Abtak Media Google News

રાજ્ય સરકાર દ્વારા ગુજરાતમાં આરંભાયેલા સુજલામ સુફલામ જળ અભિયાન અંતર્ગત જિલ્લાના ઉપલેટા તાલુકાના ૧૦ હજારથી વધુ લોકોની વસ્તી ધરાવતા ઢાંક ગામ પાસે આવેલ ભીમસર તળાવને પણ ઉંડુ કરવાનું અભિયાન મનરેગા હેઠળ હાથ ધરાયું હતું. જેના કારણે આસપાસના વિસ્તારના ૫૨૦ જેટલા ગ્રામિણોને ૯૭૨૦ માનવદિન રોજગારી મળી હતી. જેમાં રૂપિયા ૯ લાખથી વધુ રકમના ખર્ચે ૨૭૭૩ ઘનમીટર ઉંડા ઉતારેલ આ તળાવમાં ઓણસાલ મેઘની મહેર થતાં જ શ્રમિકોનો પરસેવો વરસાદી પાણી રૂપી પારસમણી બનીને ભીમસર તળાવને છલકાવી દિધુ છે.

મનરેગા અંતર્ગત આ તળાવને શ્રમદાન થકી ઉંડુ ઉતારવાના કાર્યમાં જોડાયેલા શ્રમયોગી કિશોરભાઇ ગજેરાએ વરસાદી નીરથી ભરાયેલા આ તળાવને જોઇ હરખાતા હરખાતા જણાવ્યું હતુ કે મનરેગાનું આ કામ મારા જેવા શ્રમિકો માટે સ્વાર્થ સાથે પરમાર્થનું કામ સાબિત થયું છે. ગામના જ ૧૦ વીઘા ખેતીની જમીનના માલીક દિપકભાઇ નરશીભાઇ ગજેરાએ જણાવ્યું કે, આ સાલ તળાવમાં ભરાયેલા પાણીને કારણે જમીનના તળ પાણીથી ભરાયેલા રહેતા અહીંના ખેડૂતો ત્રણ સીઝનમાં પાક લઈ શકશે. રાજકોટ જિલ્લામાં આવા કુલ ૫૪ તળાવોને મનરેગા હેઠળ લોકડાઉનના સમયમાં ઉંડા કરવામાં આવ્યા હતા.

રાજકોટ જિલ્લામાં પણ ગ્રામીણ શ્રમિકોને રોજગારી મળી રહે તે હેતુસર જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક જે.કે.પટેલના માર્ગદર્શન હેઠળ ૮૦ થી વધુ  ગામોમાં ૧૧૯ જેટલા વિકાસ કામો દ્વારા ૨૦ હજારથી વધુ લોકોને રૂપિયા પાંચ કરોડ ૪૩ લાખના ખર્ચે બે લાખ ૯૫ હજારથી વધુ માનવદિન રોજગારી અપાઇ હતી. આ કામોમાં સામાજીક વનીકરણ, તળાવ ઉંડું કરવા સહિતના કામોની સાથે માળખાકીય વિકાસના કામોનો સમાવેશ કરાયો હતો. જે પૈકી તળાવો ઉંડા કરવાના ૫૪ કામો થયા હતા.

ગ્રામિણ શ્રમિકોને ઘર આંગણે રોજગારીની સાથે જળસંચય અને ગ્રામિણ અર્થતંત્રને ધબકતું રાખવાના ત્રિવિધ હેતુને સર કરતી આ યોજના દ્વારા ગુજરાતના અનેક ગ્રામિણ શ્રમિકોને આર્થિક મદદની સાથે વિકાસના કામોને આગવી દિશા આપવાનું કાર્ય થયું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.