Abtak Media Google News

હવે સાવજની ડણક કાળિયાળ સુધી પહોંચી

સાવજો મુખ્યત્વે બોટાદ,અમરેલી,બાબરા અને વેળાવદરમાં જોવા મળી રહ્યા છે, અમદાવાદથી 150 કિલોમીટર દૂર

ગીરના જંગલ વિસ્તારની બહાર પણ એશિયાઈ સિંહો વસવાટ કરે અને તેમનું સંવર્ધન અને રક્ષણ કરવું પણ અનિવાર્ય છે. અને એટલા માટે જ વનવિભાગ દ્વારા પ્રોજેક્ટ લાયન તૈયાર કરવામાં આવ્યો છે.આ પ્રોજેક્ટ અંતર્ગત એશિયાટીક સિંહોના સંવર્ધન અને રક્ષણનું કાર્ય કરવામાં આવશે. સૌરાષ્ટ્રના જૂનાગઢથી ભાવનગર જીલ્લા સુધી આશરે 1400 કિલોમીટરથી વધુ વિસ્તારમાં વિસ્તરેલા ગિર જંગલમાં વસવાટ કરી રહેલા 523 જેટલા એશિયાઈ સિંહોને કદાચ જંગલ ટૂંકુ પડતુ હોવાના કારણોથી અથવા તો ત્યાં તેઓને માફક ન આવતું હોવાથી ઘણાબધા સિંહો ગિર જંગલ વિસ્તારની બહાર નીકળી રહ્યા છે.

સીંહોની સુરક્ષા વધારવી અનિવાર્ય બની જાય છે. એટલા માટે જ વનવિભાગના અધિકારીઓએ જંગલ બહાર નિકળી ગયેલા 200 જેટલા સિંહોના રક્ષણ અને સંવર્ધન માટે અભ્યાસ અને સંશોધન કરીને પ્રોજેક્ટ લાયનનું માળખુ તૈયાર કરીને રાજ્ય સરકારને મંજૂરી માટે મોકલી આપ્યું હતું. આખરે રાજ્ય સરકારે આ પ્રોજેક્ટને મંજૂરી આપવામાં આવી છે ત્યારે એશિયાટિક સાવજો હાલ બોટાદ ની સાથોસાથ અમરેલી, બાબરા અને ભાવનગરના વેળાવદર સુધી પહોંચી ગયા છે. વેળાવદર અત્યારે કાળિયાર માટે જાણીતું છે ત્યારે સિંહ પરિવારે કાળિયારના ઘરમાં નિવાસ કરવાનું શરૂ કર્યું છે.

સિંહના સંવર્ધનનું કામ જૂનાગઢના નવાબોએ શરૂ કર્યું હતું. વર્ષ 1965માં સિંહોના સંવર્ધનની પ્રવૃત્તિએ જોર પકડ્યું હતું. તે સમયથી આજ સુધી ગુજરાતમાં સિંહની વસતીમાં સતત વધારો થયો છે. વર્ષ 2015માં છેલ્લે સિંહની ગણતરી થઈ હતી અને તે સમયે 27 ટકાનો વસતીવધારો નોંધાયો હતો. હાલ સાવજોની વસ્તી વર્ષ 2020 પ્રમાણે 674 રહી હતી. ગુજરાતની બહાર છેલ્લો એશિયાઈ સિંહ વર્ષ 1884માં જોવા મળ્યો હતો. એ વખતે ગુજરાતના ધ્રાંગધ્રા, જસદણ, ચોટીલા, બરડો, ગિરનાર અને ગીરના જંગલમાં સિંહો વિચરતા હતા.હાલમાં ગીર સોમનાથ, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, રાજકોટ, બોટાદ, પોરબંદર અને જામનગર સુધી સિંહ વિચરતા જોવા મળે છે. વચમાં સિંહ સંવર્ધન યોગ્ય રીતે થતું ન હોવાના કારણે સાવજોની સંખ્યામાં ઘટાડો નોંધાયો હતો પરંતુ આ વાતની ગંભીરતાને ધ્યાને લઈ સરકાર દ્વારા કરી તીવ્ર વેગથી સિંહ સંવર્ધન કરવાનું શરૂ કર્યું છે અને પરિણામ સ્વરૂપે સાવજોની સંખ્યામાં પણ વધારો નોંધાઈ રહ્યો છે.

સૌથી મોટી વાત તો એ છે કે હાલ સાવજોની સંખ્યા જે રીતે વધી રહી છે તેને લઈ સાવજો એ પોતાની ટેરેટરી પણ વધારી રહ્યો છે એટલું જ નહીં બરડા ડુંગર માં પણ હાલ સાવજોની અવર-જવર જોવા મળી છે. ત્યારે આ તમામ સાવજોને પૂરતું રક્ષણ આપવામાં આવે તે માટે સિંહ સંવર્ધન પ્રોજેક્ટ લાયન અંતર્ગત શરૂ કરવામાં આવ્યું છે. ચીફ કંઝર્વેટર ઓફ ફોરેસ્ટ આરાધના શાહુએ જણાવ્યું હતું કે, હાલ છે જંગલની બહાર સાવજો વિહાર કરી રહ્યા છે તેઓને રેડિયો કોલર મારફતે તેમની દરેક ગતિવિધિ ઉપર નજર રાખવામાં આવી રહી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.