Abtak Media Google News

આધુનિક ટેકનોલોજીના આ યુગમાં જ્યારે આખુ વિશ્ર્વ આંગળીના ટેરવે રમતું થઇ ગયું છે ત્યારે સમાચાર, માધ્યમો અને પ્રચાર-પ્રસાર અને માહિતીની આપ-લે આંખના પલકારામાં શક્ય બની છે. તેવા સંજોગોમાં ટેકનોલોજીના આવિષ્કારના ફાયદાની સાથેસાથે હવે તેના દૂર ઉપયોગના ભય સ્થાનો ઓળખીને બેકાબૂ બની ગયેલાં વાઇરલ વાયરસ સામે સજાગ થાવું આવશ્યક બન્યું છે. અને તેમાં પણ ભારત જેવા સૌથી મોટા લોકતાંત્રિક દેશમાં સાર્વ ભૌમત્વ અને સુરક્ષાની વાત જ્યાં સુધી આવે ત્યાં સુધી કોઇપણ સંજોગોમાં રાષ્ટ્રીય સુરક્ષા સાથે બાંધછોડ ન જ થઇ શકે.

વૈશ્ર્વિક જાયન્ટ આઇ.ટી. કંપનીઓના વૈશ્ર્વિક ફેલાવા અને વધતા જતા પ્રભાવથી અંજાઇ નિયમોના અમલ સામે આંખ મિંચામણા કરતી સોશિયલ મીડીયા કંપનીઓના મનસ્વી વર્તનને જરાપણ ચલાવી ન લેવાય. શરૂઆતમાં આઇ.ટી. કંપનીઓને એવી હવા હતી કે વૈશ્ર્વિકસ્તરે અમારું કામ ચાલે છે ત્યારે કોઇ એક દેશના કાયદા અને નિયમો અમને બંધન કરતા ન હોય શકે વિશ્ર્વના અનેક નાના અને વિકાસશીલ દેશમાં કંપની પોતાની મરજી મુજબ નિયમોના બંધ બેસતા અર્થ કાઢીને જેવા તેવા નિયમોને ગણકારતા નથી.

અલબત્ત ભારત એક જવાબદાર અને વિશ્ર્વનું સૌથી મોટું લોકતંત્ર ધરાવતાં દેશની ગરીમા ધરાવે છે ત્યારે સર્વભૌમત્વ અને નાગરિકોના અધિકારોના સંરક્ષણ અને રાજધર્મ સાથે કોઇ બાંધછોડ ન કરે તે સ્વભાવિક છે. ફેસબુકની માલિકીની વોટ્સએપ પર ગેરકાયદેસર રીતે ઉશ્કેરણીજનક મેસેજના ક્ધટેન્ટથી દેશની આંતરિક સુરક્ષા અને નાગરિકોના મૂળભૂત અધિકારો પર જોખમ ઉભું થતા સરકારે આકરી કાર્યવાહીના નિર્દેશ આપીને તમામ ઓટીટી પ્લેટફોર્મ અને સોશિયલ મીડીયા હેન્ડલરોને પોતાના નેટવર્કમાં પાસઓન થતાં તમામ ક્ધટેન્ટ માટે કંપનીને જવાબદારી લેવાનું કડક સૂચન જારી કર્યું છે.

વોટ્સએપે વાયરલ વાયરસને નાથવાના નવા આઇ.ટી. નિયમોની અમલવારી શરૂ કરી દીધી છે. વોટ્સએપ જેવી કંપની અને સોશિયલ મીડીયા નેટવર્ક ભલે વ્યાપક ઉપભૌપકતાનું વિશાળ કાર્યક્ષેત્ર ધરાવતું હોય ગમે તેટલું મોટુ કામ થઇ ગયું હોવા છતાં રાષ્ટ્રની સુરક્ષા અને સંવિધાનથી ઉપરવટ કોઇ હોય જ ન શકે. આઇ.ટી. નિયમોની અમલવારી દરેક સોશિયલ મીડીયા કંપની માટે ફરજીયાત છે.

ફેસબૂકની માલિકીની ઇન્ટરનેટ મેસેજીસ એપ્પ વોટ્સએપએ ગેરકાયદેસર અને ઉશ્કેરણીજનક સંદેશા મોકલનારાઓને ઓળખી લેવાની કંપનીની ફરજ માથે ચડાવી લીધી છે અને નિયમ ભંગ કરનારા વપરાશકારોના ખાતા બંધ કરવાની ઝુંબેશ શરૂ કરી દીધી છે. વોટ્સએપએ વાયરલ વાયરસના હેન્ડલર એવા 20 લાખ યુઝર્સના એકાઉન્ટ બંધ કરી દઇને આઇ.ટી. નિયમની પાલનની પોતાની પ્રતિબંધધતા બતાવી દીધી છે.

ભારતમાં કામ કરવું હશે તો કાયદાનું ચુસ્તપણે પાલન કરવું જ પડશે. બે દિવસ પહેલા માસ્ટર કાર્ડને ભારતના ડેટા ભારતમાં સાચવવા માટે ડેટા બેન્ક ઉભી કરવાની સૂચના ઉભી જવાની કિંમત ચૂકવવી પડી હોય તેમ આ મહિનાથી માસ્ટર કાર્ડ ઉપર નવા કાર્ડ ઇશ્યૂ કરવા માટે પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યું. આજે વિશ્ર્વભરની મલ્ટીનેશનલ કંપનીઓની ભારતની વિશાળ રિટેલ માર્કેટ અને કરોડોની સંખ્યામાં સરળતાથી ઉપલબ્ધ ગ્રાહકોની જંગી આવક મેળવવા માટે કતારો ઉભી થઇ છે.

ત્યારે 21મી સદીના વિશ્ર્વ સાથે ભારતીય સમાજ જીવન પણ કદમથી કદમ મિલાવી શકે તે માટે વૈશ્ર્વિક કંપનીઓને સેવા માટે ભારતે દરવાજા ખોલી દીધા છે. પરંતુ દરેક જાયન્ટ કે નાના પાયે કામ કરતી કંપનીએ એ વાત અવશ્ય યાદ રાખવી જ પડશે કે ભારતમાં કામ કરવું હોય તો સંવિધાનને સન્માન આપવું જ પડશે.

સૌથી મોટો રાજધર્મ દેશની સુરક્ષાની સલામતી જાળવવાનું હોય છે. વોટ્સએપ જેવી કંપનીઓ સમયસર કાયદા અને નિયમની અમલવારીનું મહત્વ સમજી ચુંકી છે. ભારતમાં કામ કરવું હોય તો રાષ્ટ્રહિત સર્વોપરી ગણવાની ખેવના તો રાખવી જ પડે તે તમામને સમજી લેવું જોઇએ.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.