Abtak Media Google News

લો-પ્રેસર ફંટાય નહીં તો ગુજરાતમાં પણ ફરીથી ભારે વરસાદની શકયતા..

બંગાળની ખાડી ઉપર સર્જાયેલા લો-પ્રેસરના કારણે ભારે પવન સાથે અતિ ભારે વરસાદની આગાહી હવામાન ખાતા દ્વારા કરવામાં આવી છે. વધુમાં લો-પ્રેસરના કારણે દરિયો તોફાની બનવાની સંભાવના હોવાથી માછીમારોને દરિયો ન ખેડવા સુચના આપી દેવામાં આવી છે. ગઈકાલે સર્જાયેલું આ લો-પ્રેસર બંગાળની ખાડી અને ઓરીસ્સાના દરિયા કિનારે પહોંચી ગયું છે અને આગામી ૨૪ કલાક દરમિયાન આ લો-પ્રેસર વધુ શક્તિશાળી બને તેવી ભીતિ હવામાન ખાતા દ્વારા વ્યકત કરવામાં આવી છે.

લો-પ્રેસરની અસરના કારણે પશ્ર્ચિમ બંગાળ, ઓરીસ્સા સહિતના વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. વધુમાં જો આ લો-પ્રેસર ફંટાય ન જાય તો ગુજરાતમાં પણ ફરીથી અનરાધાર વરસાદ વરસે તેવી સંભાવના છે. હવામાન ખાતા દ્વારા લો-પ્રેસર બાબતે ચાંપતી નજર રાખવામાં આવી છે અને તંત્રને પણ સાવધ કરી દેવામાં આવ્યું છે.

હવામાન ખાતા દ્વારા કહેવામાં આવ્યું છે કે, પશ્ર્ચિમ બંગાળ,ઓરીસ્સા સહિતના વિસ્તારમાં લો-પ્રેસરના કારણે ૪૫ થી ૫૦ કિ.મી. પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે અને આ ઝડપ ૬૦ કિ.મી. પ્રતિ કલાક સુધી પહોંચવાની પણ પુરેપુરી સંભાવના છે. જેના પરિણામે નુકસાનીની ભીતિ પણ વ્યકત કરવામાં આવી છે.

દેશના ૮ રાજયો પુરની સ્થિતિ સામે લડી રહ્યાં છે તેવામાં પશ્ર્ચિમ બંગાળની ખાડીમાં સર્જાયેલું આ લો-પ્રેસર વધુ મજબૂત બનતા ફરી એક વખત અનરાધાર વરસાદ થશે તેવું હવામાન ખાતા દ્વારા કહેવામાં આવ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.