Abtak Media Google News
  • ખાલી ડમ્પરની ચાવી કાઢીને ઓફિસે લઇ આવ્યા બાદ ડમ્પર ચાલકોએ મચાવ્યો હંગામો : સમગ્ર ઘટના વિડીયોમાં કેદ

Rajkot News

એકતરફ જૂનાગઢ પોલીસનો તોડ જોરોશોરો ગાજી રહ્યો છે તેવા સમયે રાજકોટ વહીવટી તંત્રના એક અધિકારીનો કથિત તોડકાંડનો એક વિડીયો સામે આવતા ખળભળાટ મચી જવા પામ્યો છે. ખાલી ડમ્પરનીની ચાવી કાઢીને અધિકારી કચેરી જતાં રહ્યા બાદ ડમ્પરના ધંધાર્થીઓએ કચેરી ખાતે હોબાળો મચાવ્યો હતો. સમગ્ર ઘટના વિડીયોમાં કેદ થઇ જવા પામી છે.

પ્રાપ્ત વિગતો અનુસાર રાજકોટ તાલુકા મામલતદાર તરીકે ગત વર્ષના નવેમ્બર માસમાં કે એચ મકવાણાની નિમણુંક કરવામાં આવી હતી. હવે આ અધિકારીએ રેતીના વ્યવસાય સાથે સંકળાયેલા ડમ્પરના સંચાલકો પાસે તોડ કર્યાનો આક્ષેપ કરવામાં આવ્યો છે.

મળતી વિગતો ગત સપ્તાહમાં તાલુકા મામલતદાર દ્વારા માલીયાસણ બાયપાસ ખાતે બંસલ પેટ્રોલ પંપ પાસે બપોરના અરસામાં એક ખાલી ડમ્પરની ચાવી કાઢી લેવામાં આવી હતી. અધિકારી અને તેમની ટીમ ચાવી કાઢીને તેમની કચેરીએથી પરત ફરી ગઈ હતી. જે બાદ ડમ્પરના ધંધાર્થીઓ તાત્કાલિક મામલતદાર કચેરી ખાતે દોડી ગયાં હતા. જ્યાં ડમ્પરના ધંધાર્થીઓએ તાલુકા મામલતદાર પર તોડનો ગંભીર આક્ષેપ કર્યો હતો. એવો આક્ષેપ કરવામાં આવ્યો હતો કે, ‘અગાઉ પણ તમારી બોલેરો આવીને તોડ કરી ગઈ હતી’. આ સમગ્ર વાતચીત એક વિડીયોમાં કેદ થઇ ગઈ છે.

વધુમાં ડમ્પરના ધંધાર્થીઓ દ્વારા એવો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે કે, અગાઉ પણ બે ગાડીઓની ચાવી કાઢી લેવામાં આવી હતી અને ત્યારબાદ વચેટિયા મારફત પ્રતિ ડમ્પર રૂ. 25 હજારનો તોડ કરવામાં આવ્યો હતો. અને હદ્દ તો ત્યારે થઇ ગઈ કે જયારે ખાલી પડેલી ગાડીની પણ ચાવી કાઢી લેવામાં આવી હતી. તાલુકા મામલતદાર ટીમની આ હરકતથી ડમ્પરના ધંધાર્થીઓ લાલચોળ થઇ ગયાં હતા.

મામલતદાર અને ડમ્પરના ધંધાર્થીઓ વચ્ચે થયેલી વાતચીતનો અંશ…

મામલતદાર અને ડમ્પરના સંચાલકો વચ્ચેની વાતચીત વિડીયોમાં કેદ કરી લેવામાં આવી છે. જે વાતચીત વિડીયો મુજબ શબ્દસહ અહીંયા રજૂ કરવામાં આવી છે.

મામલતદાર : આમાં શું છે કે બીજા તાલુકાવાળા પકડે છે…

ડમ્પરના ધંધાર્થી : અત્યાર સુધી કોઈ મામલતદાર બહાર આવતું જ નોતું, તમારી એકની જ બોલેરો આવી… પહેલીવાર તમારી બોલેરો તોડ કરીને ગઈ અને બીજીવારમાં ખાલી ગાડીની ચાવી લઈને ગઈ… કોઈ મામલતદાર આવી રીતે બહાર નથી નીકળતું…

મામલતદાર : આપી દો… (ચાવી)

તાલુકા સર્કલ ઓફિસર કથીરિયા : નથી લાયસન્સ… નથી વાહનના કોઈ કાગળો…

ડમ્પરના ધંધાર્થી : ઈ પોલીસે જોવાનું હોય… લાયસન્સ છે કે નહિ… છતાં તમે રોડ ઉપર મેમો આપી દેજો… જો ભાઈ કાગળ બધા હોય જ… ઓરીજનલ ભેગા ન હોય…

હવે તાલુકા સર્કલ ઓફિસર કથીરિયા ડમ્પરની ચાવી પરત આપી દે છે…

ડમ્પરના ધંધાર્થી : લાયસન્સ નહિ હોય તો અમારે પોલીસ અને કોર્ટને જવાબ દેવાનો હોય…

મામલતદાર : ઠીક છે… હવે બીજી વખત ચકાસણી કરીને રોકીશું…

ડમ્પરના ધંધાર્થી : હા બસ.. અને રોકો (ડમ્પર) તો એકેય ગાડી જવા ન દેતાં… અમે પાછળ રખડશું તમારી…

Screenshot 1 2 સર્કલ ઓફિસરે ચાવી હાથોહાથ પરત આપી દીધી… ડમ્પર ખાલી હોવાનો સૌથી મોટો પુરાવો

જે રીતે વિડીયો સામે આવ્યો છે તેમાં ડમ્પરના ધંધાર્થીઓના હોબાળા બાદ મામલતદાર પોતે જ એવુ કહી રહ્યા છે કે, ‘ચાવી પરત આપી દો…’ અને સર્કલ ઓફિસર કથીરિયા હાથોહાથ ચાવી પરત આપી દેતાં નજરે પડી રહ્યા છે. ત્યારે કોઈ પણ કાગળો કર્યા વિના કે મેમો આપ્યા વિના ચાવી પરત આપી દેવી તે સૌથી મોટો પુરાવો છે કે, જે ડમ્પરની ચાવી કાઢી લેવામાં આવી હતી તે ડમ્પર ખાલી હતું. ત્યારે સવાલ એવો પણ ઉઠે છે કે, પૈસા કમાવવાની લ્હાયમાં ખાલી વાહનને પણ દંડ કરવાનો ઢોંગ કરવામાં આવતો હશે?

અગાઉ પણ બે ડમ્પરની ચાવી કાઢી 25-25 હજાર હજારના તોડનો આક્ષેપ

ડમ્પરના ધંધાર્થીઓ દ્વારા એવો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે કે, અગાઉ પણ બે ગાડીઓની ચાવી કાઢી લેવામાં આવી હતી અને ત્યારબાદ વચેટિયા મારફત પ્રતિ ડમ્પર રૂ. 25 હજારનો તોડ કરવામાં આવ્યો હતો. અને હદ્દ તો ત્યારે થઇ ગઈ કે જયારે ખાલી પડેલી ગાડીની પણ ચાવી કાઢી લેવામાં આવી હતી. તાલુકા મામલતદાર ટીમની આ હરકતથી ડમ્પરના ધંધાર્થીઓ લાલચોળ થઇ ગયાં હતા.

નિષ્પક્ષ તપાસ થાય તો અનેકના તપેલા ચડી જાય..!!

હાલ કે રીતે તાલુકા મામલતદારનો એક વિડીયો સામે આવ્યો છે. જેમાં મામલતદારને સ્પષ્ટ કહેવામાં આવી રહ્યું છે કે, તમે ડમ્પરની ચાવી કાઢીને તોડ કરો છો… ત્યારે આ મામલાની નિષ્પક્ષ તપાસ કરવામાં આવે તો અનેકના તપેલા ચડી જાય તેવું જાણકારો કહી રહ્યા છે. આ ફકત એક અધિકારીની વાત નથી. ડમ્પરના ધંધાર્થીઓ જ નહિ પરંતુ અનેક બાબતોમાં અમુલ લાંચિયા બાબુઓ દ્વારા તોડ કરીને ખિસ્સું ગરમ કરી લેવામાં આવે છે અને ક્યાંક તો દર મહિને ‘હપ્તા’ પણ ઉઘરાવવામાં આવે છે તેવું પણ જાણકારો કહી રહ્યા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.