Abtak Media Google News

ચૂંટણીઓ તો વર્ષ ૨૦૧૪માં પણ હતી અને વર્ષ ૨૦૧૯માં પણ પુરી થઈ છે. એ વખતે પણ મોદીજીના નેજા હેઠળ એનડીએ ૨૦૦થી વધારે અને ૩૦૦ જેટલી સીટો સાથે સરકાર બનાવશે એવા એકઝીટ પોલ આવ્યા હતા. આ વખતે પણ એકઝીટ પોલના વરતારા એવા જ સંકેત આપે છે કે મોદીજીના નેજા હેઠળ એનડીએ સરકાર બનાવી શકે છે. એ વખતે એકઝીટ પોલ બાદ સૌને અહેસાસ હતો કે ‘અચ્છે દિન આને વાલે હૈ’…! પણ આ વખતે ન તો મોદીજી આવા વચનો આપી રહ્યાં છે કે ન તો જનતાને એવો કોઈ અહેસાસ થઈ રહ્યો છે. દિલ્હીમાં રાહુલના રોટલા શેકાય કે મોદીના કે પછી ખિચડી રંધાય, એક વાત નકકી છે કે આગામી દિવસો નવી સરકાર માટે કે દેશની જનતા માટે આકરા રહેવાના છે.

ભારત સહિત વિશ્ર્વના ઘણા દેશો ઈકોનોમિક સ્લોડાઉન તરફ જઈ રહ્યાં છે. અમેરિકા-ચીન ટ્રેડ વોરનું ભૂત તો પહેલેથી જ ધુણી રહ્યું છે. એમાં ભારતમાં ચૂંટણીઓના પગલે સરકારે કરેલા મસમોટા વચનો અને રાહતોની લ્હાણીઓથી દેશની તિજોરી પહેલેથી જ ડુકી જવાની તૈયારીમાં છે. વાહનોના વેંચાણમાં ઘટાડો થયો છે. કન્ઝયુમર સ્પેન્ડીંગ ઘટયું છે, રીટેલ લોન ઘટી રહી છે, ઉત્પાદન ઘટે છે અને બાકી હોય તો નિકાસના આંકડામાં કોઈ ઉત્સાહ નથી. એપ્રિલ-૧૯નાં આંકડા બોલે છે કે દેશનો નિકાસ દર ચાર મહિનાના તળિયે એટલે કે ૦.૬૪ ટકાએ પહોંચ્યો છે. નિકાસનો આ ખાડો એન્જીનીયરીંગથી માંડીને જેમ્સ-જવેલરી તથા લેધર અને અન્ય ઉત્પાદનોમાં પણ જોવા મળ્યો છે. સામાપક્ષે આયાતમાં ૪.૫ ટકાનો ઉછાળો જોવા મળ્યો છે. ખાસ કરીને ક્રુડતેલના વધેલા ભાવ સૌથી મોટી ચિંતાનો વિષય છે.

નવી સરકારે આવતા વેંત ગ્રામિણ તથા શહેરી મધ્યમ વર્ગના આર્થિક વિકાસ માટે નકકર પગલા લેવા પડશે. પાંચ લાખ રૂપિયા સુધીની આવક પર શુન્ય કરવેરાની વાત મતદારો ભુલવાના નથી. ચૂંટણીઓ વખતે નાત-જાત, પછાત અને દલિત જેવા મુદ્દાઓ ચાલતા હોય છે પણ ચૂંટણીઓ બાદ જીડીપીનો દર, વિકાસ, ગ્રામિણ સુવિધા, ગ્રામિણ રોજગારી, બેંક ક્રેડિટ, એનપીએ તથા ક્રુડતેલનાં ભાવ જેવા મુદ્દાઓ સરકારની ટોપ પ્રાયોરીટીમાં રહેતા હોય છે.

ભારતની મર્ચન્ડાઈઝ એકસપોર્ટ એપ્રિલ-૧૯ના મહિનામાં ઘટીને ૨૬ અબજ ડોલરે પહોંચી છે જયારે આયાત ૪૧.૪ અબજ ડોલરે પહોંચી છે. હવે આ જે ૧૫.૩ અબજ ડોલરનો ટ્રેડ ગેપ કઈ રીતે પુરો કરવો તે નવી સરકારે આવતા વેંત નકકી કરવાનું રહેશે. દેશની ટ્રેડ ડીફીસીટ નવેમ્બર-૧૮ બાદ છેલ્લા પાંચ મહિનામાં ચીન, અમેરિકા તથા યુરોપ એમ ત્રણેયની હાલત વધારે નાજૂક થઈ છે. ચીનનું ઉત્પાદન ૮.૫ ટકા ઘટીને ૫.૪ ટકા થયું છે. રીટેલ સેલ્સ છેલ્લા ૧૩ વર્ષના નીચલા સ્તરે છે.

ચૂંટણીઓ માથે હતી એટલે સરકાર માનતી નહોતી પણ હકિકતમાં સીએમઆઈઈના આંકડા બોલે છે કે એપ્રિલ મહિનામાં ભારતનો બેરોજગાર દર વધીને ૭.૬ ટકાએ પહોંચ્યો છે જે ઓકટોબર-૧૬ પછીના સૌથી ઉંચા સ્તરે છે. ભારતમાં ક્રુડતેલની આયાત આ વર્ષે ૩.૫ ટકા જેટલી વધી છે પણ હવે વપરાશ ઘટતો જાય છે તેથી લોકોની ખરીદ શક્તિ નબળી પડી હોવાના સંકેત મળે છે. એફવાય-૨૦૧૯માં ક્રુડતેલની આયાત ૨૨૭૦ લાખ ટન હતી જે એફવાય-૨૦૨૦માં ૨૩૩૦ લાખ ટન થવાની ધારણા છે અને એ પણ ઉંચા ભાવે થશે. એક વર્ષમાં માત્ર ૬૦ લાખ ટનનો વધારો લોકોની આર્થિક ક્ષમતા સામે પ્રશ્ર્નાર્થ ખડા કરે છે.

અલબત ક્રુડતેલની ઓછી આયાત દેશની તિજોરી પરનો બોજ જરૂર ઘટાડે છે પણ ભારતના સ્થાનિક ક્રુડતેલના ઉત્પાદનમાં વધારો થયો નથી. ભારત સરકારના આંકડા શાસ્ત્રીઓએ ક્રુડતેલના સરેરાશ ભાવ ૬૬ ડોલર તથા ડોલરની કિંમત ૭૧ રૂપિયાની સરેરાશ સાથે પ્રજેકટ કર્યા હતા પણ આ બન્ને ભાવ ધારણા કરતા ઉંચા જ રહ્યાં છે જે દેશની તિજોરી પર વધારાનો બોજ બનશે. આવા સંજોગોમાં મોદીજી સરકાર બનાવવા જરૂરી સીટો તો કદાચ લઈ આવશે પણ સરકાર ચલાવવા નાણા કયાંથી લાવશે એ એક સવાલ છે. કેદારનાથની ગુફાઓમાં કદાચ આ જ મનોમંથન ચાલતું હશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.