Abtak Media Google News
  • મહર્ષિ દયાનંદ સરસ્વતીના 200મા જન્મોત્સવમાં વર્ચ્યુઅલી સહભાગી થઈ પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી થયા અભિભૂત

Morbi News

દુનિયાના 17 દેશના પ્રતિનિધિ અને ગુજરાતના ખૂણેખૂણેથી આવેલા મહેમાનો ઉપસ્થિત રહ્યા વિશ્વ વિભૂતિ એવા મહર્ષિ દયાનંદ સરસ્વતીજીની 200મી જન્મ જયંતી અન્વયે ટંકારા ખાતે ભવ્યાતિભવ્ય જન્મોત્સવ-સ્મરણોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. આજે આ મહોત્સવના દ્વિતીય દિવસે આર્ય સમાજના સંસ્થાપક અને મહાપુરુષ એવા દયાનંદ સરસ્વતીજીને સ્મરણાંજલિ અર્પણ કરવા પ્રધાનમંત્રી  નરેન્દ્રભાઈ મોદીએ આર્ય સમાજના અનુયાયીઓને વર્ચ્યુઅલી સંબોધિત કર્યા હતા. ગુજરાતના  રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી તેમજ કેન્દ્રીય મંત્રી પરસોત્તમ રૂપાલાની પ્રેરક ઉપસ્થિતિમાં આજે બીજા દિવસે કાર્યક્રમોનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું.

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ જણાવ્યું હતું કે, દેશ આજે સ્વામી દયાનંદજીની 200મી જન્મજયંતી મનાવી રહ્યો છે. આજે મારા માટે ટંકારા પહોંચવું સંભવ ન હતું, પરંતુ હું મન, હ્રદયથી તમારી વચ્ચે જ છું. આજે સ્વામીજીના યોગદાનો યાદ કરવા આર્ય સમાજ આ મહોત્સવ મનાવી રહ્યો છે એ વાતનો મને ખૂબ જ આનંદ છે. આ આયોજન નવી પેઢી માટે દયાંદનજીના જીવનથી પરિચિત થવાનું માધ્યમ બનશે એવો મને વિશ્વાસ છે. દયાનંદજીની જન્મભૂમિ ગુજરાતમાં જ જન્મ અને તેઓની કર્મભૂમિ હરિયાણામાં પણ લાંબા સમય સુધી કાર્ય કરવાનો અને જાણવાનો મને અવસર મળ્યો છે એ મારા માટે સૌભાગ્યની વાત છે. જીવનમાં દયાનંદજીના પ્રભાવ વિશેની વાત કરતાં વધુમાં તેમણે ઉમેર્યું હતું કે, ઈતિહાસમાં કોઈ એવો દિવસ, પળ, કે ક્ષણ હોય છે જે ભવિષ્યની દિશા બદલી શકે છે. સ્વામી દયાનંદજીનો જન્મ પણ આવી જ અભૂતપૂર્વ ક્ષણ હતી. સમાજનો એક વર્ગ જયારે સંસ્કૃતિ અને આધ્યાત્મિકતાથી દૂર જઈ રહ્યો હતો ત્યારે દયાનંદજીએ ’વેદો તરફ પાછા વળો’ નો મંત્ર આપી રૂઢિઓ પર પ્રહારો કર્યા હતા, જેના કારણે આજે લોકો વૈદિક ધર્મને જાણતા અને અનુસરતા થયા છે.

Maharishi Dayananda Saraswati Was Not Just A Vedic Sage, But A Sage Of Indian Consciousness: Pm
Maharishi Dayananda Saraswati was not just a Vedic sage, but a sage of Indian consciousness: PM

આજે દેશ-દુનિયામાં આર્ય સમાજના 2.5 હજાર સ્કૂલ, કોલેજો, યુનિવર્સિટીઓ તથા 400થી વધારે ગુરુકુળોમાં હજારો વિધાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે. આર્ય સમાજ 21મી સદીમાં નવી ઊર્જા સાથે રાષ્ટ્ર નિર્માણની જવાબદારી ઉપાડે એજ દયાનંદજીને સાચી શ્રદ્ધાંજલિ હશે. આર્ય સમાજના વિદ્યાલયો, કેન્દ્રો સમાજને જોડી લોકલ ફોર વોકલ, આત્મનિર્ભર ભારત, પર્યાવરણ માટે પ્રયાસ, જલ સંરક્ષણ, સ્વચ્છ ભારત અભિયાન, મિશન લાઇફ, મિલેટ્સ અન્ન પ્રોત્સાહન, યોગ વગેરેમાં મોટી ભૂમિકા નિભાવી શકે છે.આર્ય સમાજની સ્થાપનાના 150મા વર્ષનો આરંભ થઈ ગયો છે. આ અવસરને યાદગાર બનાવવા દરેક યુવાનો પ્રાકૃતિક ખેતી વિશેની જાણકારી મેળવે તે ખૂબ જ જરૂરી છે. રાજ્યપાલ  આચાર્ય દેવવ્રતજી પણ આ દિશામાં સક્રિય પ્રયત્નો કરી રહ્યા છે. સ્વામીજીની જન્મભૂમિ ટંકારાથી દેશના ખેડૂતો પ્રાકૃતિક ખેતીનો સંદેશો મેળવે તેમ તેઓએ ઉમેર્યું હતું. દેશની દીકરીઓ આગળ વધે તે માટે નારી શક્તિ વંદન અધિનિયમ પાસ કરી લોકસભા અને વિધાનસભામાં મહિલા આરક્ષણ પૂરું પાડવામાં આવ્યું છે. “મેરા યુવા ભારત”માં  આર્ય સમાજના વિદ્યાર્થીઓ પણ જોડાય એવો અનુરોધ કર્યો હતો.

આ પ્રસંગે રાજ્યપાલ  આચાર્ય દેવવ્રતજીએ પ્રાસંગિક ઉદ્ધબોધન કરતાં જણાવ્યું કે મહર્ષિ દયાનંદ સરસ્વતીજીનો દેશની સમૃદ્ધિ તથા ઉન્નતિમાં અનન્ય ફાળો રહ્યો છે. તેઓએ 1875 માં મુંબઈ ખાતે આર્ય સમાજની સ્થાપના કરી જયારે 1879 માં હરિયાણાના રેવાડીમાં દેશની સૌ પ્રથમ ગૌશાળાનું નિર્માણ કર્યું. મુગલો અને અંગ્રેજો દ્વારા આર્થિક રીતે ખોખલા બનાવી દેવાયેલ ભારતની અર્થવ્યવસ્થા ફરી મજબૂત બને તે માટે મહર્ષિએ કૃષિ અને ગૌ સંવર્ધન પર વિશેષ ભાર મૂકી પ્રેરક પ્રયાસો હાથ ધર્યા. 10 લાખ લોકોને ગૌ હત્યા ન કરવાના તેઓએ પ્રણ લેવડાવ્યા અને તેના હસ્તાક્ષર તેઓએ રાણી વિક્ટોરિયાને ઇંગ્લેન્ડ મોકલ્યા. કિસાનોને તેઓએ રાજાઓના રાજા કહ્યા.  આજે કેન્દ્ર તથા રાજ્યની સરકાર પણ ગૌ સંવર્ધન અને કૃષિ ક્ષેત્રે અનેક પગલાંઓ લઈ મહર્ષિ દયાનંદજીની ગૌસેવાની પરિકલ્પનાને સાકાર કરી રહી છે.

આ પ્રસંગે મત્સ્ય ઉદ્યોગ, પશુપાલન અને ડેરી ઉદ્યોગનાકેન્દ્રિય મંત્રીશ્રી પરસોત્તમભાઈ રૂપાલાએ વિશ્વના 17થી વધુ દેશો, સમગ્ર દેશ અને રાજ્યના ખૂણે ખૂણેથી આવેલા આર્ય સમાજના અનુયાયીઓનું સ્વાગત કરતાં જણાવ્યું કે, મહર્ષિ દયાનંદ સરસ્વતીજી, ગાંધીજી, સરદાર વલ્લભભાઈ પટેલ અને નરેન્દ્ર મોદીની ધરા એવા ગુજરાતમાં સૌનું અંત: કરણથી સ્વાગત કરું છું.

આ પ્રસંગે ટંકારા ખાતે આવેલા ઓવરબ્રિજને મહર્ષિ દયાનંદ સરસ્વતી સેતુ નામ આપવાની જાહેરાત પણ સરકાર દ્વારા કરવામાં આવી હતી.

આ પ્રસંગે સાંસદમોહનભાઈ કુંડારીયા, ધારાસભ્ય   દુર્લભજીભાઈ દેથરીયા, કાંતિભાઈ અમૃતિયા, પ્રકાશભાઈ વરમોરા, દર્શિતા શાહ, પૂર્વ મંત્રી બ્રિજેશભાઈ મેરજા, સિક્કિમના પૂર્વ રાજ્યપાલગંગાપ્રસાદ ચૌરસિયા, જિલ્લા કલેકટર  કે.બી.ઝવેરી, જિલ્લા વિકાસ અધિકારી  જે.એસ. પ્રજાપતિ, જિલ્લા પોલીસ અધિક્ષક  રાહુલ ત્રિપાઠી, આર્ય સમાજના અગ્રણીઓ પૂનમ સૂરી, વિનય આર્ય, અજય શહગલ, સુરેશચંદ્ર આર્ય,  સુરેન્દ્રકુમાર આર્ય, ધર્માનંદજી આર્ય,  નંદિતાજી સહિત આર્ય સમાજના અગ્રણીઓ તેમજ દેશ-વિદેશથી આવેલા મહેમાનઓ  અને મોટી સંખ્યામાં સ્થાનિક લોકો ઉપસ્થિત રહ્યા હતા.

સમગ્ર દેશમાં નવી ચેતનાનો સંચાર થયો: મંત્રી પરસોતમ રૂપાલા

Maharishi Dayananda Saraswati Was Not Just A Vedic Sage, But A Sage Of Indian Consciousness: Pm
Maharishi Dayananda Saraswati was not just a Vedic sage, but a sage of Indian consciousness: PM

મહર્ષિ દયાનંદ સરસ્વતીજીની 200 મી જન્મજયંતિ નિમિતે મોરબી જિલ્લાના ટંકારા ખાતે થઈ રહેલી ભવ્યાતિભવ્ય ઉજવણીમાં આજે બીજા દિવસે ભારત સરકારના પશુપાલન, ડેરી ઉદ્યોગ અને મત્સ્યોદ્યોગ મંત્રી પરષોત્તમ રૂપાલા ઉપસ્થિત રહ્યા હતા. કરસનજીના આંગણા ખાતે નિર્મિત યજ્ઞશાળામાં મંત્રી પરસોત્તમભાઈ રૂપાલાએ હવનકુંડમાં આહુતિ અર્પણ કરી ભાવ સમર્પણ કર્યું હતું.

સમગ્ર દેશમાં એક નવી ચેતના પ્રગટ કરનાર મહાપુરુષ તથા ચેતના દેશની જનતાને વેદો તરફ વાળવા જબરદસ્ત પુરુષાર્થ કર્યો હતો કે જયારે ભારત દેશના સીમાડામાં ઇસ્લામિક સંસ્કૃતિનું આક્રમણ થઇ રહ્યું હતું ત્યારે તેમની સામે અખંડ દીવાલ બનીને આર્યસમાજની ફોજ બનાવવાનું પ્રબળ કાર્ય જેમને કર્યું એવા મહર્ષિ દયાનંદ સરસ્વતીજીના 200 મી જન્મજયંતિના સ્મરણોત્સવ મહોત્સવમાં સહભાગી બની ઉપસ્થિત રહેવા બદલ પોતાનું સદભાગ્ય સમજી મહર્ષિજીને  પોતાના શબ્દો દ્વારા શબ્દાંજલિ અર્પિત કરી હતી.

શિક્ષા દીક્ષા અને સંસ્કારો સહિતના શિક્ષણના મહર્ષિજીના સપનાને સાકાર કરવા કટિબદ્ધ બનીએ – યોગગુરૂશ્રી બાબા રામદેવજી

Maharishi Dayananda Saraswati Was Not Just A Vedic Sage, But A Sage Of Indian Consciousness: Pm
Maharishi Dayananda Saraswati was not just a Vedic sage, but a sage of Indian consciousness: PM

ટંકારા ખાતે માનવતાના મહારથી  અને કરૂણાના ભંડાર એવા મહર્ષિ દયાનંદ સરસ્વતીજીની 200મી જન્મ જયંતીની ભવ્યાતિભવ્ય રીતે ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે યોગગુરૂ એવા બાબા રામદેવજી , કથાકાર પૂજ્યશ્રી રમેશભાઈ ઓઝા, સંતશ્રી ચિદાનંદજી, શ્રી આચાર્ય બાલ કૃષ્ણજી સહિત સંતો મહંતોની પ્રેરક ઉપસ્થિતિમાં મહર્ષિ દયાનંદ સરસ્વતીજી પ્રત્યે કૃતજ્ઞતા પ્રગટ કરવાનો કાર્યક્રમ યોજાયો હતો.

આ પ્રસંગે યોગગુરૂશ્રી બાબા રામદેવજીએ મહર્ષિ દયાનંદ સરસ્વતીજી પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, અમે મહર્ષિ દયાનંદ સરસ્વતીજી પ્રત્યે કૃતજ્ઞતા પ્રગટ કરવા 108 ગુરુકુળ બનાવવા જઈ રહ્યા છીએ. શિક્ષા દીક્ષા અને સંસ્કારોના સાથે ના શિક્ષણનું મહર્ષિજીએ સપનું જોયું હતું તે આપણે સાકાર કરવા કટિબદ્ધ બનીએ.સરકાર દ્વારા નવી શિક્ષણ નીતિમાં પણ વૈદિક શિક્ષણનો સમાવેશ કરવામાં આવ્યો છે. મહર્ષિજીએ જે સમાજ વ્યવસ્થા અને માનવ નિર્માણની ખેવના રાખી હતી તે આપણે વૈદિક જ્ઞાનની રોશની થકી સાકાર કરીશું. આપણે સાથે મળીને વેદનો ગુંજારવ વિશ્વ સુધી પહોંચાડવાનો છે.

આ પ્રસંગે કથાકાર ભાઇ શ્રી રમેશભાઈ ઓઝાએ જણાવ્યું હતું કે, વૈદિક જ્ઞાનની એક જ્યોત મહર્ષિ દયાનંદ સરસ્વતીના સ્વરૂપમાં ટંકારાની એ પાવન ભૂમિમાં પ્રગટ થઈ અને સમગ્ર વિશ્વમાં ઝળહળી. તેમણે વેદિક જ્ઞાનનો વિશ્વમાં ફેલાવો કર્યો અને પાખંડ પર પ્રહાર કર્યા. સનાતન  ધર્મમાંથી કુ રીતિઓ દૂર કરવાનું મહત્વનું કાર્ય પણ તેમણે કર્યું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.