Abtak Media Google News

જ્ઞાતિના અગ્રણીઓ – નાના જૂથો ભારે સક્રિય: ભાજપ – કોંગ્રેસનું ગણિત ખોરવાશે?

ગુજરાત વિધાનસભાનો ચૂંટણી જંગ પરંપરાગત રીતે ભાજપ અને કોંગ્રેસ વચ્ચે લડાતો હોય છે પરંતુ આ વખતે આમ આદમી પાર્ટીએ પણ ચૂંટણી લડવાની જાહેરાત કરતા ત્રિપાંખીયો જંગ થશે તે નક્કી થઇ ગયું છે. તે સિવાય અનેક નાગરિક મંચ, જ્ઞાતિવાદી સંગઠનો, નાની પાર્ટીઓ, અપક્ષ ઉમેદવારોનો રાફડો ફાટે અને મત બેન્કમાં મોટો ભાગ પડાવે તેવા અણસાર અત્યારથી જ સાંપડી રહ્યા છે. ભાજપ અને કોંગ્રેસ એમ બન્નેથી નારાજ હોય તેવો એક વર્ગ છેલ્લા કેટલાય સમયથી ઉભરી રહ્યો છે. જેઓ નાના-નાના જૂથ બનાવીને નાગરિકોના હિતરક્ષક તરીકે ચૂંટણી લડવા સક્રિય થયા છે. સોશિયલ મીડિયા પર પણ અત્યારથી આવા મંચમાં જોડાઇને રાજકીય રીતે સક્રિય થવા અપીલ કરવામાં આવી રહી છે. આ ઉપરાંત વિવિધ આંદોલનોના કારણે વિવિધ જ્ઞાતિ-જાતિના અગ્રણી તરીકે છેલ્લા કેટલાક સમયમાં ઉભરી આવેલા નેતાઓ પણ પોતાની અલગ પાર્ટી બનાવી રહ્યા છે. તો પૂર્વ વિપક્ષી નેતા શંકરસિંહ વાઘેલા પણ એક મોરચો ઊભો કરવાની હિલચાલ કરી રહ્યા છે.

૨૦૧૭ની ચૂંટણીના પરિણામો અનેક મુદ્દાઓ પર અસરકર્તા અને રાષ્ટ્રીય અસર ઊભી કરી શકે તેવા રહેવાના છે. આ સંજોગોમાં અત્યારથી જ એવા સંખ્યાબંધ આગેવાનો, નાગરિક મંચ, જૂથો, સંગઠનો સક્રિય થઇ ગયા છે. ૨૦૧૨ની વિધાનસભાની ચૂંટણીમાં ભાજપ અને કોંગ્રેસ સિવાયના અન્ય પક્ષો અને અપક્ષ મળીને કુલ ૧૩ ટકા કરતા પણ વધુ મત મેળવી ગયા હતા.

જો આ વખતે તેના કરતા મોટાપાયે અને વધુ અપક્ષ કે અન્ય પાર્ટીઓ ચૂંટણી મેદાનમાં આવે તો ચૂંટણીનું ગણિત ફરી જાય તેમ છે. કારણકે ભાજપ અને કોંગ્રેસ વચ્ચે હાર-જીતનો મતની ટકાવારીનો તફાવત ૨૦૧૨ની ચૂંટણીમાં ફક્ત ૮.૯૨ ટકાનો જ છે. ભાજપને ૪૭.૮૫ ટકા મત મળ્યા હતા જયારે કોંગ્રેસને ૩૮.૯૩ ટકા મત મળ્યા હતા. તેની સાથે અપક્ષ ઉમેદવારો સહિત અન્ય નાના પક્ષ કુલ મળીને ૧૩.૨૨ ટકા મત મેળવી ગયા હતા. જો આ તફાવત વધે તો ૨૦૧૭ના ધારણા મુજબના પરિણામની ભાજપ-કોંગ્રેસની ગણતરી ડામાડોળ થઇ શકે છે. ઉલટાનું આ વખતે આમ આદમી પાર્ટી પણ મેદાનમાં છે.

નાગરિક સંગઠનો કે મંચ દ્વારા અત્યારથી જ નાના ગ્રૂપ બનાવીને લોકોની વચ્ચે જઇ રહ્યા છે અને સોશિયલ મીડિયા પર પણ વધુ લોકોને જોડાવવા આહવાન કરી રહ્યા છે. આવા જૂથના મુદ્દાઓ નાગરિકોના પ્રશ્નો, સ્થાનિક પ્રતિનિધિઓની પ્રશ્નો ઉકેલવામાં બેદરકારી અને જવાબદાર લોકો ચૂંટાય તે મુખ્ય છે. આ પ્રકારના જૂથ ઉપરાંત જ્ઞાતિવાદ-જાતિવાદી સંગઠનો પણ છેલ્લા કેટલાક સમયથી સક્રિય છે. તેઓ જે તે વિસ્તારમાં પ્રભુત્વ ધરાવતા હોય ત્યાં પોતાના ઉમેદવાર ઉભા રાખી શકે છે.

જેના કારણે જે બેઠકો પર જીતવામાં મતોની સંખ્યા ઓછી છે તેવી બેઠકો પર પણ અસર થઇ શકે છે. કેટલાક અગ્રણીઓ દ્વારા ચૂંટણીમાં ઝંપલાવવાની જાહેરાત પણ કરી દેવામાં આવી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.