Abtak Media Google News

 દરોડા પાછળ જવાબદાર પરિબળ શું ? : કોસ્ટલ રેગ્યુલેશન ઝોન નિયમ ભંગ કે હવાલા કૌભાંડ ? 

એન્‍ફોર્સમેન્‍ટ ડિરેક્‍ટોરેટે મહારાષ્‍ટ્રના પરિવહન મંત્રી અને શિવસેના નેતા અનિલ પરબના નિવાસસ્‍થાન સહિત ૭ સ્‍થળો પર દરોડા પાડ્‍યા છે. કહેવામાં આવી રહ્યું છે કે આ કાર્યવાહી દાપોલી રિસોર્ટ કેસ સાથે જોડાયેલી છે. કહેવામાં આવી રહ્યું છે કે ઇડીએ મુંબઈમાં અનિલ પરબના સરકારી અને ખાનગી નિવાસસ્‍થાને દરોડા પાડ્‍યા છે. આ સિવાય ઇડીએ દાપોલીમાં તેના રિસોર્ટ અને પુણેના કેટલાક સ્‍થળો પર દરોડા પાડ્‍યા છે.
તાજેતરમાં જ ઇડીએ અનિલ પરબ વિરુદ્ધ કેસ નોંધ્‍યો હતો. આ કેસ દાપોલી રિસોર્ટ સંબંધિત કેસમાં નોંધવામાં આવ્‍યો હતો. અનિલ પરબ મહારાષ્‍ટ્ર સરકારના ત્રીજા એવા મંત્રી છે જેમની સામે ઇડીએ કાર્યવાહી કરી છે. અગાઉ, એન્‍ફોર્સમેન્‍ટ ડિરેક્‍ટોરેટ (ઇડી) એ અનિલ દેશમુખની મની લોન્‍ડરિંગ કેસમાં ધરપકડ કરી હતી. આ પછી અનિલ દેશમુખે રાજીનામું આપવું પડ્‍યું હતું. તે જ સમયે, મહારાષ્‍ટ્ર સરકારના મંત્રી અને એનસીપીના નેતા નવાબ મલિક પણ અંડરવર્લ્‍ડ અને મની લોન્‍ડરિંગના સંબંધમાં જેલમાં બંધ છે.
વાસ્‍તવમાં, બીજેપી નેતા કિરીટ સોમૈયાએ આરોપ લગાવ્‍યો હતો કે અનિલ પરબે રત્‍નાગિરી જિલ્લાના દાપોલી તાલુકામાં આવતા મુરુડ ગામમાં એક આલીશાન રિસોર્ટ બનાવ્‍યું હતું. તેણે આરોપ લગાવ્‍યો હતો કે અનિલ પરબે છેતરપિંડી અને બનાવટી દ્વારા ૧૦ કરોડના ખર્ચે રત્‍નાગીરીના દાપોલી પાસે એક રિસોર્ટ બનાવ્‍યો હતો. આ રિસોર્ટ લોકડાઉન દરમિયાન ખેતીની જમીન પર બનાવવામાં આવ્‍યો હતો. તેમણે પરબ સામે કાર્યવાહી કરવાની પણ માંગ કરી હતી.
અનિલ પરબને મુખ્‍યમંત્રી ઉદ્ધવ ઠાકરેના નજીકના માનવામાં આવે છે. તેમની ગણતરી શિવસેનાના શક્‍તિશાળી નેતાઓમાં પણ થાય છે. જોકે, મુંબઈ પોલીસના ભૂતપૂર્વ એપીઆઈ સચિન વાજેએ તેમના પર ૫૦ કરોડ રૂપિયાની ઉચાપત કરવાનો આરોપ મૂકયો ત્‍યારથી અનિલ પરબની મુશ્‍કેલીઓ વધી ગઈ છે. જોકે, અનિલ પરબ આ તમામ આરોપોને નકારે છે.
એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટએ ગુરુવારે મહારાષ્ટ્રના રત્નાગિરી જિલ્લાના દરિયાકાંઠાના દાપોલી વિસ્તારમાં જમીન સોદામાં કથિત અનિયમિતતાના સંબંધમાં પરિવહન પ્રધાન અનિલ પરબના સાત સ્થળો પર દરોડા પાડ્યા હતા. મની લોન્ડરિંગની તપાસના ભાગરૂપે આ કાર્યવાહી કરવામાં આવી છે. ઇડીએ મુંબઈ અને પુણેમાં સાત સ્થળો પર દરોડા પાડ્યા છે. ઇડી દ્વારા પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટની ફોજદારી કલમો હેઠળ નવો કેસ નોંધાયા બાદ દાપોલી, મુંબઈ અને પુણેના સ્થળો પર સર્ચ કરવામાં આવી રહ્યું છે. ૫૭ વર્ષીય પરબ મહારાષ્ટ્ર વિધાન પરિષદમાં ત્રણ વખત શિવસેનાના ધારાસભ્ય અને રાજ્યના પરિવહન મંત્રી છે.
૨૦૧૭ માં દાપોલીમાં પરબ દ્વારા રૂ.૧  કરોડમાં જમીનના પાર્સલ ખરીદવાના આરોપો સાથે સંબંધિત છે, પરંતુ તે ૨૦૧૯માં નોંધવામાં આવી હતી. એજન્સી દ્વારા અન્ય કેટલાક આરોપોની પણ તપાસ કરવામાં આવી રહી છે. આરોપ છે કે બાદમાં આ જમીન મુંબઈના કેબલ ઓપરેટર સદાનંદ કદમને ૨૦૨૦ માં ૧.૧૦ કરોડ રૂપિયામાં વેચી દેવામાં આવી હતી. દરમિયાન, આ જમીન પર ૨૦૧૭ થી ૨૦૨૦ દરમિયાન એક રિસોર્ટ બનાવવામાં આવ્યો હતો.
આવકવેરા વિભાગ દ્વારા અગાઉ કરાયેલી તપાસમાં એવો આક્ષેપ કરવામાં આવ્યો હતો કે રિસોર્ટનું બાંધકામ ૨૦૧૭ માં શરૂ થયું હતું અને રિસોર્ટના નિર્માણ પાછળ ૬ કરોડ રૂપિયાથી વધુ રોકડ ખર્ચ કરવામાં આવ્યો હતો. પૂર્વ મંત્રી અનિલ દેશમુખ સાથે સંકળાયેલા અન્ય મની લોન્ડરિંગ કેસમાં ઇડી પહેલાથી જ પરબની પૂછપરછ કરી ચૂકી છે. આ પહેલા એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટએ પણ ઉદ્ધવ સરકારના બે મંત્રીઓ સામે સકંજો કસ્યો હતો તેમાં રાજ્યના પૂર્વ ગૃહમંત્રી અનિલ દેશમુખ અને લઘુમતી મંત્રી નવાબ મલિકનો સમાવેશ થાય છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.