Abtak Media Google News

આગામી ૩ દિવસ સુધી દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત, ઉતર ગુજરાત અને સૌરાષ્ટ્રનાં રાજકોટ, ભાવનગર, અમરેલી, ગીર-સોમનાથ અને જુનાગઢ વિસ્તારમાં વરસાદી માહોલ જામશે: વહેલી સવારથી મુંબઈ અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ

દક્ષિણ ગુજરાતમાં સર્જાયેલા અપરએર સાયકલોનીક સરકયુલેશન અને બંગાળની ખાડીમાં સર્જાયેલા લો-પ્રેશરનાં તળે સૌરાષ્ટ્ર સહિત રાજયભરમાં છેલ્લા ૩ દિવસથી મેઘરાજા મહેર ઉતારી રહ્યા છે. સૌરાષ્ટ્રનાં પાટનગર રાજકોટનાં ગ્રામ્ય પંથકમાં પણ આજે સવાર સુધી ધીમીધારે વરસાદ જામ્યો હતો અને પડધરી સહિતનાં વિસ્તારોમાં વરસાદ વરસ્યો હતો તો યાત્રાધામ વિરપુર જલારામધામમાં મન મુકીને વરસ્યા હતા. ભાવનગર પંથકમાં પણ મેઘરાજા મહેરબાન થયા હતા. અમરેલી પંથકમાં સતત ચોથા દિવસે મેઘરાજા મહેરબાન થયા હતા. સાવરકુંડલામાં પણ વરસાદ વરસતા નાવલી નદી ગાંડીતુર બની છે. આ ઉપરાંત અમરેલીનાં રાજુલા પંથકમાં, સાવરકુંડલા સહિત જુનાગઢમાં આજે સવારથી વરસાદી માહોલ જામ્યો છે. હવામાન વિભાગની આગાહી મુજબ આગામી ૩ દિવસમાં ઉતર ગુજરાત, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાત સહિત સૌરાષ્ટ્રનાં ભાવનગર, અમરેલી, ગીર-સોમનાથ અને જુનાગઢમાં સાર્વત્રિક વરસાદી માહોલ જામશે. મુંબઈ અને દક્ષિણ ગુજરાતમાં આજે વહેલી સવારથી વરસાદ પડવાનું વિધિવત રીતે શરૂ થઈ ગયું છે.

Meghmahar-In-Saurashtra-Naval-River-Of-Savarkundla-On-The-Banks-Of-Two-Banks
meghmahar-in-saurashtra-naval-river-of-savarkundla-on-the-banks-of-two-banks

અમરેલીનાં રાજુલા પંથકમાં ડુંગર ગામે ભારે વરસાદ વરસ્યો હતો. રાજુલા પંથકનાં ગ્રામ્ય વિસ્તારોમાં સતત બે કલાક સાંબેલાધારે વરસાદ વરસ્યો છે. આ ઉપરાંત રાજુલાનાં દિપડીયા, વાવેરા, ધારોડીયા જેવા ગામોમાં અનરાધાર વરસાદ વરસ્યો હતો. રાજુલા પંથકની જોલાપરી નદી, ધાણો નદી તેમજ દેવકાની સુરજવડી નદી ગાંડીતુર બની છે અને કેટલાક વિસ્તારોમાં વરસાદનાં કારણે વીજપોલ પણ ધરાશાયી થયા હતા. સાવરકુંડલા પંથકમાં પણ વરસાદની નાવલી ગાંડીતુર બની હતી. વરસાદને લઈ સૌરાષ્ટ્રભરમાં ખેડુતોમાં ભારે ખુશીની લાગણી જોવા મળી રહી છે. વરસાદનાં આગમનથી લોકો ગેલમાં આવી ગયા છે.

સ્ટેટ ઈમરજન્સી ઓપરેશનનાં જણાવ્યા મુજબ આજે સવારે ૬ થી ૮ દરમિયાન રાજયનાં ૩૩ જિલ્લાનાં ૯૭ તાલુકાઓમાં વરસાદ વરસ્યો હોવાનું નોંધાયું છે. ભરૂચ જિલ્લાનાં અંકલેશ્ર્વરમાં ૭ ઈંચ, ભરૂચમાં ૭ ઈંચ, વડોદરાનાં કરણજમાં ૪૬ મીમી, નવસારીનાં ખેર ગામમાં ૨૯ મીમી, વડોદરાનાં ડભોઈમાં ૨૦ મીમી, નવસારીમાં ૧૪ મીમી, છોટા ઉદેપુરનાં સંખેડામાં ૧૩ મીમી, નર્મદાનાં ટિલકવાડામાં ૧૨ મીમી, સુરતનાં માંગરોળમાં ૧૨ મીમી, નવસારીનાં જલાલપુરમાં ૧૨ મીમી, ભરૂચનાં નેત્રાંગમાં ૬ મીમી, સુરતનાં બારડોલીમાં ૬ મીમી, નવસારીનાં ગંડેવીમાં ૪ મીમી, છોટાઉદેપુરમાં ૨ મીમી, પોરબંદરમાં ૧ મીમી, જુનાગઢનાં મેંદરડામાં ૧ મીમી, બોટાદમાં ૧ મીમી, નર્મદામાં ૧ મીમી અને વલસાડમાં ૧ મીમી આજરોજ સવારે ૬ થી ૮ દરમિયાન વરસાદ નોંધાયો હતો.

Meghmahar-In-Saurashtra-Naval-River-Of-Savarkundla-On-The-Banks-Of-Two-Banks
meghmahar-in-saurashtra-naval-river-of-savarkundla-on-the-banks-of-two-banks

સ્ટેટ ઈમરજન્સી ઓપરેશનનાં જણાવ્યા મુજબ આજે સવારથી છેલ્લાં ૨૪ કલાક દરમિયાન અંકલેશ્ર્વરમાં સૌથી વધુ ૭ ઈંચ વરસાદ વરસ્યો હતો. આ ઉપરાંત અમરેલીનાં સાવરકુંડલામાં ૩૫ મીમી, ગીરસોમનાથનાં ગીરગઢડામાં ૩૧ મીમી, જામનગરનાં કાલાવડમાં ૧૬ મીમી, ગીર-સોમનાથનાં કોડીનારમાં ૧૬ મીમી, ગીર-સોમનાથનાં સુત્રાપાડામાં ૧૫ મીમી, રાજકોટનાં પડધરીમાં ૧૪ મીમી, ભાવનગરનાં મહુવામાં ૮ મીમી, ગીર-સોમનાથનાં તાલાલામાં ૫ મીમી, અમરેલીનાં રાજુલાનાં ૫ મીમી, રાજકોટનાં જસદણમાં ૪ મીમી, અમરેલીનાં બાબરામાં ૪ મીમી, રાજકોટનાં વિંછીયામાં ૩ મીમી, અમરેલીમાં ૨ મીમી વરસાદ નોંધાયો હતો.

ગુજરાતમાં ચોમાસું વિધિવત રીતે બેસી ગયું છે ત્યારે આગામી ૩ દિવસમાં ગુજરાતમાં કેટલાક વિસ્તારોમાં ધીમીધારે વરસાદ પડવાની આગાહી હવામાન વિભાગે કરી છે. આગાહી મુજબ આગામી ૩ દિવસોમાં ગુજરાતનાં અનેક વિસ્તારોમાં છુટોછવાયો વરસાદ પડશે જેમાં આજરોજ દક્ષિણ ગુજરાતનાં તમામ જિલ્લાઓમાં વરસાદ પડશે તો ઉતર ગુજરાતમાં બનાસકાંઠા, પાટણ અને મહેસાણા જિલ્લામાં ધીમીધારે વરસાદ પડશે. આ ઉપરાંત સૌરાષ્ટ્રનાં ભાવનગર, અમરેલી, ગીર-સોમનાથ, જુનાગઢ જિલ્લામાં વરસાદ રહેશે. કચ્છમાં ઓછા પ્રમાણમાં વરસાદ જોવા મળશે. આ સિવાયનાં જિલ્લાઓમાં ચોખ્ખું હવામાન રહેશે. આવતીકાલે બનાસકાંઠા અને પાટણ જિલ્લાને બાદ કરતાં ઉતર ગુજરાતનાં તમામ જિલ્લાઓમાં વરસાદ પડશે. સૌરાષ્ટ્રનાં ભાવનગર, અમરેલી, ગીર-સોમનાથ, જુનાગઢ, દિવ, રાજકોટ, કચ્છમાં વરસાદ રહેશે બાકીનાં વિસ્તારોમાં ચોખ્ખું વાતાવરણ રહેશે. ૩૦મી જુને ઉતર ગુજરાત, દક્ષિણ ગુજરાત, કચ્છ અને સૌરાષ્ટ્રમાં હળવાથી વધારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.