Abtak Media Google News

ત્રણ મહિનામાં 1,20,328 કુપોષિત બાળકોનો જન્મ: 156 પ્રસુતા પણ મોતને ભેટી

ભાજપ સરકારના દિશાવિહીન, ભ્રષ્ટ આરોગ્ય વિભાગની નિતીરીતીના કારણે તેની કિંમત ગુજરાતની જનતાને ચૂકવવી પડી રહી છે માત્ર 91 દિવસમાં જ 156 માતા અને 2447  નવજાતનાં મૃત્યુ પામ્યા હોવાનું પ્રદેશ કોંગ્રેસ સમિતિના મીડિયા ક્ધવીનર અને પ્રવક્તા ડો. મનિષ દોશીએ જણાવ્યું હતું. ગુજરાતમાં 20 વર્ષ કરતાં વધુ સમયથી શાસન કરતી ભાજપ સરકારમાં બાળ અને મહિલા આરોગ્ય ક્ષેત્રે ચિંતાજનક સ્થિતિ છે માત્ર 91 દિવસમાં જ 156 માતા અને 2447  નવજાતનાં મૃત્યુ પામ્યા છે. સરકાર જાહેર આરોગ્ય સેવા પાછળ નજીવો ખર્ચ અને જાહેરાતો પાછળ કરોડો રૂપિયાનો ખર્ચ કરે છે.

ગુજરાતમાં આરોગ્ય વિભાગના આંકડા મુજબ 1 એપ્રિલથી 30 જૂન સુધી એનીમિયાની ગંભીર બીમારીથી પીડિત 2132 પ્રસૂતાના કેસ સામે આવ્યા છે. જ્યારે ઓછા વજન સાથે 27,138 બાળકોનો જન્મ થયો છે. ત્રણ મહિનામાં 1,20,328 કુપોષિત બાળકોનો જન્મ થયો છે. રાજ્યમાં “વધારે પડતું ઓછું વજન-અતિ ઓછું વજન” ધરાવતા અતિ કુપોષિત 24,121 બાળકો છે. હેલ્થ મેનેજમેન્ટ એપ્લિકેશનના ડેટા મુજબ વીતેલા 91 દિવસમાં સૌથી વધુ અમદાવાદ કોર્પોરેશનમાં 15, કચ્છમાં 11, બનાસકાંઠા અને દાહોદમાં 10, રાજકોટ કોર્પોરેશન 9, વડોદરા 7, ભરૂચ 3 અને નર્મદામાં 1 માતાનું પ્રસૂતા માતાઓનું પ્રસુતિ વેળા મૃત્યુ થયું છે.

સૌથી વધુ 215 નવજાત શિશુના મૃત્યુ દાહોદ જિલ્લામાં મૃત્યુ પામ્યા છે. જે બાદ અમદાવાદ કોર્પોરેશનમાં 199, બનાસકાંઠામાં 166, કચ્છ 165, મહેસાણામાં 142, આણંદ 113, સાબરકાંઠા 105, વડોદરા 73, વડોદરા કોર્પોરેશનમાં 30, સુરત 46, કોર્પોરેશન 58, ભરૂચ 69, અમદાવાદ 64 નોંધાયા છે. સ્મીમેરમાં જન્મતા 100  બાળકે 31 કુપોષિત, ચાર ટકા નવજાતનાં મોત, જનની યોજના પાછળ કરોડોનો ખર્ચ થવા છતાં સ્થિતિ વિકટ સ્થિતિ છે. કહેવાતા અમૃતકાળમાં પણ ગુજરાતમાં હજુ લાખો બાળકો કુપોષિત કેમ છે? તેનો ભાજપ સરકાર જવાબ આપે. તેવી માંગ કરાય છે.

આરોગ્ય ક્ષેત્રે રાજ્યની કથળતી સ્થિતિ અંગે ચિંતા વ્યક્ત કરતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મીડિયા ક્ધવીનર અને પ્રવક્તાશ્રી ડો. મનિષ દોશીએ જણાવ્યું હતું કે ગુજરાતમાં સરેરાશ 12 લાખ બાળકોના જન્મ સમયે 30 હજારથી બાળકોના મોત થાય છે. આજે પણ વર્ષે 30 હજાર બાળકોના મોત થાય છે આ વાસ્તવિકતા છે. છેલ્લા પાંચ વર્ષમાં 7,15,515 બાળકો કુપોષિત છે તેમ સરકાર જણાવી રહી છે જો સાચી રીતે કુપીષિત બાળકો અને મહિલાઓનો સાચો સર્વે થાય તો આ આંકડો અનેકગણો સામે આવે તેમ છે.

આદિવાસી વિસ્તારમાં કુપોષણની સ્થિતિ ભયાનક છે. માત્ર એક વર્ષમાં દાહોદમાં કુપોષિત બાળકોની સંખ્યા 14,191 છે, જ્યારે નર્મદામાં આ આંકડો 12,673 છે. આ બંને જિલ્લામાં અતિ ઓછા વજનના બાળકોની સંખ્યા પણ સૌથી વધુ છે. દિશાવિહીન, ભ્રષ્ટ આરોગ્ય વિભાગની નિતીરીતીની કિંમત ગુજરાતની જનતાને કેમ ચૂકવવી પડે? કથળતી આરોગ્ય સેવા અને વધતા જતા કુપોષણ-બાળ મૃત્યુ-માતા મૃત્યુ માટે જવાબદાર કોણ? તેનો જવાબ જનતા માંગે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.