Abtak Media Google News

અગાઉ થયેલા ઝઘડાનો ખાર રાખી કાકા – ભત્રીજા સહિત ત્રણ શખ્સોએ યુવકનું ઢીમ ઢાળી દીધું

મોરબી જિલ્લામાં વધતા હતા ગરમીના પારા વચ્ચે મનુષ્યના મગજનો પારો પણ ચડતો હોય તેમ છેલ્લા ઘણા સમયથી ગુનાખોરીનો વ્યાપ વધ્યો છે. જેમાં મોરબીમાં પ્રેમ પ્રકરણ મામલે એક યુવકને છરીથી રહેશી નાખ્યો હતો. અગાઉ થયેલા ઝઘડાનો ખાર રાખી કાકા – ભત્રીજા સહિત ત્રણ શખ્સોએ યુવાનને છરીના ઘા ઝીંકી મોતને ઘાટ ઉતારી દેતાં ચકચાર મચી જવા પામી છે.

આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ મોરબીમાં દરબારગઢ જાની શેરી શાહનિવાસ ચોક પાસે રહેતા અને કપડાંની દુકાનમાં કામ કરી પરિવારનું ગુજરાન ચલાવતા હિરેનભાઇ જગદીશભાઈ ભટ્ટ નામના યુવાનને ગત રાત્રીના સરદાર રોડ પર સહકારી મંડળી વાડી શેરીમાં રણજીતસિંહ વાઘેલા, તેના ભત્રીજા મહિપતસિંહ વાઘેલા અને એક અજાણ્યા શખ્સે છરીના ઘા ઝીંકી મોતને ઘાટ ઉતારી દેતાં ચકચાર મચી જવા પામી છે.

આ અંગે જાણ થતાં મોરબી એ ડિવિઝન પોલીસ મથકનો સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો હતો અને મૃતદેહને પીએમ અર્થે ખસેડી આગળની કાર્યવાહી હાથધરી હતી. આ અંગે પોલીસની પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યા મુજબ મૃતક હિરેનભાઇ ભટ્ટ અને રણજીતસિંહ વાઘેલા વચ્ચે પ્રેમ પ્રકરણ મામલે અગાઉ ઝઘડો થયો હતો.તે દરમિયાન ગઇ કાલે બપોરે હિરેનભાઇ ભટ્ટ ઘરે જમવા આવ્યા તે દરમિયાન રણજીતસિંહ વાઘેલા મારી સાથે ઝઘડો કરશે તેવું તેની માતા ચંદ્રિકા બેનને વાત કરી હતી. પરંતુ માતાએ કઈ નહિ થાય તેવી સાંત્વના આપી હતી.

પરંતુ રાત્રીના હિરેનભાઇ ભટ્ટ તેના મિત્ર સાથે ખોડીયાર પાન પાસે બેઠા હતા ત્યારે રણજીતસિંહ વાઘેલા, તેનો ભત્રીજો મહિપતસિંહ વાઘેલા અને એક અજાણ્યો શખ્સ ત્યાં ઘસી આવ્યા હતા.ત્યાર બાદ આ ત્રણેય શખ્સો હિરેનભાઇ ભટ્ટને સહકારી મંડળી વાડી શેરીમાં લઈ ગયા હતા અને છરીના આડેધડ ઘા ઝીંકી દીધા હતા. જેથી હુમલામાં ગંભીર રીતે ઘવાયેલાં હિરેનભાઇ ભટ્ટને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. પરંતુ ફરજ પરના તબીબે જોઈ તપાસી મૃત જાહેર કરતા પરિવારમાં ગમગીની છવાઈ છે.મોરબી એ ડિવિઝન પોલીસ મથકના સ્ટાફે મૃતકના માતા ચંદ્રિકા બેનની ફરિયાદ પરથી રણજીતસિંહ વાઘેલા, મહિપતસિંહ વાઘેલા અને એક અજાણ્યા શખ્સ સામે હત્યાનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથધરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.