મોરબી: રૂ.1.19 કરોડની લૂંટના ગુનામાં વોન્ટેડ આંતર જિલ્લા તસ્કર પકડાયો

રાજકોટ ગ્રામ્ય એસ.ઓ.જી.એ જસદણ નજીકથી ઝડપી પાડ્યો: 10થી વધુ ગુનામાં પોલીસ ચોપડે ચડી ચુક્યો

અબતક, જસદણ

જસદણ તાલુકાના ગઢડીયા ચોકડી પાસેથી રૂા.1.19 કરોડની લૂંટ અને મારામારીના ગુનામાં વોન્ટેડ રીઢા તસ્કરને એસ.ઓ.જી.એ ઝડપી લઇ ધોરણસરની કાર્યવાહી હાથધરી છે.

વધુ વિગત મુજબ રાજકોટ રેન્જમાં વધતા-જતા આર્થિક ગુનાઓને અટકાવવા અને વણઉકેલ ગુનાઓનો ભેદ ઉકેલવા આઇ.જી.સંદીપસિંઘે અને એસ.પી. જયપાલસિંહ રાઠોડે આપેલી સુચનાને પગલે એસ.ઓ.જી.ના ઇન્ચાર્જ પી.આઇ.વી.વી.ઓડેદરા સહિતના સ્ટાફે પેટ્રોલીંગ હાથધર્યું હતું.

સાયલા તાલુકાના કસવાળી ગામે રહેતો વિનોદ ઉર્ફે દેવો ખેંગાર મંદુરીયા નામના શખ્સ જસદણ તાલુકાના ગઢડીયા ચોકડી પાસે ગુના કરવાના ઇરાદે હોવાની હેડ કોન્સ્ટેબલ જયવિરસિંહ ઝાલા, હિતેશભાઇ અગ્રાવત અને કોન્સ્ટેબલ રણજીતભાઇ ધાંધલ સહિતના સ્ટાફે ગોઠવેલી વોંચમાં વિનોદ ઉર્ફે દેવા મંદુરીયાની અટકાયત કરી હતી.

ઝડપાયેલા શખ્સ મોરબી શહેરમાં રૂ.1.19 લાખની લૂંટમાં અને જસદણ પંથકમાં મારામારીના ગુનામાં વોન્ટેડ હોય તેમજ તેની સામે બોટાદ, અમદાવાદ, રાજકોટ અને સુરેન્દ્રનગર જિલ્લાના મળી 10 પોલીસ મથકના ચોપડે ચોરીના ગુનામાં ચડી ચુક્યો છે.