Abtak Media Google News
તા.૨૮ ઓક્ટોબર ૨૦૨૩ શનિવારે શરદ પૂનમની રાત્રે જ ખંડગ્રાસ ચંદ્ર ગ્રહણ થવા જઈ રહ્યું છે. જેની દૂરગામી અસરો સમગ્ર વિશ્વમાં જોવા મળશે. આ ચંદ્ર ગ્રહણ અશ્વિની નક્ષત્ર  અને મેષ રાશિમાં થનાર છે. અશ્વિની નક્ષત્ર પર કેતુનો પ્રભાવ છે અને મેષ રાશિ પર મંગળ નો પ્રભાવ છે બંને સાથે મળી યુદ્ધ જેવી સ્થિતિનું નિર્માણ કરે છે વળી મંગળ ભૂકંપ પણ ઈંગિત કરે છે! આ સિવાય અકસ્માતોથી પણ ચેતવાનું રહે છે વળી આ સમયમાં હવાઈ જહાજ દુર્ઘટના અને આતંકી ગતિવિધિથી સાવધાન રહેવું પડશે. આ  ખંડગ્રાસ ચંદ્ર ગ્રહણ અનેક વિશેષ પરિસ્થિતિમાં આવી રહ્યું હોય તે દરમિયાન કરવામાં અવેલે કાર્યસિદ્ધિ અનુષ્ઠાન શ્રેષ્ઠ પરિણામ આપનાર બને છે. ગ્રહણનો સ્પર્શ રાત્રે ૧૧.૩૧ મિનિટે થશે તથા મોક્ષ રાત્રે ૩.૫૬ મિનિટે થશે. આ ગ્રહણ ભારતમાં દેખાવાનું હોય પાળવાનું રહેશે!
ગ્રહણકાળ દરમિયાન ઇષ્ટદેવના સ્મરણ સાથે “ૐ સૌમ સૌમેશ્વરાય નમઃ” ૨૧ માળા કે ૫૧ માળા કરી શકાય જે ખુબ લાભદાયી રહેશે.  ગ્રહણની અસર નીચે ઇઝરાયેલ એક પછી એક મોરચા ખોલી રહ્યું છે તો ડ્રગ્સની સંડોવણી ઘણી ઘટનાઓમાં ખુલી રહી છે અને આગામી દિવસોમાં ડ્રગ્સની હેરફેર માટે અને યુદ્ધ માટે દરિયાઈ માર્ગોનો ઉપયોગ વિશેષ થતો જોવા મળશે. વિશ્વમાં સત્તા પર બિરાજમાન દિગ્ગજ લોકોને સ્વાસ્થ્યની તકલીફ થઇ શકે છે અને ઘણી જગ્યાએ મુખ્ય વ્યક્તિ બીમાર પડવાના કારણે અન્ય વ્યક્તિઓ નિર્ણય લેતા જોવા મળશે વળી કોઈ જગ્યાએ સત્તા પરના મુખ્ય વ્યક્તિ વિદાઈ લેતા જોવા મળે કે ઘણા સેલિબ્રેટી કે ઉચ્ચ આસન પર બિરાજમાન લોકોને લાંબો સમય હોસ્પિટલમાં રહેવાનું બની શકે.
આ સમયમાં ભારતવર્ષની વાત કરીએ તો ઘણા રાજ્યોમાં કેટલાક તત્વો અશાંતિ ફેલાવા પ્રયત્ન કરી શકે છે અને આંતરવિગ્રહની સ્થિતિનું નિર્માણ કરતા જોવા મળે જો કે આગામી દિવસોના ગ્રહમાન મુજબ આતંકીઓ માટે પણ સમય ખરાબ છે અને આતંકીઓ તેના આખરી અંજામ સુધી પહોંચતા જોવા મળશે વળી આ સમયમાં ભારતીય એજન્સીઓ અન્ય દેશમાં છુપાયેલા આતંકીઓનો પણ આગવી રીતે સફાયો કરતી જોવા મળશે અને ઘણા મોસ્ટ વૉન્ટેડ આરોપીઓ અને આતંકીઓ આખરી મંજિલ તરફ ગતિ કરતા જોવા મળશે.

ગોચર ગ્રહોની રાશિ મુજબ અસર

મેષ (અ,લ,ઈ) :

  આ ગ્રહણ તમારી રાશિને વિશેષ અસર કરી રહ્યું છે જે મિત્રો અશ્વિની નક્ષત્રમાં જન્મેલા છે તમને વધુ અસરકર્તા બનશે અને કેટલીક કસોટીમાં થી પસાર થવાનું આવશે. આ સમયમાં તમારે નકારાત્મક વિચારોથી દુરી બનાવવી પડશે.

વૃષભ (બ,વ,ઉ) :

આ ગ્રહણમાં તમારે તમારી આવક અને જાવક પર બારીક નજર રાખવી પડશે, ,નાણાકીય આયોજન કરવું ખુબ જરૂરી બને છે. બિનજરૂરી નાણાંનો વ્યય અને સમયનો વ્યય ટાળવો પડશે.

મિથુન (ક,છ,ઘ) :

તમારા માટે ગ્રહણ એકંદરે લાભપ્રદ છે  વડીલોની સલાહ થી કાર્યમાં આગળ વધશો તો પ્રગતિ થશે, આ સમયમાં ભાગ્યોદયની ઘણી તક આવી શકે છે, સક્રિય રહી કાર્ય કરશો તો લાભ થશે.

કર્ક (ડ,હ)   :

  લાગણીના સંબંધોમાં ઠેસ પહોંચતી જોવા મળે, કાર્યક્ષેત્ર વિશેષ કાળજી લેવી પડે, કાયદાકીય ગુંચવણ ઉભી ના થાય તે ખાસ જોવું, જીવનમાં ઘણા પરિવર્તન એક સાથે જોવા મળે.

 સિંહ (મ,ટ) :

  ભાગ્યોદયમાં રુકાવટ આવતી જોવા મળે,હાથમાં આવેલી તક સરકતી જણાય, ઇષ્ટદેવના સ્મરણ થી આગળ વધશો તો કસોટીમાં થી પાર ઉતરી શકાશે.

કન્યા (પ ,ઠ ,ણ) :

ગ્રહણના લીધે આ સમયમાં અચાનક અનેકપરિવર્તન આવતા જોવા મળે, કેટલીક નકારાત્મક બાબતનો સામનો કરવો પડે પરંતુ ધીમે ધીમે સમય સુધરતો જોવા મળશે.

તુલા (ર,ત) :

  વૈવાહિક જીવનમાં વિશેષ કાળજી લેવી, ભાગીદારીમાં વ્યવસાય હોય તો તેમાં પણ તમારે કાળજી રાખવી પડશે. જાહેરજીવનમાં સંભાળીને ચાલવું.

વૃશ્ચિક (ન ,ય) :

શારીરિક તકલીફોનો યોગ્ય ઈલાજ મળે, આ સમયમાં હજુ તમારી સ્વાસ્થ્ય બાબતે વધુ સાવચેત રહેવાની જરૂર પડશે. ખાવા પીવામાં અને જીવનપદ્ધતિમાં યોગ્ય ફેરફાર કરવા જરૂરી બનશે, સમય એકંદરે મધ્યમ ગણી શકાય જો કે શત્રુનાશ શક્ય બનશે.

ધન (ધ,ભ,ફ,ઢ ):

  લાગણીના સંબંધોમાં મતભેદ ના થાય તેની કાળજી લેજો, અંગત વ્યક્તિ સાથે મતમતાંતર થઇ શકે છે અને દિલને ઠેસ પહોંચી શકે માટે અંગત વ્યક્તિઓ સાથે આ સમયમાં સલૂકાઇ પૂર્વક વ્યવહાર કરવો.

મકર (ખ,જ) :

ઘર બાબતે ચિંતા રહે, જમીન મકાન વાહન બાબતે વિશેષ પ્રયત્ન કરવા પડે, પ્રોપર્ટી બાબતે પણ વિલંબ થાય, મન બેચેન રહે, ધાર્યા કામ પાર ના પડે.

કુંભ (ગ ,સ,શ) :

 ભાઈ ભાંડુ મિત્રો બાબતે ચિંતા રહે, મનમાં નેગેટિવ વિચાર આવ્યા કરે. વાહન ચલાવવામાં ખાસ સંભાળવું પડે, સમય દોડધામમાં પસાર થાય.

 મીન (દ,ચ,ઝ,થ):

તમારી વાણી બાબતે વિશેષ કાળજી લેવી પડશે, બોલવાથી સંબંધો ના બગડે તે જોવું પડશે ,નાણાકીય આયોજન કરવું ખુબ જરૂરી બને છે. બિનજરૂરી નાણાંનો વ્યય અને સમયનો વ્યય ટાળવો પડશે.

જ્યોતિષાચાર્ય રોહિત જીવાણી

૭૯૯૦૫૦૦૨૮૨

 

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.