Abtak Media Google News
  • ‘ખંડણી રાજા’ની રાહે ચીન
  • માલદીવ ઉપર ત્રણ બિલિયન ડોલરથી વધુનું બાહ્ય દેવું, તેમાંથી 42 ટકા ચીનનું: આઈએમએફએ આપી ચેતવણી

ઇન્ટરનેશનલ મોનેટરી ફંડ એ ચીન અને માલદીવની વધતી નિકટતા વચ્ચે મુઇઝુ વહીવટીતંત્રને ’દેવાની કટોકટી’ની ચેતવણી આપી છે.  ચીન પાસેથી અબજો ડોલરની લોન લેનાર માલદીવને ચેતવણી આપતાં આઈએમએફએ કહ્યું છે કે માલદીવે તરત જ તેની નીતિ બદલવાની જરૂર છે.  આઈએમએફએ કહ્યું છે કે ભારત સાથેના તણાવપૂર્ણ સંબંધો વચ્ચે માલદીવે ચીન પાસેથી અબજો રૂપિયાની લોન લીધી છે.  આવી સ્થિતિમાં હિંદ મહાસાગરમાં વ્યૂહાત્મક મહત્વ ધરાવતા આ દેશે તરત જ પોતાની નીતિઓ પર પુનર્વિચાર કરવો જોઈએ. વધુમાં ચીન ખંડણી રાજાની ભૂમિકામાં છે અને માલદીવ તેના દેવા હેઠળ દબાઈ રહ્યું છે. પાકિસ્તાન અને શ્રીલંકાની જેમ જ માલદીવ પણ દેવાદાર બન્યું છે.

આઈએમએફએ માલદીવની અર્થવ્યવસ્થાની સમીક્ષા કર્યા બાદ જણાવ્યું હતું કે, જો માલદીવ મહત્વપૂર્ણ નીતિમાં ફેરફાર નહીં કરે તો દેશની એકંદર રાજકોષીય ખાધ અને જાહેર દેવું ઊંચુ રહેવાનો અંદાજ છે.  ઉલ્લેખનીય છે કે માલદીવની અર્થવ્યવસ્થા પર્યટન પર આધારિત છે.  દેશની લગભગ એક તૃતીયાંશ આવક અન્ય દેશોના પ્રવાસીઓ પાસેથી આવે છે.  કોરોના મહામારી પછી દેશની અર્થવ્યવસ્થા ઘણી હદ સુધી સુધરી ગઈ છે, પરંતુ તેમ છતાં તેણે ચીન પાસેથી અબજો ડોલરની લોન લેવી પડી છે.

આઈએમએફએ કહ્યું કે આયોજિત એરપોર્ટ વિસ્તરણ અને હોટલોની સંખ્યામાં વધારો માલદીવના આર્થિક વિકાસને વેગ આપી શકે છે. આઈએમએફએ કહ્યું કે અનિશ્ચિતતા યથાવત્ છે.  માલદીવ પર દેવાનો બોજ સતત વધવાનો ભય છે.  વિશ્વ બેંકના જણાવ્યા અનુસાર, માલદીવના નાણા મંત્રાલયે 2021માં સ્વીકાર્યું હતું કે તેના પર ત્રણ બિલિયન ડોલરથી વધુનું બાહ્ય દેવું છે.  તેમાંથી 42 ટકા ચીનનો છે.  આવી સ્થિતિમાં, આઈએમએફની ચેતવણીને માલદીવના આર્થિક સ્વાસ્થ્યના દૃષ્ટિકોણથી મહત્વપૂર્ણ માનવામાં આવે છે.

વિદેશી બાબતોના નિષ્ણાતોનું કહેવું છે કે માલદીવના મંત્રીઓ લક્ષદ્વીપના બહાને ચીનને ખુશ કરવાનો પ્રયાસ કરી રહ્યા છે.  કારણ કે માલદીવ ચીનના દેવાના ભારે બોજામાં દબાયેલું છે.  મળતી માહિતી મુજબ, 2014માં ચીનના રાષ્ટ્રપતિની મુલાકાત દરમિયાન ચીન-માલદીવ મિત્રતા પુલનું નિર્માણ શરૂ થયું હતું, જ્યારે ચીને અહીંના લગભગ 17 ટાપુઓને પ્રવાસન તરીકે વિકસાવવા માટે માલદીવને લગભગ 400 બિલિયન ડોલરની લોન પણ આપી હતી. આગામી 50 વર્ષ માટે આ ટાપુઓ લીઝ પર મળી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.