Abtak Media Google News

આરટીઆઈ અંતર્ગત માંગેલી માહિતીમાં વિગતો બહાર આવી.

મોરબીમાં મંજુરી વગર આડેધડ બહુમાળી એપાર્ટમેન્ટો ખડકી દેવાયા છે અને હાલ ખડકવામાં આવી રહ્યા છે. આવા બાંધકામોને નિયમિત કરવા ઈમ્પેકટ ફી ભરીને કાયદેસર કરી દેવામાં આવ્યા છે. આ જે કાયદેસર કરી દેવાયા છે તે કેટલા એપાર્ટમેન્ટ છે અને કેટલા એપાર્ટમેન્ટમાં ફાયર સેફટીની સુવિધા છે. તે અંગેની માહિતી નગરપાલિકાના ચીફ ઓફિસર પાસે નથી. તેવી આર.ટી.આઈની એક અરજીના જવાબમાં માહિતી‚પે આપ્યું છે. આ સાથે બી.યુ.સી. સર્ટીફીકેટની માહિતી માંગેલ પણ જયાં એપાર્ટમેન્ટોની જ માહિતી ના હોય તો આ બી.યુ.સી. સટીર્ફીકેટની માહિતી તો કયાંથી હોય ? તેવો સવાલ ભ્રષ્ટાચાર વિરોધી લડત ચલાવતા જન અધિકાર જાગૃતિ ગ્રુપે ઉઠાવ્યો છે.

મોરબી શહેરમાં રાજાશાહી વખતના રોડ છે. તેવા રોડ ઉપર અને નવી બનેલી સોસાયટીઓમાં બહુમાળી એપાર્ટમેન્ટો બની ગયા છે. આવા એપાર્ટમેન્ટમાં ફાયર સેફટી એકટ મુજબ ફાયર સેફટીની સુવિધા ફરજીયાત હોવી જોઈએ પણ ઘણા એપાર્ટમેન્ટોમાં આવી સુવિધા નથી ત્યારે ઈમ્પેકટ ફી ભરીને ઘણા ગેરકાયદેસર એપાર્ટમેન્ટો સમય મર્યાદા પછી પણ નિયમિત કરવામાં આવ્યા છે. ઈમ્પેકટ ફી ભરીને નિયમિત કરવામાં આવ્યા હોય તેના વાર્ષિક ટેકસ ઉઘરાવવા ચોપડે નોંધ થઈ જ હોય અને જો ન થઈ હોય તો નગરપાલિકાના વહિવટમાં ખામી છે તેવુ માની લેવાય. જન અધિકાર જાગૃતિ ગ્રુપે આર.ટી.આઈ.ની અરજી ફાઈલ કરી તેના જવાબ‚પે આવી માહિતી આપવામાં આવી છે. કા તો આ માહિતી ખોટી છે કા તો વહિવટમાં ખામી છે. આ લખાય છે ત્યારે મોરબી નગરપાલકામાં ઓડીટનું કામ ચાલી રહ્યું છે ત્યારે તેઓ નગરપાલિકાના આવા ઈમ્પેકટ ફી ભરીને નિયમિત કરેલા એપાર્ટમેન્ટો અંગેની વિગતોનું પણ ઓડીટ કરે તેવી માંગણી જન અધિકાર જાગૃતિ મંચે કરી છે.

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.