Abtak Media Google News

વિદેશી મીડિયાને અપાતી જાહેરખબરો પર સંપુર્ણ પ્રતિબંધ લગાવતી સરકાર: સૂચના અને પ્રસારણ મંત્રાલય

વર્ષ 2014માં પ્રથમવાર નરેન્દ્રભાઈ મોદીએ વડાપ્રધાન પદે શપથ લીધા હતા ને કેન્દ્રમાં ભાજપની સરકાર બની હતી. વડાપ્રધાન પદે શપથ લીધા બાદ સરકાર દ્વારા પ્રજાના વિકાસ સિવાયના મુદ્દે કરાતા ખર્ચ પર કાતર મુકવા આદેશો છૂટ્યા હતા. હવે કાતર અખબાર અને ઇલેક્ટ્રોનિક મીડિયાની જાહેરખબરમાં પણ મુકાઈ ગઈ છે. વર્ષ 2014માં અખબાર અને ઇલેક્ટ્રોનિક ચેનલને અપાતી સરકારી જાહેરાતમાં વર્ષ 2022 સુધીમાં 80% કાતર મૂકી દેવામાં આવી છે. જાહેરખબરો પર ફળી વળેલી કાતર ચોક્કસ ટીવી ચેનલ અને સમાચાર પત્રો માટે માઠા સમાચાર છે પરંતુ દેશના લોકો માટે સમાચાર ગણી શકાય છે.

માહિતી અને પ્રસારણ મંત્રાલયે મંગળવારે સંસદમાં આપેલા જવાબમાં સરકાર પ્રિન્ટ અને ટીવી જાહેરાતો પર સાત વર્ષ પહેલાં જે કંઈ કરતી હતી તેના અડધા કરતાં પણ ઓછો ખર્ચ કરી રહી છે. માહિતી અને પ્રસારણ મંત્રી અનુરાગ ઠાકુરે જણાવ્યું છે કે, કેન્દ્ર સરકારે વિદેશી મીડિયાને અગાઉ આપવામાં આવતી જાહેરખબરો પર સંપુર્ણ રોક લગાવી દીધી છે.

મંત્રાલયે જાહેર કર્યું કે 2014-15 માં સરકારે પ્રિન્ટ અને ટીવી ચેનલોની જાહેરાતો પર અનુક્રમે રૂ. 424.84 કરોડ અને રૂ. 473.67 કરોડ ખર્ચ્યા હતા, જ્યારે બીજા જ વર્ષે સરકારે રૂ. 508.22 કરોડ અને રૂ. 531.60 કરોડ ખર્ચ્યા હતા. વર્ષ 2016-17 માં પ્રિન્ટ જાહેરાતો પર આશરે રૂ. 468.53 કરોડ અને ટીવીમાં રૂ. 609.15 કરોડનો ખર્ચ કર્યો હતો, જે આગલા વર્ષે વધીને રૂ. 636.09 કરોડ અને રૂ. 468.92 કરોડ થયો હતો. તે 2018-19માં ઘટીને રૂ. 429.54 કરોડ અને રૂ. 514.28 કરોડ થઈ હતી. વર્ષ 2019-20માં ખર્ચ ઘટીને રૂ. 295.05 કરોડ અને રૂ. 317.11 કરોડ થઈ ગયો હતો.

વર્ષ 2020-21 માં સરકારે પ્રિન્ટ જાહેરાતો પર લગભગ રૂ.197.49 કરોડ અને ટીવી માટે રૂ. 167.98 કરોડનો ખર્ચ કર્યો હતો તે વર્ષોમાં કોવિડમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો હતો. ગયા વર્ષે તે રૂ. 179.04 કરોડ અને રજ. 101.24 કરોડે પહોંચી ગયો હતો. સરકારે આ વર્ષે ડિસેમ્બર સુધી પ્રિન્ટ અને ટીવી જાહેરાતો પાછળ અનુક્રમે રૂ. 91.96 કરોડ અને રૂ. 76.84 કરોડ ખર્ચ્યા છે. તમામ ખર્ચ સેન્ટ્રલ બ્યુરો ઓફ કોમ્યુનિકેશન દ્વારા કરવામાં આવ્યો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.