Abtak Media Google News

પત્ની પરપુરૂષ સાથે ભાગી જતા સાળી સાથે મૈત્રી કરાર કરતા રોષે ભરાયેલા સાસરીયાથી જીવ બચાવી યુવક ભગુપુર આવ્યો

યુવકની માતાને માર મારી પ્રેમિકાનું અપહરણ કર્યુ : હત્યાના ડરથી માતા-પુત્રએ ગળાફાંસો ખાઇ જીવન ટૂંકાવ્યું: લાશ સ્વીકારવા ઇન્કાર

લીંબડી નજીક ચુડાના ભગુપુર ગામના યુવકે પોતાના સાસરીયાના ત્રાસથી કંટાળી માતા સાથે ગળાફાંસો ખાઇ આપઘાત કરતા મૃતકના પરિવારમાં શોક સાથે અરેરાટી મચી ગઇ છે. આત્મહત્યાની ફરજ પાડનાર ત્રણ મહિલા સહિત પોલીસે બાર સામે ગુનો નોંધ્યો છે. તેઓની ધરપકડ ન થાય ત્યાં સુધી મૃતદેહ સ્વીકારવાનો ઇન્કાર કરવામાં આવ્યો છે. માતા-પુત્રની આત્મહત્યા પાછળ મૃતકની પત્ની પરપુરૂષ સાથે ભાગી જતાં પોતાની સાળી સાથે મૈત્રી કરાર કર્યા હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે.

Advertisement

આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ ચુડાના ભગુપુર ગામે રહેતી પ્રેમબેન ગોવિંદભાઇ પરમાર અને તેમના પુત્ર લક્ષ્મણ ગોવિંદભાઇ પરમારે પોતાના ઘરે ગળાફાંસો ખાઇ લેતા બંનેના ઘટના સ્થળે મોત નીપજ્યાનું પોલીસમાં નોંધાયું છે.

મૃતક લક્ષ્મણભાઇ પરમાર અમદાવાદના બાપુનગરના કબીર વાડી ખાતે રહેતા કિશોરભાઇ અરજણભાઇ વાઘેલાની પુત્રી શારદા સાથે 16 વર્ષ પહેલાં લગ્ન થયા હતા તેમને 13 વર્ષની એક પુત્રી હર્ષિદા છે. દરમિયાન સાતેક વર્ષ પહેલાં લક્ષ્મણ પોતાની સાળી પાયલના પરિચયમાં આવ્યા હતા. શારદા પોતાના પતિ લક્ષ્મણના મામાના દિકરા ભાગી જતા લક્ષ્મણે પોતાની સાળી પાયલ સાથે ગત તા.27-10-22ના રોજ મૈત્રી કરાર કર્યા હતા.

લક્ષ્મણ અને પાયલે મૈત્રી કરાર કરતા તેના સાસરીયા દ્વારા ત્રાસ દેવામાં આવતા લક્ષ્મણ અને પાયલ પોતાના વતન ભગુપુર રહેવા આવ્યા હતા તેનો પીછો કરી ટ્રક લઇને અમદાવાદથી ભગુપુર આવેલા સાળા કરણ કિશોર વાઘેલા, જીજ્ઞેશ કિશોર વાઘેલા, કાકાજી રમેશ અરજણ વાઘેલા, કિર્તી રમેશ પરમાર, કોમલ કરણ વાઘેલા, ભાવેશ કિશન રાઠોડ, વિપુલ ચાવડા, ચેતન જગદીશ પરમાર, નવલ મગન મકવાણા, લીલા રમેશ વાઘેલા, વાઘજી ડાયા અને કિશોર અરજણ વાઘેલા ઘસી આવ્યા હતા.

ટ્રકમાં મોટી સંખ્યામાં અમદાવાદથી ઘસી આવેલા સાસરીયાને જોઇ લક્ષ્મણ પરમાર પોતાનો જીવ બચાવી ભાગી ગયો હતો આથી તમામ શખ્સો લક્ષ્મણની માતા પ્રેમબેન પરમારને માર મારી પાયલનું અપહરમ કરી અમદાવાદ જતા રહ્યા બાદ ફરી પાછા ટ્રકમાં લક્ષ્મણ પરમારને શોધવા અમદાવાદથી ભગુપુર આવતા સાસરીયાના ડરના કારણ લક્ષ્મણ પરમાર અને તેની માતા પ્રેમબેન પરમારે પોતાના ઘરે ગળાફાંસો ખાઇ આપઘાત કર્યો હતો.

પોલીસ મૃતક લક્ષ્મણ પરમારના કુટુંબી કાકાની ફરિયાદ પરથી ત્રણ મહિલા સહિત બાર શખ્સો સામે આત્મહત્યાની ફરજ પાડવા અંગેનો ગુનો નોંધી તપાસ હાથધરી છે. લક્ષ્મણ પરમારના જીવનું જોખમ હોવા અંગેની પોલીસમાં લેખિત અરજી આપી હોવા છતાં પોલીસ દ્વારા સમયસર કાર્યવાહી ન કરવામાં આવ્યાના આક્ષેપ કરવામાં આવી રહ્યા છે. અને જવાબદારોની ધરપકડ ન થયા ત્યાં સુધી મૃતદેહ સ્વીકારવાનો ઇન્કાર કરતા પોલીસમાં દોડધામ મચી ગઇ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.