Abtak Media Google News

ભારતના અર્થતંત્રને પાંચ ટ્રીલીયન અમેરિકન ડોલરનું કદ આપવાના લક્ષ્યાંકને પહોંચી વળવા અર્થતંત્ર સાથે સંકળાયેલા તમામ પરિમાણોની સુદ્રઢ પરિસ્થિતિ આવશ્યક છે ત્યારે બેન્કિંગ ક્ષેત્ર મજબૂત થાય અને વિશ્ર્વસનિયતા વધારવી આવશ્યક બની છે. વૃદ્ધિદરમાં બેન્કિંગ ક્ષેત્રની મહત્વની ભૂમિકા અને નોન પરર્ફોમન્સ એસેટ એનપીએ અને નાદાર લોન જેવા નકારાત્મક પરિબળોથી બેન્કિંગ ક્ષેત્રના નબળા પાસાઓને દૂર કરવા પણ એટલા જ આવશ્યક છે.

બેન્કિંગ ક્ષેત્ર માટે પણ થાપણદારોનો વિશ્ર્વાસ મજબૂતપણે જળવાઈ રહે તે આવશ્યકતા છે ત્યારે થાપણદારોની થાપણને વીમાનું કવચ આપવાની જવાબદારીમાં રાષ્ટ્રીય કૃત બેંકોથી લઈને છેવાડાના નાગરિકોને સ્પર્શતી સરકારી અને ગ્રામીણ બેંકો સુધીની તમામ સંસ્થાઓએ ખાતેદારોની થાપણના સુરક્ષા કવચ માટે પ્રતિબદ્ધ બનવું જોઈએ.

રાષ્ટ્રીયકૃત બેંકોને બાદ કરતા અર્ધ સહકારી, કોમર્શીયલ, કો.ઓપરેટીવ બેંક અને સહકારી તેમજ નોન બેન્કિંગ ફાયનાન્સ સેકટરની આર્થિક સંસ્થાઓમાં ખાતેદારોની થાપણો સુરક્ષીત રહેવી જોઈએ. ક્યારેક-ક્યારેક ફડચામાં જતી સંસ્થાઓના કારણે થાપણદારોની મુડી ડુબી જાય છે. માધવપુર ક્રેડિટ બેંક જેવી ઘટનાઓના પગલા થાપણદારોનો વિશ્ર્વાસ ડગમગી ઉઠે છે તેવા સંજોગોમાં ડીઆઈસીજીસી દ્વારા થાપણદારોની થાપણો પર વીમાની કવચ આપવાની યોજના અમલીય છે પરંતુ દેશમાં હજુ એવી ૪.૮ કરોડ થાપણો છે જેને વીમાનું કવચ અપાયું નથી.

બેંકો પોતાની વહીવટી, આર્થિક અસમર્થતા અને પ્રિમીયમ ન ભરવાના કારણે થાપણદારોની થાપણો હંમેશા અસુરક્ષીત રહે છે. ન કરે નારાયણને બેંકોમાં દલા તરવાડવાળી જેવી પરિસ્થિતિ સર્જાય અને જામીનની માતબરતા વગર મોટી રકમોના ધીરાણ અને લોન ધારકો કરજ ભરપાઈ કરવામાં હાથ ઉધ્ધર કરી લે તેવી પરિસ્થિતિમાં છેવટ ભારણ તો થાપણદારોની થાપણ પર જ આવે છે. તેવા સંજોગોમાં સહકારીથી લઈ રાષ્ટ્રીયકૃત બેંકોથી લઈ તમામ નાણાકીય સંસ્થાના સંચાલકોએ થાપણદારોની થાપણો પર વીમાનું સુરક્ષા કવચ આપતી ડીઆઈસીજીસીમાં પ્રિમીયમ ભરીને થાપણોને વીમાનું સુરક્ષા કવચ આપવાની સાવચેતી રાખવી જોઈએ.

આર્થિક પડકારજન પરિસ્થિતિ અને સ્પર્ધાત્મક યુગમાં બેંકો માટે પણ પોતાના ખાતા ધારકો અને ખાસ કરીને થાપણો મુકનારા ગ્રાહકોનો વિશ્ર્વાસ જાળવી રાખવો આવશ્યક બન્યો છે. વીમાનું કવચ ધરાવતી થાપણોની સુરક્ષા અકબંધ થઈ જાય છે અને જો થાપણ રાખી હોય તે બેંકોની સ્થિતિ ડામાડોળ થઈ જાય તો પણ થાપણદારોની મુડી ડુબતી નથી. થાપણ ઉપર વીમા કવચ આપવાની જોગવાઈનો દરેક નાની-મોટી બેંકોએ લાભ લેવો જોઈએ.

દેશમાં અત્યારની પરિસ્થિતિએ રિઝર્વ બેંકના સર્વે મુજબ અડધો-અડધ બેંક થાપણો સંપૂર્ણપણે રામભરોષે જેવી પરિસ્થિતિમાં જોખમી રીતે બેંક સંસ્થાઓમાં પડી છે. બેંક ફડચામાં જાય તો થાપણની સુરક્ષા માટે આપવામાં આવતા વીમા કવચથી ૪.૮ કરોડની માતબર સંખ્યાના ખાતાઓની થાપણો કોઈપણ વીમા કવચથી સુરક્ષીત કરવામાં આવી નથી. નજીવા પ્રિમીયમ અને માત્ર ચોકસાઈના અભાવે ૪.૮ કરોડ થાપણો વીમા કવચથી વંચિત છે. બેંકોએ પોતાના થાપણદારોનો વિશ્ર્વાસ જાળવી રાખવા માટે આવી સજાગતા અનિવાર્યપણે રાખવી જોઈએ.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.