Abtak Media Google News

બે પરિવારના બાળકો વચ્ચે થયેલી માથાકૂટનું સમાધાન બાદ રાજકીય સ્વરૂપથી મારામારી

ગ્રામ પંચાયતના સભ્ય અને તેના સાળા સહિત ચાર શખ્સો સામે નોંધાતો ગુનો, ખીરસરામાં ચુસ્ત બંદોબસ્ત: પૂર્વ ધારાસભ્ય સાગઠીયાને ડેમેજ કરવા એક જૂથ દ્વારા પડદા પાછળ દોરી સંચાર હોવાની ચર્ચા !!

રાજકોટ જિલ્લામાં કથળેલી કાયદો અને વ્યવસ્થાથી અને ખાખીનો ખૌફ ઓસરતા મારામારી, હત્યા, ચોરી જેવા બનાવોનો ગ્રાફ ઉંચકાઇ રહ્યો છે ત્યારે લોધીકા તાલુકાના ખીરસરા ગામે પરિવારના છોકરાઓ વચ્ચે નજીવી બાબતની માથાકૂટનું બંને પક્ષે ઘરમેળે સમાધાન બાદ રાજકીય પ્રેસરથી પૂર્વ ધારાસભ્યના કુંટુંબીજનો વિરૂધ્ધ ફરિયાદ નોંધવા એક જૂથ સક્રિય થયા બાદ મોડી સાંજે મેટોડા ખાતે બિલ્ડીંગ મટીરીયલની ઓફિસ ખાતે ગ્રામ પંચાયતના સભ્ય અને ભરૂડીના શખ્સોએ પૂર્વે ધારાસભ્ય લાખાભાઇ સાગઠીયાના ભત્રીજા પર હિંચકારા હુમલાથી રાજકીય આલમમાં ચર્ચાનો વિષય બન્યો છે. આ ઘટનાને પગલે લોધીકા પોલીસ મથકનો સ્ટાફ દોડી જઇ ઘવાયેલા યુવકની ફરિયાદ પરથી ભરૂડીના અજાણ્યા શખ્સો સામે મારામારીની અને એટ્રોસીટીના કલમ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે અને ગામમાં કોઇ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.

Advertisement

વધુ વિગત મુજબ લોધીકા તાલુકાના ખીરસરા ગામે રહેતા ચિરાગ ખીમજીભાઇ સાગઠીયા નામના યુવાને ગ્રામ પંચાયતનો સભ્ય બલદેવ ઉર્ફે અપ્પુ અને તેનો ભરૂડી ખાતે રહેતો સાળો મહેશ તેમજ અજાણ્યા બે શખ્સોએ હિંચકારો હુમલો કર્યાની લોધીકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસ મારામારી અને એટ્રોસીટીની કલમ હેઠળ ગુનો નોંધ્યો છે.  પોલીસ ફરિયાદમાં જણાવ્યા પ્રમાણે ગત તા.14 ફેબ્રુઆરીના રોજ બલદેવ ઉર્ફે અપ્પુ અને ખીમજીભાઇ સાગઠીયાના પરિવારના સંતાનો વચ્ચે નજીવી બાબતે થયેલી માથાકૂટનું ઘરમેળે બંને પક્ષના આગેવાનોની મધ્યસ્થી સમાધાન થયું હતું.

બાદ આ માથાકૂટના સમાચાર વાયુવેગે ફેલાતા રાજકીય સ્વરૂપ આપી ગ્રામ પંચાયતના સભ્ય દ્વારા ખીમજી સાગઠીયા સામે ફરિયાદ નોંધવામાં આવી હતી.

બાદ ગત કાલે સાંજે ચિરાગ સાગઠીયા મેટોડા ખાતે માટેલ બિલ્ડીંગ મટીરીયલ્સની ઓફિસે હતો ત્યારે બલદેવ ઉર્ફે અપ્પુનો ભરૂડી ખાતે રહેતો સાળો મહેશ તેના ત્રણ મિત્રો સાથે ધસી આવી સંજય ક્યાં છે કહ્યું હતું બાદ સંજયભાઇ થોડીવારમાં આવતા થયેલી બોલાચાલીમાં મહેશ અને તેની સાથે મિત્રોએ સંજયભાઇને માર મારતા તેને બચાવવા વચ્ચે પડેલા પિતરાઇભાઇ ધનજી અને ચિરાગને મારમાર્યો હતો અને લોહી લુહાણ હાલતમાં સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.  આ બનાવની જાણ લોધીકા પોલીસ મથકને થતા પી.એસ.આઇ. સહિત સ્ટાફ હોસ્પિટલે દોડી જઇ ભાજપના અગ્રણી અને પૂર્વ ધારાસભ્ય લાખાભાઇ સાગઠીયાના ભત્રીજાની ફરિયાદ પરથી ગ્રામ પંચાયતના સભ્ય અને તેના સાળા સહિત શખ્સો સામે ગુનો નોંધી વધુ તપાશ ડીવાયએસપી કે.જી.ઝાલા સહિતના સ્ટાફ ચલાવી રહ્યા છે.  આ બનાવથી ખીરસરા ગામમાં અંજપાભરી સ્થિતિ હોવાથી કોઇ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. તેમજ લાખાભાઇ સાગઠીયાને રાજકીય રીતે ડેમેજ કરવા એક જૂથ પડદા પાછળ દૌરી સંચાર હોવાનું આધારભૂત સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.