Abtak Media Google News

રાજકોટ મહાનગરપાલિકાના સ્થાપના 50 વર્ષ પૂર્ણ થતા કોર્પોરેશન દ્વારા વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. જે અંતર્ગત આજે રાત્રે રેસકોર્ષ સ્થિત રમેશ પારેખ ઓપન થિયેટર ખાતે ગઝલ સમ્રાટ મનહર ઉધાસની સંગીત સંધ્યાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ઉમટી પડવા માટે શહેરીજનોને કોર્પોરેશનના પદાધિકારીઓ દ્વારા આમંત્રણ પાઠવવામાં આવ્યું છે. આ તકે શહેરના આઠ શ્રેષ્ઠીઓને મેયર એવોર્ડથી સન્માનિત કરવામાં આવશે.

Advertisement

વિરાણી હાઇસ્કૂલમાં પ્રાથમિક શિક્ષણ જ્યારે ડી.એચ. કોલેજમાં યુવાકાળ ગુજાર્યો છે, રાજકોટની શેરી-ગલ્લીઓમાં મારી યાદો સમાયેલી છે: મનહર ઉધાસ

આજે રાત્રે રેસકોર્ષમાં ગઝલ સમ્રાટ મનહર ઉધાસની સંગીત સંધ્યા શહેરીજનોને ઉમટી પડવા કોર્પોરેશનના પદાધિકારીઓની હાંકલ

આજે સવારે કોર્પોરેશનની સેન્ટ્રલ ઝોન કચેરી ખાતે ગઝલ સમ્રાટ મનહર ઉધાસે એક પત્રકાર પરિષદને સંબોધી હતી. જેમાં તેઓએ જણાવ્યું હતું કે આજે હું મારા દિલની વાત રજૂ કરી રહ્યો છું. રાજકોટ મારૂં વતન અને પોતીકું શહેર છે. વિરાણી હાઇસ્કૂલમાં મેં પ્રાથમિક શિક્ષણ લીધું છે. જ્યારે ડી.એચ.કોલેજમાં યુવાકાળ વિતાવ્યો છે. મારા જીવનના યાદગાર વર્ષો રાજકોટમાં પસાર કર્યા છે. અહિંની એક-એક શેરી-ગલ્લી મને યાદ આવે છે. મારૂં સૌભાગ્ય છે કે કોર્પોરેશનના સ્થાપના દિનના 50 વર્ષની ઉજવણીમાં મને સામેલ કરવામાં આવ્યો છે. તેઓએ કોર્પોરેશનના પદાધિકારીઓ અને અધિકારીઓનો આભાર વ્યક્ત કર્યો હતો.

અગાઉના સંગીત અને અત્યારના સંગીત વચ્ચે શું ફેર છે તેવા સવાલનો જવાબ આપતા ગઝલ સમ્રાટે જણાવ્યું હતું કે માત્ર સમયનો ફેરફાર છે. સમયની ડિમાન્ડ મુજબ સંગીત પીરસવામાં આવે છે. આજે પણ ગુજરાતી અને હિન્દી ગઝલો લોકોને પ્રિય છે. યુવા વર્ગ મને આજની તારીખે કહી રહ્યો છે કે અગાઉ પ્રેમ પ્રગટ કરવા માટે અમારી પાસે શબ્દો ન હતા. આજે ગુજરાતી ગઝલના કારણે અમે સહેલાઇથી અમારો સ્નેહનો અહેસાસ પ્રગટ કરી શકીએ છીએ. ટૂંક સમયમાં મારૂં એક નવું આલ્બમ પણ આવશે. ગુજરાતી સંગીત હાલ યુવા અવસ્થામાં છે અને તેનું ભવિષ્ય ખૂબ જ ઉજળું છે.

આજે સાંજે 8:30 કલાકે રેસકોર્ષ સ્થિત કવિ શ્રી રમેશ પારેખ રંગદર્શન ખાતે ગઝલ સમ્રાટ મનહર ઉધાસની સંગીત સંધ્યા યોજાશે. જેમાં શહેરીજનોને ઉમટી પડવા માટે મેયર નયનાબેન પેઢડીયા, ડે.મેયર નરેન્દ્રસિંહ જાડેજા, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન જયમીન ઠાકર, શાસક પક્ષના નેતા લીલુબેન જાદવ, દંડક મનિષભાઇ રાડીયા, મ્યુનિ.કમિશનર આનંદ પટેલ અને સમાજ કલ્યાણ સમિતિના ચેરમેન સુરેન્દ્રસિંહ વાળા દ્વારા નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે.

આઠ મહાનુભાવોને મેયર એવોર્ડથી સન્માનિત કરવામાં આવશે

શહેરના વિકાસમાં, સામાજીક સેવા ક્ષેત્રે, ઉદ્યોગ ક્ષેત્રે, કલા ક્ષેત્રે, સાહિત્ય ક્ષેત્રે, પર્યાવરણ ક્ષેત્રે અને જીવદયા ક્ષેત્રમાં નોંધપાત્ર યોગદાન આપનાર આઠ મહાનુભાવોને આજે મેયર એવોર્ડ આપી સન્માનિત કરવામાં આવશે. જેમાં અગ્રણી સમાજ સેવક હિમાંશુભાઇ માંકડ, ઉદ્યોગપતિ મૌલેશભાઇ ઉકાણી, જીવદયાપ્રેમી સુમનભાઇ કામદાર, પર્યાવરણપ્રેમી વી.ડી.બાલા, નાટ્યકાર કૌશિકભાઇ સિંધવ, સાહિત્યકાર દિલીપભાઇ જોષી, સમાજ સેવિકા ઉષાબેન જાની અને ગાંધીવાદી બળવંતભાઇ દેસાઇને મેયર એવોર્ડ આપી સન્માનિત કરવામાં આવશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.