Abtak Media Google News

પિતાનું વચન પાળવા માટે શ્રી રામ 14 વર્ષ વનમાં રહ્યા. જ્યાં તેઓએ ધર્મની રક્ષા કાજે અધર્મી એવા રાવણનો વધ કરી વિજય મેળવ્યો અને વનવાસ દરમિયાન પૂર્ણ પુરુષોત્તમ શ્રી રામ બનીને અયોધ્યા પરત ફર્યા તે દિવસે જે દિવાળીનો માહોલ હતો. તે હવે ફરી પાછો આવ્યો છે. સતકો સુધીના આક્રમણો બાદ પણ સમગ્ર દેશ પોતાના ઇતિહાસ અને સંસ્કૃતિ સાથે રૂબરૂ થવા જઈ રહ્યો છે. જ્યાં ભગવાન રામનો જન્મ થયો ત્યાં જ તેઓનું ભવ્ય મંદિર નિર્માણ પામ્યું છે. હવે બસ બે જ દિવસ બાદ ત્યાં રામ લલ્લા વિધિ વિધાન સાથે બિરાજમાન થવા જઈ રહ્યા છે. ત્યારે રામ સેવકોની અયોધ્યામાં હેલી લાગી છે.

Advertisement

પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની ગણાતી અંતિમ ઘડીઓ, દેશભરમાં દિવાળી જેવો માહોલ છવાયો : મંદિરમાં દર્શન બંધ, અયોધ્યામાં ત્રણ દિવસ સુધી બહારના લોકોને પ્રવેશ નહીં : હજારોની સંખ્યામાં આમંત્રિત મહેમાનો પણ રામનગરીમાં પહોંચવા લાગ્યા

અયોધ્યામાં 16 જાન્યુઆરીથી શરૂ થયેલી પ્રાણપ્રતિષ્ઠા અનુષ્ઠાના ચોથા દિવસે શુક્રવારે રામલલ્લાની સંપૂર્ણ તસવીર સામે આવી હતી.  રામલલ્લાનો આખો ચહેરો પહેલીવાર જોવા મળ્યો હતો. શુક્રવારે સાંજે સાત વાગ્યાથી અસ્થાયી મંદિરમાં રામલલ્લાનાં દર્શન બંધ થઈ ગયા હતા. 22 જાન્યુઆરી પ્રાણપ્રતિષ્ઠા બાદ 23 જાન્યુઆરીથી ભક્તો નવા મંદિરમાં દર્શન કરી શકશે. આજે રામલલ્લા વાસ્તુ શાંતિ પછી સિંહાસન પર બિરાજશે. આ પહેલા સવારે શક્રધિવાસમાં, ફળાધિવાસમાં અને સાંજે પુષ્પાધિવાસમાં બિરાજશે. પાકિસ્તાનથી હિંગળાજ શક્તિપીઠનું જળ અયોધ્યા પહોંચશે.

 

પાકિસ્તાનની શક્તિપીઠમાંથી જળ આજે અયોધ્યા આવશે. હિંગળાજ માતા મંદિર, પાકિસ્તાનના બલૂચિસ્તાન પ્રાંતના હિંગળાજમાં હિંગોલ નદીના કિનારે સ્થિત એક હિન્દુ મંદિર છે. તે હિન્દુ દેવી સતીને સમર્પિત એકાવન શક્તિપીઠોમાંથી એક છે. અહીં આ દેવીને હિંગળાજ દેવી કે હિંગુલા દેવી પણ કહેવામાં આવે છે. આ મંદિરને નાની મંદિરના નામે પણ ઓળખવામાં આવે છે. છેલ્લાં ત્રણ દાયકાઓમાં આસ્થાને ખૂબ જ લોકપ્રિયતા મેળવી છે અને તે પાકિસ્તાનનાં અનેક હિન્દુ સંપ્રદાયોની વચ્ચે આસ્થાનું કેન્દ્ર બની ગયું છે.

ઉત્તર પ્રદેશના અયોધ્યામાં રામલલાના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને હવે બે દિવસ જ બાકી રહ્યા છે ત્યારે આ કાર્યક્રમને ધ્યાનમાં રાખીને આજથી અયોધ્યામાં ત્રણ દિવસ સુધી બહારના લોકોને પ્રવેશ આપવામાં આવશે નહીં. ઉલ્લેખનીય છે કે સ્થાનિક લોકોને ઓળખ કાર્ડ આપવામાં આવ્યા છે. અયોધ્યામાં શુક્રવાર મધરાતથી અયોધ્યામાં ટ્રાફિક ડાયવર્ઝન લાગુ કરવામાં આવી ગયો છે જેના કારણે લખનઉ, ગોંડા, બસ્તી, આંબેડકરનગર, સુલતાનપુર, અમેઠીથી અયોધ્યા તરફ આવતા વાહનો અલગ-અલગ માર્ગો દ્વારા પોતાના ગંતવ્ય સ્થાન પર પહોંચી શક્શે.

રામલલાના પ્રાણ પ્રતિષ્ઠાને લઈને રામ ભક્તોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે ત્યારે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ બાદ અયોધ્યામાં શ્રદ્ધાળુઓની સંખ્યામાં વધારો થવાની સંભવાનાને ધ્યાનમાં રાખીને રેલવે પ્રશાસન આસ્થા ટ્રેનો ચલાવવાની તૈયારી કરી રહ્યું છે જે ગોમતીનગર અને ચારબાગથી અયોધ્યા સુધી ચલાવવામાં આવશે. એવી અપેક્ષા છે કે આ ટ્રેનો 25મીથી શરૂ થઈ શકે છે. જો કે, અધિકારીઓ ટ્રેનની સૂચના જારી થવાની રાહ જોઈ રહ્યા છે.

રામલલાના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ બાદ બાદ લખનઉ અને અયોધ્યા વચ્ચે રોજની 80 બસો ચલાવવામાં આવશે. તેનાથી અંદાજે 40 હજાર શ્રદ્ધાળુઓને રાહત મળશે. બસ સ્ટેન્ડ પરથી દર 20 મિનિટના અંતરે મુસાફરો માટે બસો ઉપલબ્ધ રહેશે. થોડા દિવસો પહેલા જ રોડવેઝ એડમિનિસ્ટ્રેશને કૈસરબાગ અને અયોધ્યા વચ્ચે એસી જનરથ બસો ચલાવવાની શરૂઆત કરી છે. 22 જાન્યુઆરીએ પ્રાણ પ્રતિષ્ઠા બાદ રોડવેઝ ભક્તો માટે લખનઉ અને અયોધ્યા વચ્ચે 80 બસો ચલાવશે.

ખાસ એઆઈ ટેકનોલોજીનો ઉપયોગ, જે લાખોની ભીડ વચ્ચે પણ ગુનેગારોને શોધી લેશે

અયોધ્યામાં રામ મંદિરના અભિષેકને લઈને ખોટી માહિતીને જડમૂળથી દૂર કરવા માટે સોશિયલ મીડિયા, બ્લોગ્સ અને માઈક્રોસાઈટ્સ પરની સેંકડો પોસ્ટ્સને ફિલ્ટર કરી રહી છે. સાયબર ક્રાઈમ નિષ્ણાતો કહે છે કે તેઓએ તાજેતરમાં રામ મંદિર માટે દાન એકત્ર કરવા માટે ક્યૂઆર કોડની છેતરપિંડીઓમાં પણ વધારો નોંધ્યો છે. તેના ઉપર પણ નજર છે.  મેગા ઈવેન્ટ દરમિયાન કોઈ સાંપ્રદાયિક અશાંતિ ટાળવા માટે એઆઈ દ્વારા જનરેટ કરાયેલ ભગવાન રામની તસવીરો અને વીડિયો પણ સરકારના સ્કેનર હેઠળ છે. વધુમાં સુરક્ષા માટે ખાસ એઆઈ ટેકનોલોજીની મદદ લેવામાં આવી છે. જેમાં 8 લાખ ગુનેગારોનો ડેટા રાખવામાં આવ્યો છે. આ ટેકનોલોજી લાખીની ભીડમાંથી પણ ગુનેગારોને શોધી કાઢશે.

ત્રિ-સ્તરીય સુરક્ષા સાથે જડબેસલાક બંદોબસ્ત ગોઠવાયો

અયોધ્યામાં સરકારે ત્રીસ્તરીય સુરક્ષા ગોઠવી છે. સુરક્ષા માટે સીઆરપીએફ, પ્રોવિન્સિયલ આર્મ્ડ કોન્સ્ટેબલરી અને યુપી સિવિલ પોલીસને વિશેષ જવાબદારી સોંપવામાં આવી છે. આ ઉપરાંત લગભગ 100 એસએસએફ કમાન્ડો અને એનએસજીએ પણ પોતાના સ્થાન લઈ લીધા છે. સીઆરપીએફને ગર્ભગૃહમાં તૈનાત કરવામાં આવશે. યુપી પોલીસ અને પીએસીના 1400 જવાનો મુખ્ય કોર્ડનની બહાર સ્થિત ’રેડ’ ઝોનમાં તૈનાત છે.  બહારના વિસ્તારના ’યેલો’ ઝોનમાં પીએસી અને યુપી સિવિલ પોલીસની હાજરી હશે. આ ઉપરાંત યુપી પોલીસના વધારાના દળો, ડ્રોન, સીસીટીવી અને આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ સોલ્યુશન સાથે કાયદો અને વ્યવસ્થાની ફરજો સંભાળવા માટે તૈયાર છે.

2019માં રામમંદિરનો ચુકાદો આપનાર સુપ્રીમના 5 ન્યાયાધીશોને રામ દરબારમાં પધારવા આમંત્રણ

અયોધ્યા રામ મંદિરના અભિષેક સમારોહમાં હાજરી આપવા માટે ઘણા લોકોને આમંત્રણ મોકલવામાં આવ્યું છે.  જેમાં 2019માં રામ જન્મભૂમિ-બાબરી મસ્જિદ કેસમાં ઐતિહાસિક ચુકાદો આપનાર સુપ્રીમ કોર્ટના જજોનો પણ સમાવેશ થાય છે.  રામ મંદિર પર ઐતિહાસિક ચુકાદો આપનારા પાંચ જજો ઉપરાંત ભૂતપૂર્વ મુખ્ય ન્યાયાધીશો, ન્યાયાધીશો અને અગ્રણી વકીલો સહિત ન્યાય ક્ષેત્ર સાથે સંકળાયેલી 50 થી વધુ હસ્તીઓને 22 જાન્યુઆરી માટે આમંત્રિત કરવામાં આવ્યા છે.  ઉલ્લેખનીય છે કે 9 નવેમ્બર, 2019 ના રોજ, તત્કાલિન સિજેઆઈ રંજન ગોગોઈ, ભૂતપૂર્વ સિજેઆઈ એસ.એ. બોબડે, વર્તમાન સિજેઆઈ ડી. વાય. ચંદ્રચુડ અને ભૂતપૂર્વ ન્યાયાધીશ અશોક ભૂષણ અને ન્યાયમૂર્તિ એસ અબ્દુલ નઝીરની બનેલી પાંચ સભ્યોની બેન્ચે બાંધકામની તરફેણમાં ચુકાદો આપ્યો હતો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.