Abtak Media Google News

બેલા પીપળીથી નવા પીપળી બાઇક પર આવતા યુવાનના બાઇક સાથે ત્રણ શખ્સોએ કાર ભટકાડી રૂા.29 લાખની રોકડ સાથેનો થેલો ઝૂંટવી ફરાર

લૂંટનો ભેદ ઉકેલવા એલસીબી, એસઓજી અને મોરબી તાલુકા પોલીસ દ્વારા તપાસનો ધમધમાટ

હાઇ-વે પર નાકાબંધી કરાઇ: સીસીટીવી ફૂટેજની મદદથી તપાસ: લૂંટમાં જાણભેદુની સંડોવણીની શંકા

મોરબી તાલુકાના નવી પીપળી અને જૂની પીપળી રોડ પર ગત રાતે બાઇક ચાલક કેલેફેકશન ટેકનો પ્રા.લી.ના કેશિયરના બાઇક સાથે ત્રણ અજાણ્યા શખ્સોએ કાર ભટકાડી ઢીકાપાટુ મારી રૂા.29 લાખની રોકડ સાથેના થેલાની દિલ ધડક લૂંટ ચલાવ્યાની પોલીસમાં ફરિયાદ નોંધાતા સનસનાટી મચી ગઇ છે. લૂંટ ચલાવી જૂની પીપળી તરફ કાર લઇ ભાગી છુટેલા ત્રણ અજાણ્યા છુટેલા ત્રણેય અજાણ્યા શખ્સો સામે ગુનો નોંધી લૂંટનો ભેદ ઉકેલવા પોલીસે હાઇ-વે પર નાકાબંધી કરી સીસીટીવી ફુટેજની મદદ લઇ સઘન તપાસ હાથધરી છે. લૂંટની ઘટનાની જાણ થતા મોરબી એલસીબી, એસઓજી અને મોરબી તાલુકા પોલીસ મથકનો કાફલો ઘટના સ્થળે પહોચી વિવિધ દિશામાં તપાસ હાથધરી છે.

Advertisement

આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ મોરબીના નવી પીપળી ગામે રામજી મંદિર પાછળ રહેતા અને છેલ્લા ચારેક વર્ષથી બેલા પીપળી ગામે એસ્સાર પેટ્રોલ પંપ પાસે આવેલી કેલેફેકશન ટેકનો પ્રા.લી. નામની કંપનીમાં કેશિયર તરીકે નોકરી કરતા ચંદ્રેશભાઇ સવજીભાઇ શિરવી નામના 36 વર્ષના પટેલ યુવાને ગતરાતે ત્રણ અજાણ્યા શખ્સોએ બાઇક સાથે કાર અથડાવી રૂા.29 લાખની રોકડ સાથે લૂંટ ચલાવી ભાગી ગયા અંગેની તાલુકા પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.

ચંદ્રેશભાઇ શિરવી ગઇકાલે ફેકટરીએ ગયા ત્યારે કંપનીમાં મહાદેવ આંગડીયા પેઢીમાંથી રૂા.10 લાખનું આંગડીયું આવ્યું હતું. અને કંપનીના માલિક હિતેશભાઇ રમેશભાઇ દલસાણીયાએ રૂા.20 લાખ રોકડા આપ્યા હતા. તેમાંથી રૂા.1 લાખ ભાડુ ચુકવ્યું હતુ અને બાકીના રૂા.29 લાખની રોકડ લઇને બાઇક પર પોતાના ઘરે જતો હતો ત્યારે જુની પીપળી અને નવી પીપળી રોડ પર કાચા રસ્તે પહોચ્યો ત્યારે પાછળથી આવેલી કાર અથડાતા પોતે પડી ગયો હતો.

ચંદ્રેશ શિરવી કંઇ સમજે તે પહેલાં કારમાંથી ત્રણ અજાણ્યા શખ્સો નીચે ઉતર્યા હતા અને ઢીકાપાટુ મારી તેની પાસેથી રૂા.29 લાખની રોકડ સાથેનો થેલાની લૂંટ ચલાવી કારમાં જૂની પીપળી તરફ ભાગી ગયા હતા. ચંદ્રેશ શિરવીએ લૂંટના બનાવની જાણ પોતાના શેઠ હિતેશભાઇ દલસાણીયાને કરતા તેઓ ઘટના સ્થળે પહોચી બાઇક સાથે કાર અથડાવવાથી ચંદ્રેશ શિરવીના પગમાં ઇજા થઇ હોવાથી તેને સારવાર માટે મોરબીની શિવમ હોસ્પિટલ લઇ ગયા હતા.

કેલેફેકશન ટેકનો પ્રા.લી.ના કેશિયર ચંદ્રેશ શિરવીની પોલીસ દ્વારા કરાયેલી પૂછપરછમાં કારમાં આવેલા ત્રણેય અજાણ્યા શખ્સો અંદાજે 25 વર્ષના હોવાનું જણાવ્યું હતું પરંતુ કાર કંઇ કંપનીની છે અને તેના નંબર જોઇ શકયો ન હોવાનું જણાવ્યું હતું. લૂંટના બનાવની જાણ થતા મોરબી એલસીબી, એસઓજી અને મોરબી તાલુકા પોલીસે હાઇવે પર નાકાબંધી કરાવી હતી તેમજ સીસીટીવી ફુટેજ મેળવી લૂંટનો ભેદ ઉકેલવા સઘન તપાસ હાથધરી છે.

રૂા.29 લાખની લૂંટની ઘટનામાં જાણભેદુની સંડોવણીની શંકા વ્યક્ત થઇ રહી છે. ત્રણેય લૂંટારા કાર લઇ બેલા પીપળી ખાતેની કેલેફેકશન પ્રા.લી.થી જ પીછો કરતા હોવાનું જણાય રહ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.