Abtak Media Google News

Table of Contents

ઇશ્વરે નિર્માણ કરેલી આ સૃષ્ટિમાં જન્મ લીધા બાદ સમજણ આવે ત્યારથી બાળકને પણ ઘણી ઇચ્છાઓ થવા લાગે છે. આમ જોઇએ તો ઇચ્છાઓ જ સમાજ વ્યવસ્થાનું ચાલક બળ છે, તેને કારણે જ સૌ તેને પૂર્ણ કરવા જે જે કાર્ય કરે છે, તેનાથી સંસાર ચાલી રહ્યો છે. બાળથી મોટેરા તમામના મનમાં લાખો-કરોડો ઇચ્છાઓ રોજ રોજ ઉત્પન થતી હોય છે. ઇચ્છાને પૂર્ણ કરવા કે ગમતી વસ્તુ મેળવવા માનવી જીવનનાં અંત સુધી કાર્યરત રહે છે. અનંત ઇચ્છાઓનું એક હાલતું-ચાલતું માળખુ એટલે માણસ. દરેક માનવીમાં અમાય આંકાક્ષાઓ પડેલી હોય છે.

કોઇપણ માનવી તેનો સતત વિકાસ કરવા મથામણ કરી રહ્યો હોય છે, ત્યારે તેને એક વાત સમજવી જરૂરી છે કે દરેક ઇચ્છાને પરિપૂર્ણ કરવા પ્રયત્નો કરવા જ પડે છે, જો કે સંપૂર્ણ ઇચ્છા તૃપ્તિ ક્યારેય થતી નથી. જન્મથી મરણ વચ્ચે માનવી પોતાની ઇચ્છા સંતોષવા સતત ઝઝુમે છે અને તેને જ જીવન કહેવાય છે. આજના ઇન્ફર ટેકનોલોજી અને ભૌતિક સુવિધાથી સજ્જ જીવનશૈલી વચ્ચે માનવી અશક્ય વસ્તુ મેળવવાની પણ ઇચ્છાઓ રાખતો હોય છે. જે નથી તેને મેળવવાનો પ્રયાસ તેજ ઇચ્છા આજનો યુવા સૌર્દ્ય, આનંદ, પ્રેમ, શક્તિ જેવું મેળવવા સવારથી સાંજ રખડપટ્ટી કર્યા કરે છે. આજે લગભગ બધાના જીવનમાં કંઇકને કંઇક અતૃપ્તિ જોવા મળે છે.

દરેક ઇચ્છાઓને પરિપૂર્ણ કરવા પ્રયત્નો કરવા પડે: સંપૂર્ણ ઇચ્છાપૂર્તિ ક્યારેય શક્ય જ નથી: આજે તો માનવી જે વસ્તુ અશક્ય છે, તેની પણ ઇચ્છા રાખે છે

દરેક મનુષ્ય આ સંસાર યાત્રામાં અમરત્વ, પ્રેમ, શક્તિ, સૌર્દ્ય, આનંદ, શાંતિ જેવી ઘણી વસ્તુની ઇચ્છા રાખતો હોય છે: ઇચ્છામુક્ત થવાથી વ્યક્તિ કર્મમુક્ત પણ થઇ જાય છે: એક ઇચ્છા પુરી થયા બાદ તરત જ નવી ઇચ્છાઓ જ જન્મે

ભિક્ષાનું પાત્ર ભરાય જાય, પણ ઇચ્છાઓનું પાત્ર હમેંશા અધુરૂ જ રહે –

ઇચ્છાપૂર્ણ ન થવાથી અણગમો, રાગ, દ્વેષ પેદા થાય છે: આપણા જીવનની દરેક સ્થિતિ માટે આપણી ઇચ્છાઓ જવાબદાર ગણાય : પૃથ્વી પર વસતા દરેક માનવીમાં અનંત ઇચ્છાઓ પડેલી હોય છે

ઘણીવાર ઇચ્છાઓ પૂર્ણ ન થવાથી માનવી નાસી પાસ થઇ જતો જોવા મળે છે, અને તેનામાં અણગમો, રાગ-દ્વેષ જેવું પેદા થઇ જાય છે. આજની આપણી દરેક સ્થિતિ માટે આપણી ઇચ્છાઓ જ જવાબદાર છે. આજના યુગમાં કોઇને તેના જીવન વિષે સંતોષ ન હોવાથી, તે સતત ઉપર ઉઠવા સતત દોડ્યા જ રાખે છે. ઘણા તો દેણા કરીને પણ ઇચ્છાપૂર્ણ કરતા હોય છે. પૃથ્વી પર વસતા દરેક માનવીના મનમાં ઇચ્છાઓનું ટોળું જોવા મળે છે, તેને પૂર્ણ કરવા જ તે જીવન જીવતો હોય તેવું લાગી રહ્યું છે. મેળવી શકાય તેવી ઇચ્છાઓ કે દુ:ખમાંથી સુખ તરફ જવાની ઇચ્છાઓની ઇચ્છાપૂર્તિ માટે સતત ઝઝુમવું પડે છે.

આજના યુગમાં તો ઘણાં યુગલોને પણ એકબીજા તરફથી તૃપ્તિ ન મળતા લગ્નેત્તર સંબંધો વધવા લાગ્યા છે. પ્રેમ-હૂંફ અને લાગણીનો દુકાળ હોવાથી માનવીએ ક્યાં મળે છે, એ તરફ ઢળે છે. આજે આપણે જ્યાં જ્યાં જઇએ ત્યાની સ્થિતિ જોઇને આપણાં મગજમાં સતત નવી ઇચ્છાઓ જન્મવા લાગે છે. ટીવી, મોબાઇલ, લેપટોપ, ટેબલેટ, બાઇક ફોર વ્હીલ, ફેશનેબલ વસ્ત્રો જેવી વિવિધ ભૌતિક સુવિધા મેળવવાની ઇચ્છાઓ સતત દિવસ-રાત મગજમાં પેદા થતી જ રહે છે. સંતાનોને મોટા પાસે જે વસ્તુ છે, તે મેળવવા તો મોટાઓ ટીવીમાં જાહેર ખબર જોઇને તે મેળવવા ઇચ્છા કરે છે. આપણી ઇચ્છાઓ સાથે સુખ કે દુ:ખ જોડાયેલું છે.

આજે સમાજમાં ચોતરફ નજર નાંખો તો દરેક પોતાની ઇચ્છાતૃપ્તિ કરવા મહેનત કરી રહ્યો છે. દવાખાનામાં દર્દી પોતાના દુ:ખ દર્દમાંથી મુક્ત થવાની ઇચ્છા તો અસાધ્ય રોગથી પિડાતા અંતિમ ક્ષણો ગણતો દર્દી જીવન ફરી જીવવાની ઇચ્છાઓ રાખે છે. જેવી આપણી દ્રષ્ટિને આપણો સ્વાર્થ તેવી ઇચ્છાઓ પેદા થાય છે. જો કે આપણાં વિચારો અને ઇચ્છાઓને પૂર્ણ કરવા કે અમલમાં મુકવા ઇચ્છા પેદા થાય છે. દરેક ઇચ્છાની તૃપ્તિ થયા બાદ, થોડા સમયમાં જ નવી ઇચ્છા જન્મે છે. આ નિંદા ફાજલીની એક પંક્તિમાં સરસ વાત સમજાવી છે, જેમાં જીવનનાં આરંભથી અંત વચ્ચેની વાત વણી લેવાય છે.

રોજ જીતા હુઆ, રોજ મરતા હુઆ, હર નયે દિન નયા ઇંતઝાર આદમી.

માનવીનું જીવન ઝંખનાઓ, સ્વપ્નાઓ, આકાંક્ષાઓ એક ઘૂઘવતો દરિયો છે, જે ક્યારેય ખાલી થતો નથી. કારણ કે તે અમાય છે, તેમ માનવીની ઇચ્છાઓ પણ અમાય જોવા મળે છે. આજે દરેક માણસ દુનિયાને મુઠ્ઠીમાં સમાવી લેવા માંગે છે. કોઇનું જોયને થતી ઇચ્છાઓ અને એની ત્રેવડને કારણે બીજાના સુચનથી કરેલ ઇચ્છાઓ થતા કાર્યમાં ફેર જોવા મળે છે. એક નગ્ન સત્યએ પણ છે કે એક ઇચ્છાની પૂર્તિ થયા બાદ માત્ર થોડા દિવસમાં નવી ઇચ્છાઓ જાગવા લાગે છે.

જુના માનવીઓ ઓછું ભણતરને ગણતર હોવાથી તે પછેડી એટલી જ સોડ તાણતો હોવાથી મુશ્કેલી બચી ગયો હતો, પણ આજના યુગમાં એકબીજાનું જોઇને થતી ઇચ્છાઓ પૂર્ણ કરવામાં ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડે છે કે જીવ પણ ગુમાવવો પડે છે. કારખાનામાં કામ કરતો 15000 કે તેથી વધુ કમાતો માનવી ભાડાના ઘરમાં પરિવાર સાથે આનંદથી રહી શકતો હોય છે, તો કરોડો રૂપિયાનો માલિક તેને સાચવવામાં જાગતો જોવા મળે છે. છાત્રોને પાસ થઇને ઝડપથી કોલેજ લાઇફ માણવી છે, તો ગરીબને ઝડપથી શાહુકાર થવું છે. આજે મધ્યમવર્ગની ઇચ્છાઓ રોજે રોજ મરતી જોવા મળે છે. જોઇને, વિચારીને, મનમાંથી ઉદ્ભવતી અનંત ઇચ્છાઓને પૂર્ણ કરવા આપણાં ખિસ્સાનું વજન ચેક કરી લેવું પડે છે.

દરેક ઇચ્છાઓ પૂર્ણ કરવા, પરિશ્રમ કરવો આવશ્યક

ઇચ્છાના ઘણા શબ્દોમાં મરજી, રૂચિ, ઉમ્મિદ, આશા, અભિલાષા, કામના, વાસના વિગેરે જોવા મળે છે. તે બાળથી મોટેરા ગમે તેને થાય છે. અંગ્રેજીના શબ્દો સાથે તેને જોઇએ તો વીલીંગનેશ, હોય, ઇનોવોલમેન્ટ, ઇન્ટરેસ્ટ, વીસ, ડિઝાયર વિગેરે જોવા મળે છે. બધી જ ઇચ્છાઓ જે મનમાં પેદા થાય તે હમેંશા પુરી કરવા લાયક પણ ન હોય શકે. ઘણા લોકો તો જેવી ભગવાનની મરજી તેમ કહીને સાંત્વના મેળવે છે. ઇચ્છાઓની નિષ્ફળતામાં શ્રમ ઓછો પડે એવું ન પણ બને કારણ કે ઘણીવાર આપણી ઇચ્છા ખોટી કે આપણી પહોંચની બહારની હોય શકે છે. દરેક માનવીની ઇચ્છાઓ મોટાભાગે ગુપ્ત જોવા મળે છે, તે ક્યારેક જ વિશ્ર્વાસપાત્ર વ્યક્તિને શેર કરતો હોય છે. દરેકના જીવનમાં સ્વપ્ના હોય જ છે અને તે પરિપૂર્ણ કરવાની ઇચ્છાઓ, કાર્ય જ તેની જીવનયાત્રા ગણી શકાય છે. સ્વપ્ન કે ઇચ્છાઓ ક્યારેય વૃધ્ધ થતી નથી, તે સદા યૌવન જ હોય છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.