આરટીઓ દ્વારા નવું વાહન ખરીદવાને લઈને મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. જે મુજબ હવે જમીન કે મિલકતના ભાડાકરારથી નવા વાહનો ખરીદી શકાશે નહીં. નવા વાહન માલિકે તેમના શહેરના આરટીઓમાં નોંધણી કરાવવી પડશે. એટલે કે સરનામાના પુરાવા તરીકે ભાડાકરાર હશે તો નવું વાહન નહીં ખરીદી શકાય, વાહનના રજિસ્ટ્રેશન માટે ગ્રાહકો જ્યાં રહેતા હોય ત્યાંની જિલ્લા આરટીઓ કચેરી ખાતે જવાનું રહેશે.
ડિલરોને ધ સેન્ટ્રલ મોટર વ્હિકલ રૂલ્સ 1989નો કડક અમલ કરવાની સૂચનાઓ ડીલરોના પ્રતિનિધિઓની ઓનલાઈન મીટિંગમાં અપાઈ
શુક્રવારે આરટીઓમાં ડીલરોના પ્રતિનિધિઓની ઓનલાઈન મીટિંગ યોજાઈ હતી. જેમાં ડિલરોને ધ સેન્ટ્રલ મોટર વ્હિકલ રૂલ્સ 1989નો કડક અમલ કરવાની સૂચનાઓ આપવામાં આવી હતી. સાથે વ્યક્તિના સરનામાના અસલ પુરાવા જોઈને વેરિફાઈ કરવાની અને તેની નકલ પર સહી કરવાની જવાબદારી પણ વાહન ડિલરોને સોંપવામાં આવી છે.
અત્યાર સુધી ભાડા કરારને સરનામાના પ્રુફ તરીકે રજૂ કરીને નવું વાહન ખરીદી શકાતું હતું, આરટીઓ દ્વારા પણ મંજૂરી અપાતી હતી. પરંતુ હવે ભાડા કરારથી વાહનો ખરીદી શકાશે નહીં, પરંતુ જો માન્ય પુરાવાની સાથે એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ સમક્ષ કરેલ એફિડેવિટ હશે તો આ ભાડાકરાર માન્ય રખાશે. જો આ એફિડેવિટ નહીં હોય તો ગ્રાહક ભાડાકરાર પર વાહન ખરીદી શકશે નહીં.
લાઈટ બિલ પણ હવે પુરાવા તરીકે ગણાશે નહીં
વાહનના રજિસ્ટ્રેશન માટે વ્યક્તિ જ્યાં રહેતી હોય તેઓએ જિલ્લાની આરટીઓ કચેરી ખાતે જવાનું રહેશે. કોઈ નવું વાહન ખરીદે ત્યારે ઇલેક્ટ્રિક બિલ, ઇન્ડેક્સ પુરાવા તરીકે નહીં ગણાય. આધારકાર્ડ, ચૂંટણી કાર્ડ, પાસપોર્ટ, સેન્ટ્રલ કે સ્ટેટની પગાર સ્લિપ માન્ય રહેશે.