Abtak Media Google News

જન્મ-મરણના દાખલાના કાગળની ગુણવત્તામાં પણ સુધારો કરાયો

રાજકોટ મહાનગરપાલિકાની આરોગ્ય શાખા દ્વારા મેરેજ રજિસ્ટ્રેશનની ત્રણ નકલો જ આપવામાં આવતી હોવાની ફરિયાદો મળતા આ અંગે સ્ટે.કમીટીના ચેરમેન પુષ્કરભાઈ પટેલે આરોગ્ય અધિકારી ડો.વિજય પંડયા પાસે એવી માહિતી મેળવી હતી કે, એવો કોઈ સરકારની નિયમ છે કે, મેરેજ રજિસ્ટ્રેશનની માત્ર ત્રણ જ કોપી આપવામાં આવે. આવો કોઈ નિયમ ન હોવાનું જાણવા મળતા હવે મેરેજ રજિસ્ટ્રેશનની જેટલી જોઈએ તેટલી નકલો આપવા આરોગ્ય શાખાને તાકીદ કરી દેવામાં આવી છે.

કોઈપણ સરકારી નિયમ ન હોવા છતા આરોગ્ય શાખાના અધિકારીઓ પોતાની મનમાની કરી મેરેજ રજિસ્ટ્રેશનની માત્ર ત્રણ જ નકલ આપતા હતા અને જે લોકો મેરેજ રજિસ્ટ્રેશન માટે અરજી કરે તેને જાત-જાતના સવાલો પુછવામાં આવતા હોવાની ફરિયાદ સ્ટેન્ડિંગ કમીટીના ચેરમેન પુષ્કરભાઈ પટેલ સુધી પહોંચી હતી. દરમિયાન આજે સ્ટેન્ડિંગની બેઠકમાં તેઓએ આ અંગે આરોગ્ય અધિકારી વિજય પંડયા પાસે માહિતી મેળવી હતી કે, મેરેજ રજિસ્ટ્રેશનની માત્ર ત્રણ કોપી આપી તેઓ કોઈ સરકારી નિયમ છે ખરો, જયારે આરોગ્ય અધિકારીએ આ અંગે ના પાડી ત્યારે ચેરમેને તાત્કાલીક અસરી એવી સુચના આપી દીધી હતી કે, હવે પછી મેરેજ રજિસ્ટ્રેશનની જોઈએ તેટલી કોપી અરજદારને આપવી અને જો હવે ફરિયાદ મળી કે માત્ર ત્રણ જ નકલ આપવામાં આવે છે તો તમારી ખેર નહીં રહે.

આજે મળેલી સ્ટેન્ડિંગ કમીટીની બેઠકમાં કોમ્પ્યુટર, હાર્ડવેર, પ્રિન્ટરનો ત્રિવાર્ષિક નિભાવ ખર્ચ આપવાની દરખાસ્તને બહાલી આપવામાં આવી છે. અત્યાર સુધી મહાપાલિકા દ્વારા ૮૦ જીએસએમના કાગળ પર જન્મ અને મરણના દાખલા આપવામાં આવતા હતા અને આ દાખલા ઝડપી ફાટી જતા હોવાની ફરિયાદો ઉઠતા હવેથી ૧૦૦ જીએસએમની જાડાઈના કાગળ પર જન્મ-મરણના દાખલા આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.