Abtak Media Google News

બોગસ મતદારોની તપાસ મામલે ચાર ટીમોની રચના: ૭ જુન સુધીમાં રિપોર્ટ આપવા તાકીદ

મધ્યપ્રદેશ વિધાનસભા ચુંટણી પૂર્વે બોગસ મતદારોને લઈ ગરમાવો આવ્યો છે. કોંગ્રેસ દ્વારા મધ્યપ્રદેશમાં ૬૦ લાખથી વધુ બોગસ મતદારોનાં નામ મતદાર યાદીમાં સામેલ હોવાનો આરોપ લગાવવામાં આવતા ચુંટણીપંચ હરકતમાં આવ્યું છે અને તાકીદે ચાર ટીમોને તપાસ સોંપી ૭ જુન સુધીમાં રીપોર્ટ કરવા તાકીદ કરવામાં આવી છે.

આગામી નવેમ્બર માસમાં યોજાનાર મધ્યપ્રદેશ વિધાનસભા ચુંટણી પૂર્વે કોંગ્રેસના ચીફ કમલનાય અને કોંગ્રેસના સિનિયર નેતા જયોતિરાદિત્ય સિંધી પાસે મધ્યપ્રદેશના ૬૦ લાખથી વધુ બોગસ મતદારો અને બેવડાયેલા નામો મતદાર યાદીમાં હોવાનું ઘટસ્ફોટ કરતા ભારતનું ચુંટણીપંચ હરકતમાં આવ્યું છે અને તાકીદની અસરથી મતદાર યાદીમાં બેવડાયેલા નામો અને બોગસ મતદારોના નામો શોધી કાઢવા ચાર ટીમોની રચના કરી ૭ જુન સુધીમાં પંચને રીપોર્ટ કરવા આદેશ કર્યો છે.

બીજી તરફ ચુંટણીપંચની ટીમે નરેલા, ભોજપુર, સીયોની-માલવા અને હોંસગાબાદ વિધાનસભા મતક્ષેત્ર સહિતના વિસ્તારોની મુલાકાત લીધી હતી અને બોગસ મતદારોના નામો શોધી કાઢવા ગતિવિધિ તેજ બનાવી હોવાનું જાણવા મળ્યું છે અને મતદાર યાદીમાં બોગસ નામ ઘુસાડનાર જવાબદારો સામે આકરા પગલા તોળાઈ રહ્યા હોવાનું પણ સુત્રોએ ઉમેર્યું હતું.

દરમિયાન કોંગ્રેસે મધ્યપ્રદેશની ૨૩૦ વિધાનસભા બેઠકોમાં ૬૦ લાખ જેટલા બોગસ મતદાર હોવાનો મુદો ઉજાગર કરી મધ્યપ્રદેશની ભાજપ સરકાર ઉપર આરોપ લગાવ્યો હતો કે રાજયની વસ્તીમાં ૨૪% નો વધારો થયો છે ત્યારે બીજી તરફ મતદારોની સંખ્યામાં ૪૦%નો વધારો થયો છે આ કેવી રીતે શકય બને.

વધુમાં કોંગ્રેસે ચુંટણીપંચ સમક્ષ આધાર પુરાવા સાથે બોગસનામો મતદાર યાદીમાં હોવાની ફરિયાદ કરતા આગામી દિવસોમાં વિધાનસભા ચુંટણી પૂર્વે ધડાકા-ભડાકા થવાના સંકેતો સાંપડી રહ્યા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.