Abtak Media Google News

જાનનાં જોખમે ગૌરક્ષણ કરનારા ૧૦૮ જીવદયા પ્રેમીઓને અહિંસા એવોર્ડ અર્પણ કરાશે: રાજકોટથી અધિવેશનમાં જવા માટે બસની ખાસ વ્યવસ્થા

અખિલ ભારતીય સંસ્કૃત રક્ષક દળ, વર્ધમાન સંસ્કારધામ અને સહસ્ત્રાફણા પાર્શ્ર્વનાથ ચેરી.ટ્રસ્ટના સંયુકત ઉપક્રમે ગૌસેવા આયોગ અને ગૌચર વિકાસ બોર્ડના ચેરમેન ડો.વલ્લ્ભભાઈ કથીરીયાના માર્ગદર્શન હેઠળ ગૌશાળાઓ, પાંજરાપોળો, જીવદયા સંસ્થાઓના ટ્રસ્ટીઓ, પદાધિકારીઓ, કાર્યકરો અને દાતાઓના ભવ્ય સંમેલનનું આવતીકાલે ૯:૩૦ થી ૨ દરમ્યાન તપોવન સંસ્કાર પીઠ, મુ.અમિયાપુર પો.સુધડ તા.જિ.ગાંધીનગર ખાતે આયોજન કરવામાં આવ્યું છે.

Advertisement

સવારે ૯:૦૦ કલાકે ગૌપુજનથી અધિવેશનના મંગલાચરણ કર્યા બાદ તપોવન સંસ્કારપીઠમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને જીવદયા તેમજ પૂ.ગુરુદેવ વિશેનું માર્ગદર્શન અપાશે. યજમાન સંસ્થાઓ પૈકીની તપોવન સંસ્કારપીઠના કુલપતિ લલીતભાઈ ધામી સૌનું સ્વાગત કરશે અને પ્રાસંગિક ઉદબોધન કરશે. આ પ્રસંગે ગુજરાત વિધાનસભાના પૂર્વ નાયબ સચિવ પંકજભાઈ બુચ, યોગીદેવનાથબાપુ, પૂર્વ મંત્રી કરશનભાઈ પટેલ, વર્ધમાન સંસ્કારધામના જે.પી. શાહ, મહારાજ, વિરાટભાઈ પોપટ, નીમીશભાઈ કાપડીયા તેમજ ડો.વલ્લભભાઈ કથીરીયા પોતાનું પ્રાસંગિક માર્ગદર્શન આપશે.

આ પ્રસંગે પોતાના જાનના જોખમે પણ ગૌરક્ષણ, અબોલ જીવોનું રક્ષણ કરતા ૧૦૮ જીવદયા પ્રેમીઓને ‘અહિંસા એવોર્ડ’ અપાશે. બપોરે ભોજન પછીના સેશનમાં ગુજરાત સરકાર-ગૌસેવા આયોગના ડો. કે.વી. પટેલ, એનીમલ વેલફેર બોર્ડ ઓફ ઈન્ડિયાના ડો. બી.આર. ચૌધરી, રાજુભાઈ શાહ, અભયભાઈ, લહેરુભાઈ વિચાર-વિમર્શ કરશે, પ્રશ્ર્નોતરીના જવાબ આપશે. મહા અધિવેશનનું સંચાલન ગુજરાત સરકારના સ્ટેટ એનીમલ વેલફેર બોર્ડના નવનિયુકત ડાયરેકટર મિતલ ખેતાણી કરશે.

રાજકોટથી જે જીવદયાપ્રેમીઓ, ગૌશાળા-પાંજરાપોળોના સંચાલકો આ મહાઅધિવેશનમાં આવા માંગતા હોય તેમના માટે આવતીકાલે વહેલી સવારે ૪:૦૦ વાગ્યે નિકળનાર બસની નિ:શુલ્ક વ્યવસ્થા આવતીકાલે કરવામાં આવી છે. બસમાં આવવા માંગતા જીવદયાપ્રેમીઓએ પોતાનું નામ મિતલ ખેતાણી મો.૯૮૨૪૨ ૨૧૯૯૯ પર નોંધાવવાનું રહેશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.