Abtak Media Google News
  • ઉનાળો આવતા જ મારામારીના બનાવો વધ્યા
  • કુખ્યાત ઇભલા વિરુદ્ધ હત્યાનો પ્રયાસ તેમજ એટ્રોસિટી એક્ટ હેઠળ વધુ એક ગુનો નોંધાયો

ઉનાળો આવતા જ મારામારીના બનાવો વધી રહ્યા છે. છેલ્લા 24 કલાકમાં શહેરમાં અલગ અલગ કુલ 4 મારામારીના બનાવો બનવા પામ્યાં છે. જેમાં કુખ્યાત ઇભલા સહિતના શખ્સોએ હુમલો કરીને પ્રૌઢને માર મારી જ્ઞાતિ પ્રત્યે હડધુત કર્યાની રાવ બી ડિવિઝન પોલીસમાં તો મનહરપુરમાં યુવાનને સાઢુભાઇ સહિત ત્રણ શખસોએ પાઇપ-તવાથી માર માર્યાની ફરિયાદ ગાંધીગ્રામ પોલીસ મથકમાં નોંધાઈ છે. અન્ય બે બનાવમાં ભાવનગર રોડ પર મનહરપરામાં ચાના ધંધાર્થી બંધુ પર ચાર શખસોએ હુમલો કર્યાનું સામે આવ્યું છે તો માધાપર ચોકડી પાસે પેસેન્જર ભરવા બાબતે ઈકો કારચાલકને બે શખસોએ પાઇપ વડે માર માર્યાની રાવ સામે આવી છે.

બનાવ અંગે પ્રાપ્ત વિગત અનુસાર જુના મોરબી રોડ પર ગણેશ નગર શેરી નં. સી/11 ના ખૂણે રહેતાં યોગેશભાઈ હરજીવનભાઇ મકવાણા (ઉ.વ.43) એ નોંધાવેલ ફરિયાદમાં આરોપી તરીકે ઇબ્રાહિમ ઉર્ફે ઈભલો કરીમ, ફિરોજ કરીમ તેમજ અન્ય બે શખ્સોના નામ આપતાં બી. ડિવિઝન પોલીસે આરોપી વિરુદ્ધ હત્યાનો પ્રયાસ, એટ્રોસિટી એક્ટ સહિતની કલમ હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.

વધુમાં ફરિયાદીએ જણાવ્યું હતું કે, તેઓ એસ. આઇ. એસ. નામની કંપનીમાં સિક્યુરિટી ગાર્ડ તરીકે નોકરી કરે છે અને હાલ તે શાપરમાં આવેલ આઈ.ડી.બી.આઈ. બેંકમાં સિક્યુરિટી ગાર્ડ તરીકે નોકરી કરે છે. તેઓને સંતાનમાં બે પુત્રો છે અને તેઓના ઘરની નીચે તેના બાપુજી દરજીની દુકાન અને માતૃ કરીયાણાની દુકાન ચલાવે છે. ગઈકાલે રાત્રીના સાડા આઠેક વાગ્યાની આસપાસ તેઓ ઘરે ઉપરના માળે હતો ત્યારે તેમની દુકાન પાસે ઝગડાનો અવાજ આવતો હોય જેથી નીચે જતા તેમના બા-બાપુજી સાથે લતામા રહેતો ઇબ્રાહીમ ઉર્ફે ઇભલો માથાકુટ કરતો હતો.

જેથી તેને શા માટે માથાકુટ કરો છો ? તેમ કહેતા ઈભલાએ જણાવેલ કે, તમારી દુકાન પાસે પરપ્રાંતીય લોકોને કેમ ઉભા રાખો છો અને કેમ બેસાડો છો જેથી તેમને કહેલ કે, તેઓ અમારા ગ્રાહક છે જેથી બેઠા હોય છે તેમ કહેતા ઇભલો ઉશ્કેરાઈ જઈ ગાળો દેવા લાગેલ અને તેને ગાળો નહિ દેવાનુ કહેતા તેમજ તેમના બા વચ્ચે પડતા ઇભલાએ તેને બે ત્રણ ફડાકા ઝીંકી દિધેલ હતા.

દરમિયાન ઇભલો દોડીને તેની શેરીમાં ગયેલ અને થોડીવારમા ઈભલો તલવાર સાથે ઘસી આવેલ અને તેની સાથે તેનો ભાઇ ફિરોજ હાથમા લાકડાનો ધોકો લઇને આવેલ હતો અને ફિરોજે ઇભલાના હાથમાથી તલવાર લઇ લીધેલ અને તેણે તલવાર વડે માથામા બે ઘા ઝીંકી દેતાં તેઓ લોહીલુહાણ થઇ ગયા હતાં. ઇજાગ્રસ્તના બાપુજી વચ્ચે પડતા તેને પણ ઈભલાએ ધોકાથી ફટકારતાં હાથ-પગમાં ઇજા પહોંચી હતી. તેમજ અન્ય બે અજાણ્યાં શખ્સોએ લાકડી લઇ ઘસી આવેલ અને તેઓએ ફરિયાદી યુવક અને તેના બાપુજીને ઢોર મારમાર્યો હતો. તેમજ ઈભલો બોલતો હતો કે, આજે આમને પુરા કરી નાખવા છે કહી ગાળો બોલતો નાસી છૂટ્યો હતો.

બનાવ અંગેની ફરીયાદ પરથી બી. ડિવિઝન પોલીસે ગુનો નોંધી કુખ્યાત ઇબ્રાહિમ ઉર્ફે ઇભલા આણી ટોળકીની શોધખોળ હાથ ધરી હતી.

બીજા બનાવમાં મનહરપુરમાં આઈમાતા નગરમાં રહેતો યુવાન તેમના શાઢુભાઈ પાસે ઉછીના આપેલા દોઢ લાખની રકમ પરત લેવા જતા શાઢુભાઇ અને તેના સાથીદારોએ મળી પાઇપ અને તવાથી યુવાનને માર માર્યો હતો. વચ્ચે પડતા તેની પત્ની સાથે પણ મારકૂટ કરી હતી. આ મામલે યુનિવર્સિટી પોલીસે ત્રણ શખસો સામે ગુનો નોંધી જરૂરી કાર્યવાહી કરી હતી. પ્રાપ્ત વિગતો મુજબ,મનહરપુર-1 આઈ માતાનગર શેરી નં.7 ની સામે નવી કોર્ટ બિલ્ડીંગની સામે રહેતા રાણાભાઇ અવધુભાઇ શર્મા(ઉ.વ.40) એ યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે તેમના શાઢુભાઈ રણવિજય શર્મા,સુનિલ શર્મા અને બ્રિજેશ શર્માના નામ આપ્યા છે. રાણાભાઇએ ફરિયાદમાં જણાવ્યું હતું કે,હું કલરકામની મજૂરી કરું છું.રાત્રિના અરસામાં મારા મોબાઈલમાં સાઢુભાઈ રણવિજય શર્માનો ફોન આવેલ અને મને કહેલ કે હું તમારા પૈસા લઈને ભાગી નથી જવાનો કહી ગાળો દેવા લાગ્યો આથી મેં તેને કહ્યું કે શા માટે ગાળો આપો છો હું તમારા ઘરે આવું છું તેમ કહી મેં ફોન કાપી નાખ્યો અને હું તથા મારી પત્ની અનિતાબેન,નાની દીકરી શીતલ બધા ચાલીને આગળની શેરીમાં સાઢુભાઈ ના ઘર પાસે ગયા અને ત્યારે હું મારા સાઢુભાઈ સાથે મેં તેને તેનો અકસ્માત થયો ત્યારે તેને દોઢ લાખ રૂપિયા આપેલા અને મને પૈસા પાછા આપેલા ન હોય જેથી મેં કહેલ કે તમો પૈસા આપતા નથી અને મને ગાળો આપો છો શા માટે? તેમ કહેતા આ મારા સાઢુભાઈ રણવિજય શર્મા,સુનીલ શર્મા અને બ્રિજેશ શર્મા સળીયો તથા પાઇપ લઈને આવેલા અને મને આડેધડ મારવા લાગ્યા હતાં.દરમિયાન સુનિલે લોખંડનો તવો મારા માથામાં મારી દેતા મને લોહી નીકળવા લાગ્યું હતું.યુવાનની પત્નીએ હાથ વચ્ચે નાખતા તેને જમણા હાથના કાંડા,કોણી વચ્ચે વાગી જતા તેને પણ લોહી નીકળવા લાગ્યું હતું અને ઝઘડો થતા આજુબાજુમાં માણસો ભેગા થઈ ગયા હતા.જેથી તેમને વધુ મારમાંથી બચાવ્યા હતાં.

ત્રીજા બનાવમાં શહેરના ભાવનગર રોડ પર મનહરપરામાં રહેતા અને ચાની હોટલ ધરાવનાર ભરવાડ યુવાન અને તેના ભાઈ પર ચાર શખસોએ ધોકા વડે હુમલો કરતા બંને ભાઈઓને ઈજાગ્રસ્ત હાલતમાં સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. યુવાનનો પુત્ર સાઇકલ લઈને સ્કૂલે જતો હતો ત્યારે આરોપીએ પોતાનું એક્ટિવા આડે નાખતા આ બાબતે તેને ઠપકો આપ્યો હતો. તેનો ખાર રાખી હુમલો કરવામાં આવ્યો હતો.આ અંગે થોરાળા પોલીસે ગુનો નોંધી જરૂરી કાર્યવાહી કરી હતી. બનાવની જાણવા મળતી વિગતો મુજબ, શહેરના મનહરપરામાં શેરી નંબર 3 ભાવનગર રોડ પર રહેતા બચુભાઈ લક્ષ્મણભાઈ ધોળકિયા(ઉ.વ 42) અને તેમના નાના ભાઈ ભરતભાઈ લક્ષ્મણભાઈ ધોળકિયા (ઉ.વ 39 ) રાત્રિના નવ એક વાગ્યા આસપાસ કિશન રાજુભાઈ જોગરાણા, મેહુલ રાજુભાઈ જોગરાણા, રાજુ ગેલાભાઈ જોગરાણા અને રઘુ ગેલાભાઈ જોગરાણા સહિતનાઓ મળી ધોકા વડે બેફામ માર મારતા બંનેને સારવાર માટે સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. બનાવ અંગે બચુભાઈ ધોળકિયાએ થોરાળા પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેઓ ચાની હોટલ ધરાવે છે તેમનો 15 વર્ષનો પુત્ર યશ સાયકલની શાળાએ જતો હતો ત્યારે આરોપી કિશને પોતાનું એક્ટિવા વચ્ચે નાખતા આ બાબતે તેમણે કિશનને ઠપકો આપ્યો હતો જેથી કિશન તેમના પર હુમલો કર્યો હતો. બાદમાં અન્ય આરોપીઓ આવી મારમાર્યો હતો દરમિયાન નાનો ભાઇ ભરત બચાવવા વચ્ચે પડતા એને પણ ધોકાના ઘા ફટકર્યા હતાં. આ અંગે યુવાની ફરિયાદ કરતી થોરાળા પોલીસે આરોપીઓ સામે આઇપીસીની કલમ 324, 323, 504, 114 અને જીપીએક્ટ કલમ 135 મુજબ ગુનો નોંધી જરૂરી કાર્યવાહી કરી હતી.

કુખ્યાત ઈભલો રીઢો ગુનેગાર : ઈબ્રાહીમ આણી ટોળકી પર 50થી વધુ ગુના!!

રાજકોટમાં જુના મોરબી રોડ પર ગણેશ નગરમાં રહેતો કુખ્યાત ઇબ્રાહિમ ઉર્ફે ઇભલાને કાયદાનો કે પોલીસનો કોઈ ભય જ ન હોય તેમ છાસવારે કાયદો હાથમાં લઈ સામાન્ય શહેરીજનો પર જીવલેણ હુમલા કરી ખૌફ ફેલાવે છે. મોટી ટોળકી ધરાવતો ઇભલા અને તેના સાગરીતો પર હત્યા, હત્યાનો પ્રયાસ, ખંડણી, રાયોટિંગ, દારૂ, જુગાર સહિત 50 થી વધુ ગુના અલગ અલગ પોલીસ મથકમાં નોંધાયેલ છે. ઉલ્લેખનીય છે કે, કુખ્યાત ઇબ્રાહિમ ઉર્ફે ઇભલા અને તેના ભાઈએ બી. ડિવિઝન પોલીસ મથકના એએસઆઈ પર હુમલો કરી ફરજમાં રૂકાવટ કરી હતી.

‘અહીંયા અમારી ગાડીઓ ચાલશે તારે અહીંયા આવવુ જ નહીં’ કહી જ્ઞાતિ અંગે અપમાનજનક શબ્દો ઉચ્ચારી ઇકો કારના ચાલકને માર માર્યા

જામનગર રોડ પર માધાપર ચોકડી પાસે ઈકોમાં પેસેન્જર ભરવા બાબતે પડધરીના ખોડાપીપર ગામે રહેતા યુવાનને પાઇપ વડે મારમારી જ્ઞાતિ અંગે અપમાનિત કર્યો હતો આ અંગે યુવાનની ફરિયાદ પરથી યુનિવર્સિટી પોલીસે બે આરોપીઓ સામે મારામારી અને એટ્રોસિટી એક્ટની કલમ હેઠળ ગુનો નોંધી જરૂરી કાર્યવાહી કરી હતી. જાણવા મળતી વિગતો મુજબ, પડધરી તાલુકાના ખોડાપીપર ગામે રહેતા પ્રકાશ રવજીભાઈ પારીયા (ઉ.વ 29) દ્વારા યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી પોલીસ ફરિયાદમાં જણાવ્યું હતું કે, તે જલ્પેશભાઈ દેવાણીની ઈકો ગાડી ચલાવે છે.

ગઈકાલે માધાપર ચોકડી પાસે તે ઇકો લઇને ઊભો હતો અને તેનો વારો આવતા પેસેન્જર ભરતો હતો ત્યારે જામનગરના સિદ્ધરાજસિંહ ઝાલાએ પોતાની ઈકો વચ્ચે નાખી પેસેન્જર ભરવા લાગતા યુવાને તેમને ગાડી લાઈનમાં રાખવાનું કહ્યું હતું. જે સાંભળી સિદ્ધરાજસિંહ એકદમ ઉશ્કેરાઇ ગયા હતા અને કહેવા લાગ્યા હતા કે, અહીંયા અમારી ગાડીઓ ચાલશે તમારે અહીંયા આવવુ જ નહીં તેમ કહી જ્ઞાતિ અંગે અપમાનજનક શબ્દો કહ્યા હતાં. યુવાને આવું કહેવાની ના પાડતા આરોપી વધુ ઉશ્કેરાયો હતો અને બેથી ત્રણ લાફા મારી દીધા હતા બાદમાં તેણે ઇકો ગાડીમાંથી પ્લાસ્ટિકનો પાઈપ લઈ આવી યુવાનને મારમાર્યો હતો.

આ દરમિયાન આરોપી નો અન્ય એક મિત્ર પણ અહીં આવી જતા તેણે પણ યુવાનને લોખંડના પાઇપ વડે મારમાર્યો હતો. દરમિયાન અહીં એકત્ર થયેલા લોકોએ યુવાનને વધુ મારવાથી બચાવ્યો હતો. હુમલામાં ઘવાયેલા યુવાનને સારવાર માટે 108 મારફત હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. ત્યારબાદ તેણે આ ફરિયાદ નોંધાવતા પોલીસે બંને આરોપીઓ સામે મારામારી, ધમકી અને એટ્રોસિટી એક્ટની કલમ હેઠળ ગુનો નોંધી જરૂરી કાર્યવાહી કરી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.