Abtak Media Google News

ગુજરાતના શાણા વાંચકોની પહેલી પસંદ બની ગયેલા ઓજસ્વી, તેજસ્વી અને યશસ્વી સાંધ્ય દૈનિક ‘અબતક’ આજે 11 વર્ષ પૂર્ણ કરી 12માં વર્ષમાં મંગલ પ્રવેશ કરી રહ્યું છે. ચોથી જાગીર તરીકે ‘અબતક’ પોતાના 11 વર્ષના કાર્યકાળમાં અખબારી ધર્મ નિભાવવામાં ક્યારેય પાછી પાની કરી નથી. પ્રજાના અડિખમ પ્રહરી બની જ્યારે-જ્યારે જનતાને તકલીફ પડી છે ત્યારે સરકાર કે વહિવટી તંત્રના કાન આમળવામાં પાછી પાની કરી નથી. રૈયતની સુખાકારી માટે જ્યારે-જ્યારે સત્તાધીશો દ્વારા નિર્ણયો કરવામાં આવ્યા છે ત્યારે અમે હોંશભેર તેની સરાહના પણ કરી છે. છેલ્લા 11 વર્ષથી માત્રને માત્ર અમે એક વાતને વગળી રહ્યા છીએ. ક્યારેય બીજાની લીટી ટૂંકાવી મોટુ બની શકાતુ નથી. મહાનતા હાંસલ કરવા આપણે આપણી લીટી જ લાંબી કરવી પડે છે. અમારા આ અભિગમને વાંચકોએ પણ સહર્ષ વધાવી લીધો છે. અમારી “પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યૂઝ” ટેગ લાઇનને સતત વળગી રહ્યા છીએ.

અખબારી જગતમાં અમોએ આદરેલા નવા ચિલાને માત્ર વાંચકો જ નહી અખબારી આલમના માંધાતાઓ પણ વખાણી રહ્યા છે અને સ્થાપનાના પ્રથમ દિવસથી ક્યારેય કોઇપણ સમાચારમાં મૃતદેહના ફોટા પ્રસિધ્ધ કરતા નથી. આ પરંપરા આજે યથાવત છે. અમારી પ્રગતી ખુબ જ મક્કમગતીએ આગળ ધપી રહી છે. વાંચકોને અમે સમાચારના રસથાળમાં તમામ પ્રકારની વેરાયટીઓ આપી રહ્યા છીએ. સરકારમાં બેઠેલા લોકો પણ અમારા અહેવાલોની સતત નોંધ લઇ રહ્યા છે. રાજકીય પક્ષો પણ અમારા સમાચારની ગંભીરતા સમજી પોતાની વ્યૂહ રચના અને નીતિ નિયમો ઘડે છે જે અમારી પ્રગતીનો સૌથી મોટો બોલતો પૂરાવો છે.

સમાજને શું આપવું અને શું ન આપવું વાંચકોને કેટલું પિરસવું અને કેવું વાંચન પિરસવું ભવિષ્યની શક્યતાઓને ધ્યાનમાં રાખી અમારા દ્વારા કરવામાં આવતા પ્રયાસોની સર્વત્ર સરાહના થઇ રહી છે. આજે 12માં વર્ષના મંગલ પ્રવેશે અમે વાંચકોને ખાતરી આપીએ છીએ કે જો સમાજ વિરોધી કોઇ પ્રવૃત્તિ થતી હશે કે જનતાનું હિત જેમાં સચવાયેલું નહી હોય તેવી દરેક ઘટનામાં પણ સત્તાધીશો કે વહિવટી તંત્રના બાર વગાડવામાં રતિભાર પણ પાછી પાની કરીશું નહી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.