Abtak Media Google News
  • બુધવારે બપોરે 4:25 કલાકે ગ્રીનલેન્ડ ચોકડી અને મોરબી રોડ પરનું મહત્તમ તાપમાન 41.70 ડિગ્રી જ્યારે સૌથી ઓછું તાપમાન કોર્પોરેશન ચોકમાં 32.85 ડિગ્રી નોંધાયું

ગ્લોબલ વોર્મિંગની અસરના કારણે વાતાવરણમાં સતત ફેરફાર આવી રહ્યા છે.એપ્રિલ માસના આરંભે જ આકાશમાંથી જાણે અગનવર્ષા થઈ રહી હોય તેમ રાજકોટ શહેરમાં છેલ્લા બે દિવસથી મહત્તમ તાપમાનનો પારો 42 ડિગ્રીએ પહોંચી જાય છે. બીજી સૌથી મોટી વાત એ છે કે મહત્તમ તાપમાનમાં શહેરના અલગ અલગ વિસ્તારોમાં નવ ડિગ્રી જેટલો મોટો તફાવત જોવા મળી રહ્યો છે.ગઈકાલે બપોરે ગ્રીનલેન્ડ ચોકડી અને મોરબી રોડ પરનું મહત્તમ તાપમાન 42 ડિગ્રી નોંધાયો હતું.આ  સમયે કોર્પોરેશન ચોકનું તાપમાન  33 ડિગ્રી નોંધાયું હતું. આગામી દિવસોમાં હજી તાપમાનમાં સતત વધારો નોંધાય તેવી પણ શક્યતા જણાઈ રહી છે.

કોર્પોરેશન દ્વારા અલગ અલગ વિસ્તારોમાં સીસીટીવી કેમેરા મુકવામાં આવ્યા છે. અહીં કેટલાક સર્કલો પર તાપમાન નોંધવા માટે ખાસ ટેકનોલોજી સાથેના મશીન મૂકવામાં આવ્યા છે.જેમાં હાલ 12 અલગ અલગ વિસ્તારોના મહત્તમ અને ન્યુનતમ તાપમાન નોંધવામાં આવે છે.હવામાન વિભાગના રેકોર્ડ પર ગઈકાલે શહેરનું મહત્તમ તાપમાન 41.7 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું.જ્યારે કોર્પોરેશનના રેકોર્ડ પર આજીડેમ ચોકડી ખાતે તાપમાન 39.26 ડિગ્રી, અટીકા ફાટક પાસે 39.30 ડિગ્રી, ગ્રીનલેન્ડ સર્કલ પાસે સૌથી વધુ 41.72 ડિગ્રી, જિલ્લા પંચાયત ચોકમાં 36.05 ડિગ્રી, કોઠારીયા રોડ પર 39.26 ડિગ્રી, મોરબી રોડ પર 41.7 ડીગ્રી, પ્રદ્યુમન પાર્કમાં 39.27 ડિગ્રી, રેસકોર્સ ખાતે 36.23 ડિગ્રી,કોર્પોરેશનની સેન્ટ્રલ ઝોન કચેરી ખાતે સૌથી નીચું 32.85 ડિગ્રી, કોર્પોરેશનની ઈસ્ટ ઝોન કચેરી ખાતે 40.35 ડીગ્રી, સોરઠીયાવાડી સર્કલ ખાતે 33.33 ડિગ્રી અને ત્રિકોણબાગ ખાતે 32.99 ડિગ્રી તાપમાન નોંધાયું છે.

જો કે આ આંકડા શંકાસ્પદ લાગી રહ્યા છે કારણ કે રેસકોર્સ અને પ્રદ્યુમન પાર્ક વિસ્તારમાં ગ્રીનરીનું કવર વધુ છે છતાં અહીં તાપમાન 36 થી લઈ 39 ડિગ્રી સુધી  નોંધાયું હતું જેની સરખામણી કોર્પોરેશન સેન્ટ્રલ ઝોન કચેરી ખાતે ગ્રીનરીનું પ્રમાણ બહુ વધુ ન હોવા છતાં તાપમાનનો પારો 33 ડિગ્રી આસપાસ રહેવા પામ્યો હતો.હાલ અનેક પેરામીટરની દ્રષ્ટિએ તાપમાન કે યુવી ઇન્ડેક્ષ આરોગ્ય માટે હાનિકારક ન હોવાનું કોર્પોરેશનના સૂત્ર જણાવી રહ્યા છે.એપ્રિલ માસના આરંભે જ તાપમાન પારો 42 ડિગ્રીએ પહોંચી ગયો હોય મેં માસમાં રાજકોટનું તાપમાન 45 ડીગ્રીએ આંબી જાય તેવી સંભાવના પણ નકારી શકાતી નથી.બપોરના સમયે શહેરના રાજમાર્ગો પર સ્વયંભૂ સંચારબંધી જેવો માહોલ જોવા મળે છે. બજારમાં પણ સુમસામ ભાસતી હોય છે. રાજ્યના પાંચ શહેરો તાપમાન આજે 41 ડિગ્રીથી વધુ નોંધાયું હતું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.