Abtak Media Google News

સાગરમાલા પ્રોજેક્ટ અંતર્ગત છેલ્લાં બે વર્ષમાં રૂ.20.65 કરોડ ફાળવાયા

 

રાજ્યમાં સામુદ્રિક વેપારને પ્રોત્સાહન આપવાના હેતુથી મોરબી તથા કચ્છ જિલ્લાની સરહદે આવેલા નવલખી ખાતે બંદરીય ક્ષમતા વધારવા માટે કુલ 485 મીટરની નવી જેટી બનાવવાનું આયોજન કરવામાં આવ્યું છે. જે અંતર્ગત કેન્દ્ર સરકારની સાગરમાલા યોજના હેઠળ કાર્ગોની હેરફેર માટેની 100 મીટર જેટી માટે છેલ્લાં બે વર્ષમાં રૂ.20.65 કરોડની ફાળવણી ગુજરાત મેરીટાઇમ બોર્ડને કરવામાં આવી હોવાનું વિધાનસભા ગૃહમાં જણાવવામાં આવ્યું હતું.

કચ્છના અખાતમાં આવેલું નવલખી બંદર માલ સામાનના સમુદ્રી પરિવહન માટેની કુદરતી ક્ષમતા ધરાવે છે. ત્યારે કેન્દ્ર સરકારની સાગરમાલા યોજના સાથે સાંકળીને નવલખીની બંદરીય ક્ષમતાને વિકસાવવાનું અને 485 મીટરની નવી જેટી બનાવવાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાંથી નવી જેટી તથા બેકઅપ એરિયાની 41 ટકા ભૌતિક કામગીરી પૂર્ણ થઈ ચૂકી છે.આ માટે સાગરમાલા પ્રોજેક્ટ અંતર્ગત કુલ રૂ.41.30 કરોડની સહાય આપવામાં આવનાર છે.

જેમાંથી છેલ્લાં બે વર્ષમાં ગુજરાત મેરીટાઇમ બોર્ડને રૂ.20.65 કરોડની ફાળવણી પણ થઈ ચૂકી છે.આ ઉપરાંત, નવલખીથી પીપળીયા ચાર રસ્તા સુધીના 23 કિમી રસ્તાને ફોર લેન કરવાની કામગીરી નેશનલ હાઇવે ઑથોરિટી ઑફ ઇન્ડિયા દ્વારા શરૂ કરવામાં આવી છે. જ્યારે રેલ સુવિધા માટે ભારતીય રેલવે દ્વારા તજ્જ્ઞ ક્નસલ્ટન્ટના પરામર્શમાં કામગીરી ચાલી રહી હોવાનું જણાવાયું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.