Abtak Media Google News

સમી સાંજે રાત જેવું ઘનઘોર અંધારૂ  છવાયું મેઘરાજા રાજકોટવાસીઓની ભૂખ ભાંગશે તેવા વાતાવરણ વચ્ચે માત્ર ૧૫ મિનિટ હેત વરસાવી વરૂણદેવે વિરામ લીધો: સવારથી ઝરમર વરસાદ

 

અબતક,રાજકોટ

સૌરાષ્ટ્રમાં બુધવારે જાણે બારે મેઘ ખાંગા થયા હોય તેમ સાર્વત્રિક વરસાદ વરસ્યો હતો સોરઠ પંથક પર મેઘરાજાએ વધુ હેત વરસાવ્યું હતુ રાજકોટમાં ગાજયા મેહ વરસ્યા ન હતા. કાલે સમીસાંજે રાત્રી જેવું ઘનઘોર અંધારૂ  છવાય ગયું હતુ. મેઘરાજા આજે તો રાજકોટવાસીઓની પાણીની તરસ છીપાવી દેશે તેવું વાતાવરણ જામ્યું હતુ પરંતુ શહેરમાં માત્ર દોઢ ઈંચ જ વરસાદ પડયો હતો. શહેરમાં ગાજયા મેઘ ન વરસતા શહેરીજનોમાં ભારે નિરાશા વ્યાપી જવા પામી હતી. આજે સવારથી ઝરમર વરસાદ વરસી રહ્યો છે. આજે પણ રાજકોટમાં ભારે વરસાદની આગાહી આપવામા આવી છે.

રાજકોટમાં ગઈકાલે સવારે મેઘાવી માહોલ જામ્યો હતો. દિવસભર વાદળછાંયુ વાતાવરણ રહ્યું હતુ. સમી સાંજે ૬ વાગ્યા આસપાસ જાણે અમાસની રાત્રી જેવું ઘનઘોર અંધારૂ  છવાય ગયું હતુ. આકાશમાં કાળા ડિબાંગ વાદળોનો જમાવડો જામ્યો હતો. હમણા મેઘરાજા તુટી પડશે. અને આખુ શહેર પાણી પાણી થઈ જશે તેવું લાગતુ હતુ.

મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી પણ ખરી પરંતુ માત્ર ૧૫ મીનીટ અનરાધાર હેત વરસાવી વિરામ લઈ લેતા લોકો નિરાશ થઈ ગયા હતા. ૧૫ મીનીટમાંજ એક ઈંચ જેટલો વરસાદ પડી જતા રાજમાર્ગો પર પાણી ભરાય ગયા હતા સર્વત્ર પાણી પાણી થઈ ગયું હતુ. ફાયર બ્રિગેડના રેકોર્ડ પર આજે સવારે પુરાતા છેલ્લા ૨૪ કલાક દરમિયાન રાજકોટના સેન્ટ્રલ ઝોન વિસ્તારમાં ૩૩ મીમી સાથે સિઝનનો કુલ ૬૫૮ મીમી વરસાદ, વેસ્ટઝોન વિસ્તારમાં ૨૯ મીમી સાથે મોસમનો કુલ ૫૭૨ મીમી વરસાદ અને ઈસ્ટ ઝોન વિસ્તારમાં ૨૯ મીમી વરસાદ સાથે મોસમનો કુલ ૫૭૬ મીમી વરસાદ વરસ્યો છે. રાજકોટમાં ગાજવીજ સાથે મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થવા પામી હતી પરંતુ ગાજયા મેહ ન વરસતા ભારે નિરાશા વ્યાપી જવા પામી હતી. સામાન્ય વરસાદે પણ કોર્પોરેશનની કહેવાતી પ્રિ-મોનસુન કામગીરીની પોલ ખોલી નાંખી હતી. આગામી ૪૮ કલાક રાજકોટમાં પણ ભારે વરસાદની આગાહી વચ્ચે આજે સવારથી મેઘાવી માહોલ વચ્ચે ઝરમર વરસાદ વરસી રહ્યો છે. વાતાવરણ એક રસ હોય મેઘરાજા ગમે ત્યારે મનમૂકીને વરસી પડે તેવું વાતાવરણ જામ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.