મોરબીમાં એક યુવાને સોશીયલ મીડિયા પર લાઈવ થઈ પોતાની આપવીતી સંભળાવી: ગળાફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું

મોરબીમાં એક યુવાને પ્રેમ લગ્ન બાદ સાસરિયા પક્ષના ત્રાસથી કંટાળી આપઘાત કર્યાની ઘટના સામે આવી છે. જેમાં મૃતક યુવાને સોશિયલ મીડિયા પર લાઈવ થઈ ૬ મિનિટ ૪૩ સેકન્ડ સુધી પોતાની આપવીતી સંભળાવ્યા બાદ ગળાફાંસો ખાઈ આપઘાત કરી લેતા પંથકમાં અરેરાટી મચી ગઇ છે.

આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ મોરબીના વાવડી રોડ વિસ્તારમાં રહેતા કિશનભારથી અશોકભારથી ગૌસ્વામી (ઉ.વ.૨૫) નામના યુવાને ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. આ આપઘાત પાછળ પ્રેમ લગ્ન જવાબદાર હોવાનું આપઘાત કરતા પૂર્વે ખુદ મૃતક યુવાન કિશનભારથી ગૌસ્વામીએ ફેસબુક લાઈવ અને અન્ય સોશિયલ મીડિયામાં લાઈવ થઈને જાહેર કર્યું હતું અને લાઈવ થયા બાદ ગણતરીની ઘડીઓમાં જ તેને ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવી લીધું હતું.

મૃતક કિશનભારથી ગોસ્વામીએ ફેસબુક ઉપર લાઈવ થઇ તેને જેની સાથે પ્રેમલગ્ન કર્યા હતા તે યુવતીનો ઉલ્લેખ કરી યુવતી, તેના માતા-પિતા અને યુવતીના માસી સહિતના લોકોનો ત્રાસ હોવાથી હવે તે જીવી શકે તેમ ન હોવાનો ઉલ્લેખ કરી આ પોતાનો છેલ્લો વીડીયો હોવાનું અને ભગવાન હવે બીજા ભવમાં માનવ જિંદગી ન આપે તેવું જણાવ્યું હતું. પોલીસે ઘટનાની નોંધ કરી મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી વધુ તપાસ હાથધરી છે.