Abtak Media Google News

આરોગ્ય કેન્દ્ર અને ધનવંતરી રથ સહિતની કામગીરી પર અસર: વિવિધ મુદ્દે મ્યુનિ.કમિશનરને રજૂઆત કરતા ૧૫૦ જેટલા હંગામી કર્મચારીઓ

વૈશ્વિક મહામારી કોરોનાએ રાજકોટને બરાબર સકંજામાં લીધુ છે. કોરોનાના સંક્રમણને ખાળવા માટે મહાપાલિકા દ્વારા વિવિધલક્ષી કામગીરી ચાલી રહી છે. તેવામાં આજે સવારે કોન્ટ્રાકટબેઈઝ નર્સીંગ સ્ટાફ વિજળીક હડતાલ પર ઉતરી જતાં ૨૧ આરોગ્ય કેન્દ્ર, સંજીવની રથ અને ધનવંતરી રથ સહિતની અનેક આરોગ્યલક્ષી કામગીરી પર અસર પડી હતી. મલ્ટીપર્પઝ હેલ્થ વર્કર અને નર્સ સહિત ૧૫૦ જેટલા કર્મચારીઓએ અલગ અલગ મુદ્દે મ્યુનિ.કમિશનર ઉદિત અગ્રવાલને રજૂઆત કરી હતી. તેઓના પ્રશ્નનો ઉકેલ લાવવાની કમિશનર દ્વારા ખાતરી પણ આપવામાં આવી હોવાનું જાણવા મળી રહ્યું છે.

કોર્પોરેશન દ્વારા આરોગ્યલક્ષી કામગીરી માટે ૧૧ મહિનાના હંગામી ધોરણે મલ્ટીપર્પઝ હેલ્થ વર્કર અને નર્સ સહિતના સ્ટાફની ભરતી કરવામાં આવે છે. હાલ કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે ત્યારે આ કર્મચારી પર સતત કામનું ભારણ રહેતું હોય અને કામના પ્રમાણમાં પગાર મળતો ન હોય સહિતના પ્રશ્ને આજે સવારે કોન્ટ્રાકટબેઈઝ ૧૫૦ નર્સીંગ સ્ટાફ વીજળીક હડતાલ પર ઉતરી ગયો હતો. જેના કારણે કોર્પોરેશનના ૨૧ આરોગ્ય કેન્દ્રો કોરોના સર્વેલન્સ માટે શરૂ કરવામાં આવેલા ધનવંતરી રથ સહિતની કામગીરી પર અસર પડી હતી. દરમિયાન હડતાલ પર ઉતરેલા કર્મચારીઓએ પોતાના વિવિધ પ્રશ્ર્ને મ્યુનિ.કમિશનર ઉદીત અગ્રવાલને રજૂઆત કરી હતી. તેઓએ જણાવ્યું હતું કે, તેમને કામના પ્રમાણમાં પુરતો પગાર ચૂકવવામાં આવતો નથી. આ ઉપરાંત રજા પણ મળતી નથી. રોટેશન મુજબ હાલ કોરોનાકાળમાં ફરજ સોંપવામાં આવે તેવી પણ માગણી કરવામાં આવી હતી.  દરમિયાન મ્યુનિ.કમિશનરે તેઓને પ્રશ્ર્નોના નિરાકરણ માટેની ખાતરી આપતા તમામ કર્મચારીઓ ફરી કામ પર ચડી ગયા હોવાનું જાણવા મળી રહ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.