Abtak Media Google News

તાઉ’તે પ્રભાવિત પાંચ જિલ્લા- અમરેલી, ભાવનગર, બોટાદ, જુનાગઢ અને ગીર સોમનાથમાં ઇન્ટ્રા સર્કલ રોમીંગ સુવિધાની સમયાવધિ બે દીવસ વધારવામાં આવી

22 મે સુધી મોબાઇલ ફોન યુઝર મૂળ સર્વિસ પ્રોવાઇડરના નેટવર્કની મુશ્કેલીમાં કોઇ પણ સર્વિસ પ્રોવાઇડર કંપનીનું નેટવર્ક વાપરી શકશે

ગુજરાતમાં તાજેતરમાં આવેલા તાઉતે વાવાઝોડાને પરિણામે ખાસ કરીને દરીયાકાંઠાના વિસ્તારોમાં ટેલી-કોમ્યુનિકેશનના માળખાને વ્યાપક અસર થઇ છે. મુખ્યત્વે અમરેલી, ભાવનગર,બોટાદ, જુનાગઢ અને ગીર સોમનાથ જિલ્લામાં મોબાઇલ ટાવર્સને થયેલા નુકશાનના પગલે મોબાઇલ ફોન નેટવર્ક ખોરવાયું છે.

ગુજરાત સરકાર અને ભારત સરકારનું દૂરસંચાર મંત્રાલય તાઉતે વાવાઝોડા પ્રભાવિત વિસ્તારોમાં મોબાઇલ નેટવર્ક પૂર્વવત કરવા આવશ્યક તમામ પગલા લઇ રહ્યા છે જેના ભાગ રૂપે ગુજરાતના પાંચ જિલ્લા – અમરેલી, ભાવનગર,બોટાદ, જુનાગઢ, ગીર સોમનાથ અને કેંદ્ર શાસિત પ્રદેશ દિવમાં ઇન્ટ્રા સર્કલ રોમીંગની સુવિની સમયાવધિ બે દિવસ માટે વધારવામાં આવી છે.

22 મેની રાત્રીના 12:00 કલાક સુધી મોબાઇલ ફોન યુઝર તાઉતે પ્રભાવિત પાંચ જિલ્લામાં કોઇ પણ સર્વિસ પ્રોવાઇડર કંપનીનું નેટવર્ક વાપરી શકશે. આપાતકાલીન સ્થિતિમાં આ હંગામી વ્યવસ્થા કરવામાં આવી છે. વાવાઝોડાના પ્રારંભીક તબક્કે ઇન્ટ્રા સર્કલ રોમીંગ સુવિધા રાજ્યના 16 જિલ્લામાં કાર્યરત હતી જે હવે પાંચ જિલ્લામાં કાર્યરત છે.

આ નિર્ણયને પગલે તાઉતે વાવાઝોડા પ્રભાવિત પાંચ જિલ્લા અને કેંદ્ર શાસિત પ્રદેશ દિવમાં તમામ મોબાઇલ ફોન યુઝર બે દિવસ સુધી તેમના વિસ્તારમાં જે કોઇ પણ નેટવર્ક ઉપલબ્ધ હોય તેનો લાભ લઇ શકશે.

આ માટે મોબાઇલ ફોન યુઝરે ફોનના સેટીંગ બદલી નેટવર્ક સિલેક્શન ઓટોમેટીક મોડ પર કરવું પડશે.

આટલું કરતાં પણ જો નેટવર્ક ન આવે તો ઉપલબ્ધ 2જી/ 3જી/ 4જી અને કંપની નેટવર્કમાંથી મેન્યુઅલી સિલેક્ટ કરવાનું રહેશે.

રાજ્ય સરકારની આગેવાનીમાં સ્થાનિક વહીવટીતંત્ર અને કેન્દ્રીય દૂર સંચાર વિભાગ દ્વારા તાઉતે પ્રભાવિત 5 જિલ્લામાં મોબાઇલ નેટવર્ક માળખું 23મી મે સુધી પૂર્વવત્ થવાની સંભાવના છે. ટેલીકોમ્યુનિકેશન -મોબાઇલ નેટવર્ક સેવા પૂર્વવત ન થાય ત્યાં સુધી ઇન્ટ્રા સર્કલ રોમીંગ સુવિધાનો સમયગાળો વખતોવખત લંબાવવામાં આવશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.