે જો તેઓ ગૃહમાં કોઈ દાવો કરે છે અને તેને રેકોર્ડમાંથી હટાવી દેવા નથી માંગતા, તો તેઓએ તેમના દાવાના સમર્થનમાં દસ્તાવેજી પુરાવા પણ રજૂ કરવા જોઈએ.  આ પછી, કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેને તેમનું ભાષણ પૂરું કરવાનું કહેતાં ઉપરાષ્ટ્રપતિએ કહ્યું, “હું મારી બંધારણીય ફરજ બજાવી રહ્યો છું… હું ન તો આ રીતે જોઉં છું, ન તો તે રીતે… હું ફક્ત બંધારણને અનુસરી રહ્યો છું.”

દરમિયાન, કોંગ્રેસના નેતા મલ્લિકાર્જુન ખડગેએ માફીની માંગને નકારી કાઢી હતી અને કહ્યું હતું કે તેમણે ગૃહની બહાર આ ટિપ્પણી કરી હતી તેથી સંસદમાં તેની ચર્ચા થઈ શકે નહીં.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.